Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સબ રજીસ્ટાર કચેરીના ઝોન - ૩ અને ૪માં ૬ દિવસથી કેબલ કપાવવાને કારણે ઓનલાઈન દસ્તાવેજ કામગીરી ઠપ્પ : વકીલો - અરજદારોમાં ભારે દેકારો : રજૂઆત

કલેકટરને રજૂઆત બાદ તુરંત જ અધિકારીઓ દોડાવાયા : કલેકટરે જી સ્વાનના અધિકારીઓનો બરાબરનો ઉધડો લીધો

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ સબ રજીસ્ટાર કચેરીઓના કુલ ૮ ઝોનમાંથી ઝોન - ૩ અને ૪માં ઓનલાઈન દસ્તાવેજ અને સાટાખત સહીતની કામગીરી કેબલ કપાઈ જવાને કારણે સતત ૬ દિવસથી બંધ હોય અને આજે બપોરે અઢી વાગ્યે પણ ચાલુ ન થઈ શકી હોય દસ્તાવેજ નોંધણી કરાવનાર વકીલો અને અરજદારોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. આ સંદર્ભે આજેવકીલો અને અરજદારો કલેકટર કચેરી ખાતે દોડી ગયા હતા. કલેકટર અને એડી. કલેકટરને ઉગ્ર રજૂઆતો કરી હતી. આ પછી કલેકટરની સુચનાથી એડીશ્નલ કલેકટરે તુરત જ જી સ્વાનના અધિકારીઓને બોલાવી તપાસ કરાવી હતી. ૬ દિવસ થયા કેબલ કપાઈ જવાને કારણે સરકારને લાખો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની આવક ગુમાવવી પડી છે. એડીશ્નલ કલેકટરે ઉપરોકત બંને ઝોનમાં તાકીદે કાર્યવાહી શરૂ થાય તે માટે અધિકારીઓ દોડાવ્યા છે. કલેકટરે પણ જી સ્વાનના અધિકારીઓનો ૬-૬ દિવસથી કામગીરી બંધ હોય કેબલ રીપેરીંગ કામગીરી થઈ નહોય બરોબરનો ઉધડો લીધો હતો અને સાંજે ૫ વાગ્યા સુધીમાં આ કામગીરી ચાલુ થઈ જાય તે પ્રમાણે કરવા આદેશો કર્યા હતા.

(4:04 pm IST)