Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

આજીડેમ ચોકડી પાસે ભવાની કોમ્પલેક્ષમાં ચિરાગ અને તેના પત્નિ કાજલ પર હુમલો

ઘાયલ યુવાનનો આક્ષેપ-વ્યાજે લીધેલા નાણા ચુકવી દીધા છતાં વધુ માંગી ભાવેશ હેરભા અને તેના પિતાએ હુમલો કર્યોઃ ચિરાગ સામે વળતી ફરિયાદ : પત્નિને વાળ ખેંચી નીચે લઇ જવાઇઃ લોકો ભેગા થતાં માથાકુટ કરનારા ભાગી ગયા

રાજકોટ તા. ૧૭: આજીડેમ ચોકડી પાસે ભવાની કોમ્પલેક્ષમાં રહેતાં ચિરાગ અમિતભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦) અને તેની પત્નિ કાજલ (ઉ.વ.૨૮) રાતે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાને ભાવેશ હેરભા અને તેના પિતા કિશોરભાઇ તથા એક મહિલા દ્વારા મારકુટ કરવામાં આવ્યાનું કહેતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

સામા પક્ષે જંગલેશ્વર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતાં કિશોરભાઇ કાથડભાઇ હેરભા (ઉ.વ.૬૩) પણ પોતાને ચિરાગે છરીથી ઇજા કર્યાની રાવ સાથે દાખલ થયા હતાં.

ચિરાગ સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. તેણે આક્ષેપો સાથે કહ્યું હતું કે મેં દોઢ લાખ રૂપિયા ધંધાના કામે ભાવેશ પાસેથી લીધા હતાં. તેનું એક વર્ષ વ્યાજ  દીધું હતું. હજુ વધુ નાણા માંગી તે માથાકુટ કરે છે. રાતે તે અને તેના પિતાએ ઘરે આવી મારકુટ કરી હતી અને મને ગળા પર છરીથી છરકો કરી દીધો હતો. મારી પત્નિ કાજલ વચ્ચે પડતાં તેને વાળ પકડી ખેંચીની ત્રીજા માળેથી નીચે લઇ ગયા હતાં. લોકો ભેગા થઇ જતાં બંને બાપ દિકરો ભાગી ગયા હતાં.

પોલીસે તેની ફરિયાદ પરથી ભાવેશ અને કિશોરભાઇ તથા મીનાબેન કિશોરભાઇ સામે મારામારી કરવાનો ગુનો નોંધ્યો હતો. સામા પક્ષે કિશોરભાઇની ફરિયાદ પરથી ચિરાગ સામે એનસી ગુનો નોંધાયો છે. પૈસાની લેતીદેતીનો મામલો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ભગવતીપરામાં વેલ્ડીંગની દૂકાનવાળાએ જાવેદને માર માર્યો

ભગવતીપરા-૨માં રહેતો જાવેદ ઇબ્રાહીમભાઇ બાવકા (ઉ.૨૬) ઘર નજીક વેલ્ડીંગ કામ કરાવવા ગયો ત્યારે વેલ્ડીંગની દૂકાનવાળા સાથે બોલાચાલી થતાં તેણે ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(12:53 pm IST)