Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

નેક કમિટિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં: કાલથી મૂલ્યાંકન શરૂ

નેક પીઅર ટીમના ચેરમેન પદે ડો. પંડીત વિદ્યાસાગરઃ ૨૯ ભવનો અને અન્ય વિભાગોની મુલાકાત માટે સાંજે પ્રિ-વિઝીટ મીટીંગઃ આઈકયુએસીના ચેરમેન પ્રો. નિતીનભાઈ પેથાણી અને ડાયરેકટર પ્રો. ગીરીશભાઈ ભીમાણીના નેતૃત્વમાં તમામ તૈયારીઓ પૂર્ણઃ કર્મચારીઓ-છાત્રોમાં ઉત્સાહ

રાજકોટ, તા. ૧૭ :. સમગ્ર દેશમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સતત વધે તે માટે દર ૫ વર્ષ યુજીસીની નેક કમિટિ દ્વારા મૂલ્યાંકન થાય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મૂલ્યાંકન કરવા માટે ૬ પૈકી ૪ સભ્યો રાજકોટ આવી પહોંચ્યા છે. બે સભ્યો આવતીકાલે વહેલી સવારે આવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મૂલ્યાંકન કરવા આવેલી નેક પીઅર ટીમના ચેરમેન અને એસઆરટીએમ યુનિવર્સિટીના કુલપતિ ડો. પંડીત વિદ્યાસાગર, મેમ્બર કોર્ડીનેટર બનારસ વિશ્વ વિદ્યાલય વારાણસીના ડો. ધર્મેન્દ્રકુમાર મિશ્રા, ડો. પી. સુબ્રમણ્યમ, પ્રો. સંદીપ જૈન સહિત ૬ સભ્યો છે. આજે સાંજે તમામ નેક કમિટિના સભ્યો અને યુનિવર્સિટીના સત્તા મંડળના સભ્યો વચ્ચે પ્રિ-વિઝીટ ડીસ્કશન મીટીંગ યોજાય છે. જેમા યુનિવર્સિટીના ૩ દિવસના કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા-વિચારણા કરશે.

આઈકયુએસીના ચેરમેન અને કુલપતિ પ્રો. નિતીનભાઈ પેથાણી અને ડાયરેકટર ડો. ગીરીશભાઈ ભીમાણીના નેતૃત્વમાં તમામ શૈક્ષણિક અને બીનશૈક્ષણિક કર્મચારીઓ નેક કમિટિ સમક્ષ ઉત્સાહભેર ઉત્કૃષ્ઠ પ્રદર્શન માટે કટીબદ્ધ થયા છે. તા. ૧૮થી તા. ૨૦ સુધી નેક કમિટિ સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૦૦ કલાક સુધી વિવિધ શૈક્ષણિક ભવનો અને વહીવટી વિભાગની મુલાકાત કરનાર છે. ૨૯ ભવનો અને તમામ વહીવટી વિભાગોમાં ગંદકી દૂર કરીને ચોખ્ખુ ચણાંક કરવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલ સ્પોર્ટસ સંકુલ, વિમેન્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ, ફોરેન સ્ટુડન્ટ હોસ્ટેલ, ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીટ હાઉસ, સેનેટ હોલ, એનએફડીડી ભવન, એચઆરડીસી ભવન, જીપીએસસી-સીસીડીસી ભવન, પરીક્ષા ભવન સહિતના નિરીક્ષણ કરનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક ભવનોનું સંશોધન કાર્ય વિશ્વકક્ષાનું છે. અનેક સાયન્સ ભવનોએ તો પેટન્ટ પણ મેળવી છે.

નેક કમિટિ સમક્ષ આઈકયુએસીના ચેરમેન ડો. નિતીનભાઈ પેથાણી, કુલનાયક વિજયભાઈ દેશાણી, ડાયરેકટર ગીરીશભાઈ ભીમાણી, રજીસ્ટ્રાર જતીનભાઈ સોની, સમીરભાઈ વૈદ્ય, હિતેન્દ્રભાઈ જોશી, ડો. રાહુલ, પ્રો. દિલીપભાઈ કુબેરકર, પ્રો. નિલામ્બરીબેન દવે, પ્રો. મીહીરભાઈ જોશી, પ્રો. નીતાબેન ઉદાણી, સંજયભાઈ ભાયાણી, પ્રો. ચંદ્રેશભાઈ કુંભારણા, મેહુલભાઈ રૂપાણી, પ્રો. વિમલભાઈ પરમાર, વી.પી. વૈષ્નવ, ડી.વી. મહેતા, મુકેશ દોશી સહિતના ઉપસ્થિત રહેશે.

(2:54 pm IST)