Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

પીજીવીસીએલનો કર્મચારી ૨૩ હજારમાં મોઢું નાખતો ઝડપાયો

રાજકોટ એસીબીના છટકામાં રંગે હાથ સપડાઇ ગયો

રાજકોટ,તા. ૧૭: પીજીવીસીએલના વાવડી સબ ડિવિઝન હેઠળ આવતી એક ફેકટરીનું વીજ કનેકશન વીજકંપનીએ કાપી નાખ્યું હતું અને તેનું વીજમીટર પણ ઉતારી નાખ્યું હતું. કપાયેલું વીજ કનેકશન ચાલુ કરવા માટે કારખાનેદારે અરજી કરી હતી.જે વાવડી સબ ડિવિઝનના ઇલેકિટ્રકલ આસિસ્ટન્ટ પરેશ વસંત ટીમાણિયા સુધી પહોંચી હતી. આરોપીએ વીજમીટર નાખી દેવાની અવેજમાં રૂ.૨૩ હજારની લાંચ માગી હતી. જે માગને સ્વીકારી કારખાનેદારે રાજકોટ એસીબીને જાણ કરી હતી.

રાજકોટ એસીબીના પીઆઇ એમ.એમ.સરવૈયા સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. મંગળવારે બપોરે ૧૨ વાગ્યે નક્કી થયા મુજબ કારખાનેદાર ગોંડલ રોડ પર ક્રિષ્નાપાર્ક હોટેલ સામે પહોંચ્યા હતા અને લાંચની રકમ લેવા માટે પરેશ ટીમાણિયા પણ પહોંચ્યો હતો.પીજીવીસીએલના ઇલે. આસિ.પરેશ ટીમાણિયાએ લાંચના રૂ.૨૩ હજાર સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. પરેશ ટીમાણિયા લાંચ લેતા ઝડપાયાની વાત વાયુવેગે ફેલાઇ જતાં પીજીવીસીએલના અન્ય લાંચિયા કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.

(4:00 pm IST)