Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રાજકોટમાં ઈસરોના વૈજ્ઞાનિકો બાળકોને રોકેટ બનાવતા શીખવાશે

રંગીલુ રાજકોટ બનશે વિજ્ઞાનમયઃએ.વી.પી.ટી.આઈ. અને વી.વી.પી.ના સંયુકત ઉપક્રમે આયોજન : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમીતે ''ઈસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ-૨૦૨૦'': ઈસરોના આવિષ્કારો મોડેલ પ્રદર્શીત થશે, વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશેઃ વિવિધ શાળાઓના શ્રેષ્ઠ પ્રોજેકટનું પ્રદર્શન

રાજકોટ,તા.૧૭: એન્જીનીયરીંગ ક્ષેત્રે તેમજ ઈલેકટ્રોનીકસ અને વાયરલેસ ટેલીગ્રાફીની શિક્ષણક્ષેત્રે શરૂઆત કરનાર એ.વી.પી.ટી.આઈ.કોલેજ, ઈજનેરી શિક્ષણ ક્ષેત્રે સંસ્કાર અને ડીગ્રી ઈજનેરી કોલેજ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ, એ.વી.પી.ટી.આઈ.એલ્યુમ્ની એસોસીએશન અને વિજ્ઞાન પ્રસાર સંલગ્ન (ન્યુ દિલ્હી) રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે ''રાષ્ટ્રીય વિજ્ઞાન દિન'' નિમિતે ''ઈસરો પ્રદર્શન એન સાયન્સ કાર્નિવલ ૨૦૨૦''નું આયોજન તા.૨૬, ૨૭ અને ૨૮ ફેબ્રુઆરીના રોજ એ.વી.પી.ટી.આઈ. કોલેજ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

ઈસરો ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના વર્ષ ૧૯૬૯માં કરવામાં આવી. ડો.વિક્રમ સારાભાઈએ સ્પેસ ટેકનોલોજીના રોલ અને મહત્વ ભારતના વિકાસ માટે દર્શાવી. આજે ઈસરો વિશ્વની સૌથી ૬ મોટી સ્પેસ એન્જન્સીમાં સ્થાન ધરાવે છે. ઈસરો કોમ્યુનીકેશન સેટેલાઈટ, રીમોર્ટ સેન્સીંગ સેટેલાઈટ દ્વારા વર્તમાન સમયની સૌથી ઝડપી સંદેશો આદાન- પ્રદાન ટેકનોલોજી અને પૃથ્વીના નિરીક્ષણની જરૂરીયાત પૂરી કરે છે. ઈસરો ચેનોલો- કાર્યક્રમોનું પ્રસારણ, સંદેશા વ્યવહાર વિશે જાણકારી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ- આપતિ નિવારણ ટુલ્સ, દિશાસૂચન, ટેલીમેડીસન, શિક્ષણ વ્યવસ્થા વગેરે જેવી અનેક સેવાઓ પૂરી પાડે છે. ઈસરોએ ભારતમાં વિજ્ઞાન શિક્ષણ માટે સંશોધન કેન્દ્રો તથા સુવિધાઓ ઉભી કરી ભારતના શૈક્ષણિક વિકાસમાં સિંહફાળો આપ્યો છે. ઈસરોએ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને તકનીકી કૌશલ્ય દ્વારા સમગ્ર વિશ્વને અચંબામાં મૂકતી સિધ્ધિઓ પ્રાપ્ત કરી ભારતને વિશ્વના વૈજ્ઞાનિક નકશા પર ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ કાર્નિવલની માહિતી આપતા એ.વી.પી.ટી.આઈ. કોલેજના આચાર્ય ડો.એ.એસ.પંડયા અને વી.વી.પી.ઈજનેરી કોલેજના આચાર્ય ડો.જયેશ દેશકરે જણાવેલ કે ''ઈસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ ૨૦૨૦''નો મુખ્ય ઉદ્ેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ, વિજ્ઞાન અંગેની યોગ્ય સમજણ અને વ્યવહારૂ ઉપયોગીતા વિકસાવવાનો છે. ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ઈસરો પ્રદર્શન સાથે શાળા તથા કોલેજના દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે ટેલિસ્કોપ મેકિંગ, પેપર પ્રેઝન્ટેશન, ડમી મોડેલ મેકિંગ, અરડુઈનો પ્રોજેકટ પ્રઝન્ટેશન, સ્પેસ કવીઝ અને વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. ઈસરો દ્વારા વિવિધ આવિષ્કારો તેમજ મોડેલ પ્રદર્શનીનો લાભ પણ ચૂકવા જેવો નથી.

આ સાથે જ પ્રિ-સાયન્સ કાર્નિવલ તા.૨૨ શનિવારના રોજ રાખેલ છે, જેમાં વિવિધ શાળાઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાશે, જેમાંથી વિજ્ઞાન પ્રસાર સંલગ્ન (ન્યુ દિલ્હી) રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા પસંદગી પામેલ બેસ્ટ મોડેલને તા.૨૬, ૨૭ અને ૨૮ ફેબ્રુઆરીના ''ઈસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ-૨૦૨૦'' માં પ્રદર્શન માટે મૂકવામાં આવશે .

''ઈસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલ ૨૦૨૦''માં વી.વી.પી.ના વિદ્યાર્થીઓના અત્યાધનિક ઈજનેરી મોડેલની પણ પ્રસ્તુતિ કરવામાં આવશે. આ તમામ પ્રોજેકટ થકી મુલાકાતી શાળા વિદ્યાર્થીઓમાં બાળપણથી જ વિજ્ઞાન અને એન્જીનીયરીંગ પ્રત્યે ઉંડો રસ અને સમજણ ઉદભવશે, જે ભારત રાષ્ટ્રને તકનીકી સિધ્ધિઓના શિખર પરબિરાજમાન કરશે.

તસ્વીરમાં ડો.એ.એસ. પંડયા (એબીવીપી, આચાર્ય), ડો.જયેશ દેસાઈ (વીવીપી- આચાર્ય), જે.બી.વાળા (એબીવીપી), ડો.હેમેન્દ્ર ભટ્ટ, ડો.અલ્પેશભાઈ આદેસણા, ડો.જીજ્ઞેશભાઈ જોષી અને જયેશ સંઘાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૮)

ત્રણ દિવસ વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઃ વૈજ્ઞાનિકોના વકતવ્યઃ વિજેતાઓનું સન્માન

રાજકોટઃ તા.૨૬  બુધવારના રોજ બાળકો માટે કલરીંગ, ધો.૪ થી ૫ના વિદ્યાર્થીઓ માટે સ્કેચીંગ, ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે સ્પેસ કવીઝ, ધો.૭ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે બીલ્ડએ ટેલીસ્કોપ તથા અન્ડર ગ્રેજયુએટ  વિદ્યાર્થીઓ માટે ડમી મોડેલ મેકીંગ.

તા.૨૭ ગુરૂવારના રોજ ધો.૪ થી ૫ના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ, ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પેપર મોડેલ મેકીંગ, ધો.૭ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે બીલ્ડએ ટેલીસ્કોપ, ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્પેસ કવીઝ, ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે પેપર પ્રઝન્ટેશન અને સ્ટોરી રાઈટીંગ (વાર્તા લેખન), અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ માટે ટેકનીકલ પેપર ર્પ્રેઝન્ટેશન અને  અરડુઈનો પ્રોજેકટ સ્પર્ધાઓ.

તા.૨૮ શુક્રવાર તમામ સ્પર્ધાઓનો અંતિમ રાઉન્ડ યોજાશે. દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને પારિતોષક આપી સન્માનિત કરવામાં આવશે.

તદ ઉપરાંત તા.૨૬, ૨૭ અને ૨૮ના શ્રીરામકૃષ્ણ મિશન રાજકોટનાં સંયુકત ઉપક્રમ ઈસરોના રાષ્ટ્રીયકક્ષાના તજજ્ઞ વૈજ્ઞાનિકોના એક્ષપર્ટ લેકચરની સીરીઝનું આયોજન સૌરાષ્ટ્રના વિજ્ઞાન- ગણીત તથા ઈજનેરીના વિદ્યાર્થીઓ તથા વ્યાખ્યાતાઓ માટે કરેલ છે. કાર્નિવલનો સમય સવારે ૯ થી રાત્રે ૯ સુધીનો રહેશે.

સમગ્ર કાર્નિવલની સફળતા માટે એ.વી.પી.ટી.આઈ.ેના આચાર્ય ડો.એ.એસ. પંડયા તેમજ વી.વી.પી.ના આચાર્ય ડો.જયેશ દેશકરના માર્ગદર્શન હેઠળ બન્ને કોલેજના તમામ કર્મચારીગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

કાર્નિવલના આયોજન માટે ટેકનીકલ એજયુકેશન ડાયરેકટરશ્રી, ગાંધીનગર તથા વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા તથા હર્ષલભાઈ મણીઆરે અભિનંદન પાઠવ્યા છે.

(3:42 pm IST)