Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ચારણ ગઢવી સમાજનું ગૌરવ, રાજયના પ્રથમ મહિલા DYSP ઋતુ રાબા લગ્નગ્રંથીથી જોડાશે

બુધવારે ચિ.સુરજીત મહેદુ (DYSP) સાથે પ્રભુતામાં પગલા પાડશે : ભવ્યાતિભવ્ય સમારંભ

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આમંત્રણ આપવા આવેલા ડીવાયએસપી ઋતુ રાબા સાથે તેમના પિતાશ્રી અમરશી રાબા નજરે પડે છે. આ તકે અકિલાના આટકોટના પ્રતિનિધિ વિજયભાઈ વસાણી પણ ઉપસ્થિત છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૧)

રાજકોટ : રાજયના પ્રથમ મહિલા ડીવાયએસપી અને ચારણ ગઢવી સમાજના ગૌરવસમા એવા ઋતુ રાબા લગ્નજીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જોગાનુજોગ તેઓના લગ્ન જીવનસાથી પણ ડીવાયએસપી છે.

મુળ સુરેન્દ્રનગરના બોરાણા ગામના વતની એવા શ્રીમતી ગીતાબેન અને શ્રી અમરસિંહ રાબાની સુપુત્રી ચિ. ઋતુ (ડીવાયએસપી)ના શુભલગ્ન શ્રીમતી ભારતીબેન તથા શ્રી ઘનશ્યામદાન મહેદુના સુપુત્ર ચિ. સુરજીત (ડીવાયએસપી) સાથે તા.૧૯ના બુધવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

ઋતુ રાબાને વર્ષ ૨૦૧૫માં કાલાવડ અને ધ્રોલમાં સૌપ્રથમ વખત ચીફ ઓફીસર તરીકે પોસ્ટીંગ મળેલુ. તેઓએ મેળવેલી અપાર સિદ્ધિનો યશ માતા-પિતાને આપતા જણાવેલ કે ૨૦૧૩માં એન્જીનિયરીંગ પૂર્ણ કરી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયેલા. ૨૦૧૪માં સ્પીપા - અમદાવાદમાં અભ્યાસ ચાલુ હતો ત્યારે જ જોબ મળી હતી. ૨૦૧૫થી ૨૦૧૭ સુધી ચીફ ઓફીસર તરીકે સેવા આપી હતી. પરંતુ તેઓને ડીવાયએસપી બનવાની મહેચ્છા હતી. જે તેઓએ પૂર્ણ કરી હતી.

તેઓ કહે છે કે મારી મહેનત, લગન સાથે પિતા અમરસિંહભાઈ પુનાભાઈ રામા અને માતા ગીતાબેનનો ખૂબ જ સહયોગ મળ્યો છે. પરીવારમાં નાનો ભાઈ વિષ્મય કોલેજમાં અભ્યાસ કરે છે.

ઋતુ રાબા (મો.૯૯૦૯૦ ૩૬૭૩૬) હાલમાં ગાંધીધામમાં સેવા આપી રહ્યા છે. તેઓના બનનાર પતિ શ્રી સુરજીત મહેરૂ (ડીવાયએસપી) હાલ ભરૂચમાં સેવા આપી રહ્યા છે.

(3:43 pm IST)