Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ઠેબચડાની વિવાદી જમીન માટે કોળી પરિવાર પાસેથી રેવન્યુ કન્સ્લટન્ટ અક્ષીત છાયાએ ૬૮ લાખ વસુલી લીધા છેઃ ધરપકડ

સુપ્રિમ કોર્ટના હુકમની અવગણના કરી પોલીસની હાજરીમાં દરબાર પ્રોૈઢ લખધીરસિંહની ધારીયાના ઘા ઝીંકી ૨૯ જાન્યુઆરીએ પોલીસની હાજરીમાં હત્યા થયેલીઃ ખીમજી નાથા, પોપટ વશરામ, કેશુ વશરામ, ચના વશરામ અને શામજી બચુ સહિત પાંચની શોધખોળ

રાજકોટ તા. ૧૭: રાજકોટની ભાગોળે પ્રદ્યુમન પાર્ક પાસેથી પસાર થતાં રસ્તા પર આવેલી અને કિંમતી બની ગયેલી ઠેબચડા રેવન્યુ સર્વે નંબરની ખીજડાવાળી વાડી તરીકે ઓળખાતી ખેતીની જમીનના વિવાદમાં  લખધીરસિંહ નવુભા જાડેજા (ઉ.વ.૫૭) નામના પ્રોૈઢની ધારીયાના ઘા ઝીંકી પુર્વયોજીત કાવત્રાના ભાગ રૂપે હત્યા થઇ હતી. આ ઘટના પોલીસ ટુકડીની હાજરીમાં બની હતી. આજે તપાસનીશ ક્રાઇમ બ્રાંચે ૧૬મા આરોપી તરીકે રેવન્યુ કન્સલ્ટન્ટ અક્ષિત કદમકાંત છાંયા (રહે. ૩૦૧-જેકલીફ બિલ્ડીંગ ત્રીજો માળ, બહુમાળી ભવન પાસે)ની ધરપકડ કરી છે.

આ અગાઉ પોલીસે મુખ્ય આરોપી છગન બિજલ રાઠોડ, મગન બિજલ રાઠોડ, ખોડા છગન રાઠોડ સહિતના કોળી પરિવાર અને તેમના સગા સહિત ૧૫ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. આ ગુનામાં પોલીસે ૨૧ સામે હત્યા, પુર્વયોજીત કાવત્રુ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ વધારી હતી. હજુ ખીમજી નાથા કોળી, પોપટ વશરામ કોળી, કેશુ વશરામ કોળી, ચના વશરામ કોળી અને શામજી બચુ કોળી પોલીસના હાથમાં આવ્યા નથી.

પોલીસને બાતમી મળી હતી કે અક્ષિત કદમકાંત છાંયાએ જામનગર જીલ્લાના હરિપર ગામે આશરો લીધો છે. આ બાતમી અંતર્ગત પોલીસની ટૂકડી ત્યાં પહોંચી હતી અને ગઇકાલે તા.૧૬ના રવિવારે લાલપુર રોડ પરથી વહેલી સવારે દબોચી લીધો હતો. પોલીસે ગઇ સાંજે આરોપીને મેજીસ્ટ્રેટના બંગલો ઉપર રજૂ કરતાં આજ સોમવાર સાંજના ૪:૩૦ સુધીના રિમાન્ડ પર સોંપાયો હતો.

પીઆઇ એચ. એમ. ગઢવી, રાઇટર વિરેન્દ્રસિંહ જાડેજા અને યોગેન્દ્રસિંહ જાડેજાની પુછતાછમાં રેવન્યુ કન્સ્લટન્ટ અક્ષિત છાંયાએ કબુલ્યું છે કે તેણે ઠેબચડાની ખીજડાવાળી જમીન તરીકે ઓળખાતી ૫૧ એકર જમીનના વિવાદમાં કબ્જેદાર કોળી પરિવારને સલાહ આપવાનું કામ છેક ૨૦૧૫થી કર્યુ છે. આ જમીનના હુકમો કોળી પરિવારની તરફેણમાં કરાવી આપવા ૧ કરોડ ૬૦ લાખથી વધુની રકમની ફી નિશ્ચીત કરવામાં આવી હતી. જે પૈકી અત્યાર સુધીમાં ૬૮ લાખ કોળી પરિવાર પાસેથી વસુલી લીધાનું તેણે કબુલ્યું છે.

તપાસનીશ ટુકડીના જણાવ્યા મુજબ વર્ષોથી ચાલી આવતી આ જમીનના મામલામાં કોળી પરિવાર જગ્યાનો માત્ર કબ્જો ધરાવતું હતું. જ્યારે રેવન્યુ રેકર્ડ પર ભોગ બનનાર લખધીરસિંહ નવુભા જાડેજા અને તેમના ભાઇઓની માલિકીની આ જમીન બોલે છે. એટલુ જ નહિ સુપ્રિમ કોર્ટએ પણ જગ્યાનો કબ્જો દરબાર પરિવારને વિધીવત રીતે સોંપી દેવા હુકમ કર્યો હતો. તેમ છતાં કોળી પરિવાર આ જગ્યાનો કબ્જો છોડતો નહોતો. હત્યાની ઘટના બની એ દિવસે લખધીરસિંહ અને તેમના ભાઇઓ પોલીસ બંદોબસ્ત સાથે જમીન પર ટ્રેકટર અને જેસીબી સહિતના સાધનો સાથે ખેડવાનું અને જમીન સમથળ કરવાનું કામ કરી રહ્યા હતાં ત્યારે ઉભા મોલમાં પુર્વયોજીત રીતે સંતાડાયેલા હથીયારોથી લખધીરસિંહ અને તેમના બે ભાઇઓ પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લખધીરસિંહની હત્યા થઇ હતી. 

વિશેષ તપાસ પીઆઇ એચ. એમ. ગઢવી અને ક્રાઇમ બ્રાંચની ટુકડી ચલાવે છે.

(12:57 pm IST)