Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

જાણીતા લોહાણા અગ્રણી સ્વ.રસિકલાલ અનડકટના ધર્મપત્નિ પ્રફુલ્લાબેનનું દુઃખદ અવસાન

મોડીરાતે હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયોઃ સ્મશાન યાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયાઃ અકિલા પરિવારે બે મીનીટ મૌન રાખી સદ્ગતનેે શ્રધ્ધાંજલી આપી

પ્રફુલ્લાબેન રસિકલાલ અનડકટને અકિલા પરિવાર દ્વારા શ્રધ્ધાંજલીઃસ્મશાન યાત્રાઃ રાજકોટઃ જાણીતા લોહાણા અગ્રણી સ્વ. રસિકલાલ અનડકટના ધર્મપત્નિ પ્રફુલ્લાબેનનું હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું છે અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, 'અકિલા' ના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાએ સદ્ગત પ્રફુલ્લાબેનને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. સદ્ગતની સ્મશાન યાત્રામાં સેંકડોની સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 રાજકોટઃ મુળ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ જાણીતા લોહાણા અગ્રણી, ભાજપ અગ્રણી અને રઘુવીર સેનાના સ્થાપક સ્વ. રસિકલાલ અનડકટના ધર્મપત્નિ પ્રફુલ્લાબેનનું ગત મોડીરાતે હૃદયરોગનો હુમલો આવતા દુઃખદ નિધન થયું છે. આજે સવારે સદ્ગતની સ્મશાનયાત્રા નિકળી હતી. જેમા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, સગાસંબધીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, 'અકિલા'ના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા 'અકિલા'ના વેબ એેડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા તેમજ અકિલા પરિવારે બે મિનિટ મૌન પાડી સદ્ગતને શ્રધ્ધાંજલી અર્પી હતી.

સદ્ગત પ્રફુલ્લાબેન  છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતા. તેઓની  તબીયત છેલ્લા ઘણા સમયથી સારી હતી. પરંતુ ગતરાતે હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા સારવાર કારગત નિવડી હતી. વોકહાર્ટ હોસ્પિટલના ડો. ચિરાગ માત્રાવડીયા, ડો. વિમલ દવે, ડો.  દિપેન પટેલ અને ડો. અંકુર સિનોજીયા (પ્રગતિ હોસ્પિટલ) દ્વારા તુરંત તેમના નિવાસ સ્થાને દોડી જઇ સારવાર આપી હતી. નર્ર્સ તરીકે અપેક્ષાબેન, હેતલબેન અને દિલસાનબેને સેવા આપી હતી.

પ્રફુલ્લાબેન રસિકભાઇ અનડકટ (ઉ.વ.૫૪) તે કેયુર, રિધ્ધીબેન અને  લાલુના માતુશ્રીનું તા.૧૬ના મોડીરાતે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સ્મશાન યાત્રા આજે સોમવારે સવારે તેમના નિવાસ  સ્થાન રૈયા ટેલીફોન એકસચેન્જ, ૧૫૦ ફુટ રીંગ રોડ, આફ્રિકા કોલોની શેરી નં.૪, સુર્યવંદનાની સામે નિકળી મોટામવા સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી. સ્મશાનયાત્રામાં સગાસંબધીઓ વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. લૌકીક વ્યવહાર રાખેલ નથી. (મો. ૯૪૨૬૪ ૮૦૨૮૦/ ૭૮૭૮૯ ૫૦૫૦૯/ ૮૮૪૯૮ ૬૬૮૩૮)

(11:32 am IST)