Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પંચનાથ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં આંખના દરેક પ્રકારના ઓપરેશન થઇ શકશે

અદ્યતન સુવિધાઓ થી સજ્જ : ૧ વર્ષમાં પ હજાર થી વધુ દર્દીઓએ આંખની તપાસ કરાવી

રાજકોટ : શહેરના મધ્યમાં આવેલ અતિ પ્રાચીન શ્રી પંચનાથ મહાદેવ મંદિરની પવિત્ર ભૂમિ પર છેલ્લા ૧૭ વર્ષથી પંચનાથ હોસ્પિટલ દ્વારા રાહતદરે નિદાન કેન્દ્ર ચાલી રહેલ છે.

આ નિદાન કેન્દ્રમાં ડેન્ટલ, આંખ, લોહીના તમામ પ્રકારના પરીક્ષણો, એકસરે, સોનોગ્રાફી, ઇસીજી, ટી.એમ.ટી. જેવા વિભાગો  સતત કાર્યરત છે.  તદઉપરાંત  નોંધનીય બાબતો એ છે કે હોસ્પિટલના આંખના વિભાગ દ્વારા અત્યંત નજીવા દરે નિષ્ણાંત ડોકટર દ્વારા થતા આંખના મોતિયાના ઓપરેશનમાં પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીના ફોલ્ડેબલ લેન્સ બેસાડી આપવામાં આવતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ આંખના ઓપરેશન  થિયેટરને સંપૂર્ણ વાતાનુકુલિત ની  સાથે બેકટેરિયા રહિત બનાવવામાં આવેલ છે અને તેની તમામ જરૂરી મશીનરી દાનવીર શ્રી મનુભાઇ ધંાધા પરિવાર (રાજકોટ) તરફથી  અનુદાનમાં આપવામાં આવેલ છે. જ્યારે ફ્રેકો  મશીન હંમેશા  સેવાના કાર્યને વરેલા રોટરી કલબ ઓફ રાજકોટના નામાંકિત આગેવાનો દ્વારા ઇન્સ્ટોલ કરવામાંઆવેલ છે.

હોસ્પિટલ દ્વારા ચાલતા આંખના ઓ.પી.ડી. વિભાગમાં થતા પરીક્ષણો જેવાકે આંખના નંબર, પ્રેશર, પડદા, જામર, તેમજ વેલની તપાસ માત્ર રૂ. ૫૦માં કરી આપવામાં આવે  છે. છેલ્લા ૧ વર્ષમાં ૫૧૯૨  દર્દીઓને  સચોટ રીતે તપાસીને સંતોષકારક નિદાન કરવામાં આવેલ છે.

આંખના મોતિયાના ઓપરેશન ડો. સુકેતુ ભપલ દ્વારા કરવામાં આવે છે કે જેઓ એમ.એસ.ઓપ્થેલની ડિગ્રી ૨૦૧૧માં એમ એન્ડ જે વેસ્ટર્ન રીજીયોનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થલ્મોલોજી (અમદાવાદ) ખાતેથી મેળવેલ છે. સાથો સાથ તેમને દક્ષિણ ભારત સ્થિત તામિલનાડુમાં ચેન્નાઈ ખાતે આવેલ જગવિખ્યાત નેત્ર મંદિરમાં અભ્યાસ કરીને ફેંકો ફેલોશીપની ઉપાધિ મેળવતાની સાથે ૯ વર્ષના અનુભવ ધરાવતા હોવાથી નિષ્ણાંત આંખના સર્જન તરીકે નામના પ્રાપ્ત કરેલ છે.

સાથોસાથ આંખના દર્દીના સચોટ પરીક્ષણ માટે શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક   ટ્રસ્ટના ઉપપ્રમુખ ડો. લક્ષ્મણભાઇ ચાવડા તથા ડો. રવિરાજ ગુજરાતીની મેડિકલ ટીમ સતત માર્ગદર્શન આપવામાં સફળ રહી છે.

શહેરના સામાન્ય અને મધ્યમ વર્ગને નજીવા દરે નિદાન મળી રહે તે માટે શ્રી  પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષ્મણભાઇ ચાવડા, માનદ મંત્રી  શ્રી તનસુખભાઇ ઓઝા કોષાધ્યક્ષ શ્રી ડી.વી. મહેતા ટ્રસ્ટીઓ શ્રી વસંતભાઇ જસાણી, શ્રી મહેન્દ્રસિંહ ગોહેલ, શ્રી મિતેૅષભાઇ વ્યાસ, શ્રી નારણભાઇ લાલકિયા, શ્રી મયુરભાઇ શાહ, શ્રી મનુભાઇ પટેલ અવરિત જહેમત ઉઠાવી રહયા છે.

વધુ માહિતી માટે શ્રી પંકજભાઇ ચગ (૯૮૭૯૫ ૭૦૮૭૮) તથા શ્રીમતી ધૃતિબેન ધડુકનો (હોસ્પિટલ પર) અથવા તો ૦૨૮૧ ૨૨૨૩૨૪૯ / ૨૨૩૧૨૧૫  પર સંપર્ક કરવા ટ્રસ્ટના પ્રમુખ  શ્રી દેવાંગભાઇ  માંકડ દ્વારા અખબારી  યાદીમાં જણાવેલ છે.

(3:40 pm IST)