Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ફેસબૂક એકાઉન્ટ પર ડો. બાબાસાહેબ વિશે ખરાબ ટીપ્પણીઃ જામકંડોરણાના સુરપાલસિંહ સામે ગુનો

યુવાને પોતે ડો. આંબેડકર સાહેબને ફુલહાર કરતો હોય તેવો ફોટો અપલોડ કરતાં ગરાસીયા શખ્સે એલફેલ લખી બાદમાં ફોનમાં વાતચીત કરી ગાળાગાળી કરી ઓડિયો કલીપ પણ વાઇરલ કરી દીધીઃ રાજકોટના ફેનીલ દાફડાની ફરિયાદ પરથી આઇ. ટી. એકટ અને એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૭: કાલાવડ રોડ પર આંબેડકરનગર-૩માંરહેતાં અને આજીડેમ ચોકડી પાસે પોલિટેકનીકમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં ફેનીલ મુકેશભાઇ દાફડા નામના છાત્રએ પોતાના ફેસબૂક એકાઉન્ટમાં પોતે ડો. બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કરતો હોય તેવો ફોટો અપલોડ કરતાં અનેક લોકોએ લાઇક કરી અમુકે જય ભીમ લખ્યું હતું. પરંતુ જામકંડોરણાના પાદરીયા ગામના સુરપાલસિંહ જાડેજાએ આ પોસ્ટ નીચે ખરાબ કોમેન્ટ કરી તેમજ આ છાત્રને ગાળો દેતાં અરજી થઇ હતી. તેના આધારે તાલુકા પોલીસે આઇપીસી ૧૫૩ (ક), ૨૯૫ (ક), ૨૯૮, આઇટી એકટ કલમ-૩ એટ્રોસીટી એકટ ૩, ૧ (એસ) હેઠળ ગુનો નોંધી અટકાયતની કાર્યવાહી કરી છે.

છાત્રએ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૧૨/૩ના રોજ મેં ડો. બાબાસાહેબને હું હાર પહેરાવતો હોય તેવો ફોટો મારી ફેસબૂક આઇડી પર પોસ્ટ કર્યો હતો. જેમાં સુરપાલસિંહે ખરાબ કોમેન્ટ કરી હતી. એ પછી તેણે તેનો ફોન નંબર આપી વાત કરવા કહેતાં મેં તેના પર વાત કરતાં તેણે મને જેમ તેમ ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો. તેમજ તારાથી જે થાય તે કરી લેજે તેમ કહી વધુ ગાળો દીધી હતી. એ પછી તેણે અમારા બંને વચ્ચેની વાતચીતની ઓડિયો કલીપ પણ વાયરલ કરી દીધી હતી. આથી મેં કાર્યવાહી કરવા અરજી આપી હતી. તેના આધારે ગુનો નોંધાયો છે.

તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પી.એસ.આઇ. સી.એચ. આસુન્દ્રાએ ગુનો નોંધી પાદરીયા ગામના સુરપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજાની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

(11:59 am IST)