Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

જીજ્ઞાશા હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ હતી ત્યારે જાયવાના ધનજીભાઇ રિપોર્ટ કરાવવા આવતાં 'જાળ'માં ફસાવ્યા'તા

જાયવાના કડીયા વૃધ્ધને મરવા મજબૂર કરનારી પટેલ મહિલા, તેનો ધર્મનો ભાઇ હરિ પટેલ અને મિત્ર ચતુર ઉર્ફ બાબુ આહિરના રિમાન્ડ મંગાશેઃ બે વર્ષથી ધનજીભાઇને મૈત્રીકરાર હતાં તેની જાણ દોઢેક મહિના પહેલા જ તેમના પરિવારજનોને થઇ હતીઃ ત્યારે ધનજીભાઇએ સ્વજનો સમક્ષ પોતે કઇ રીતે ફસાયા તેની કહાની જણાવી સતત બદનામ કરવાની ધમકીઓ અપાતી હોવાની વાત કરી હતીઃ છેલ્લે સહીઓ વાળી ચેકબૂક પણ લઇ લીધી'તીઃ અગાઉ પણ જાયવાના એક યુવાને આપઘાત કર્યો'તોઃ તેનો પણ જીજ્ઞાશા સાથે સંપર્ક હોવાની ચર્ચા

જીજ્ઞાશાએ પોતાના પતિ સાથેના છુટાછેડાના કાગળોમાં સાક્ષીમાં સહીઓ કરાવવાના બહાને મૈત્રીકરારના કાગળોમાં સહીઓ કરાવી લીધી'તીઃ લાખો ઉસેડી લીધા પછી બીજા કાગળોમાં સહીઓ કરાવી કહેલું-હવે મૈત્રી કરાર પુરા!

રાજકોટ તા. ૧૭: ધ્રોલના જાયવાના કડીયા વૃધ્ધ ધનજીભાઇ રામજીભાઇ કાસીયાણી (ઉ.વ.૬૫)એ શનિવારે રાજકોટમાં ઘંટેશ્વર નજીક રત્નમ્ પ્રાઇડ નામના બિલ્ડીંંગમાં ફલેટ નં. ૧૦૪માં જીજ્ઞાશા સવજીભાઇ કુંડારીયા (પટેલ) (ઉ.૩૫)ના ઘરે ઝેર પી લેતાં મોત નિપજ્યું હતું. આ બનાવમાં જીજ્ઞાશા અને તેના બે મળતીયા મૈત્રીકરારના નામે બદનામ કરી દેવાની ધમકીઓ આપી પૈસા પડાવતાં હોવાથી અને સતત ધમકીઓ આપતાં હોવાથી ધનજીભાઇ મરવા માટે મજબૂર થયાની વિગતો સામે આવતાં પોલીસે ગુનો નોંધી જીજ્ઞાશા સહિત ત્રણની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ આદરી છે. બે વર્ષ પહેલા જીજ્ઞાશા વિદ્યાનગર રોડ પરની હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતી હતી. ત્યારે ધનજીભાઇ પોતાના રિપોર્ટ કરાવવા આવતાં તેમને મદદ કરવાના બહાને વાતોમાં લઇ 'જાળ'માં ફસાવ્યા હતાં અને ચીટીંગ કરી મૈત્રીકરાર કરાવ્યા બાદ રૂપિયા પડાવ્યા પછી ફરી સહીઓ કરાવી મૈત્રીકરાર પુરા થઇ ગયાનું નાટક રચ્યું હતું. આ મહિલાએ બીજા કોઇને પણ આ રીતે ફસાવ્યા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

પોલીસે આ બનાવમાં આપઘાત કરનાર ધનજીભાઇના પુત્ર જાયવામાં રહી ખેતી કરતાં બાલકૃષ્ણભાઇ ધનજીભાઇ કાસીયાણી (ઉ.૪૦)ની ફરિયાદ પરથી જીજ્ઞાશા સવજીભાઇ નારણભાઇ કુંડારીયા (પટેલ) (ઉ.૩૫-રહે. રત્નમ્ પ્રાઇડ), તેના ધર્મના ભાઇ હરજીવન ઉર્ફ હરિ નાગજીભાઇ અઘેરા (પટેલ) (ઉ.૪૬-રહે. માવાપર, તા. ધ્રોલ) તથા મિત્ર ગાંધીગ્રામ ગોવિંદનગર-૧માં રહેતાં ચતુર ઉર્ફ બાબુ દાનાભાઇ શિયાળ (આહિર) (ઉ.વ.૪૦)ની સામે આઇપીસી ૩૦૬, ૫૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસે તપાસ અંતર્ગત રૂ. પાંચ લાખના ચેક અને દાગીના સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરવા ત્રણેયના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

તપાસમાં એવી વાત પણ સામે આવી છે કે જીજ્ઞાશા અગાઉ ચતુર ઉર્ફ બાબુ સાથે મિત્રતા-પ્રેમસંબંધ ધરાવતી હતી. તે પોતે અગાઉ વિદ્યાનગર રોડ પરની ખાનગી હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતી હતી. ધનજીભાઇ મંદિરોના બાંધકામના અને ગામના મુખ્ય પ્રવેશદ્વારના બાંધકામોમાં માહેર હતાં. કેટલાક સમય પહેલા ધ્રોલના માવાપર ગામનો ગેઇટ તેમણે બનાવ્યો હોઇ ત્યારે હરજીવન ઉર્ફ હરિ પટેલ સાથે ઓળખાણ થઇ હતી. હરિ અને ચતુર એક બીજાને ઓળખતા હોઇ તે કારણે જીજ્ઞાશા પણ હરિના સંપર્કમાં આવી હતી અને તેને પોતાનો ધર્મનો ભાઇ બનાવ્યો હતો. દરમિયાન જીજ્ઞાશા જ્યાં સિકયુરીટી ગાર્ડ હતી એ હોસ્પિટલે ધનજીભાઇ રિપોર્ટ કરાવવા આવતાં ધર્મના ભાઇ હરજીવનના કહેવાથી તેણીએ ધનજીભાઇને મદદ કરવાના બહાને વાતોમાં ફસાવ્યા હતાં અને એ પછી મૈત્રીકરાર કરી લીધા હતાં.

ધનજીભાઇ બે વર્ષથી જીજ્ઞાશા અને તેના મળતીયાઓની જાળમાં ફસાયા હતાં અને લાખો રૂપિયા આ લોકોએ પડાવ્યા હતાં. પરંતુ આની જાણ આજથી દોઢેક મહિના પહેલા જ તેમના દિકરા સહિતને થઇ હતી. કારણ કે તેઓ ખુબ જ ટેન્શનમાં રહેવા માંડ્યા હતાં. એ પછી કુટુંબીજનો તેમને વાડીએ લઇ ગયા હતાં અને શાંતિથી પુછતાછ કરતાં તેમણે પોતે કઇ રીતે જીજ્ઞાશાની જાળમાં ફસાયા તેની વાત કરી હતી.

જીજ્ઞાશાએ પોતાને પતિ સાથે છુટાછેડા લેવા જામનગર જવાનું છે અને તેમાં સાક્ષીમાં સહીઓ કરવી પડશે તેમ કહી ધનજીભાઇને મનાવ્યા હતાં. એ પછી તેને જામનગર લઇ ગઇ હતી. સાથે હરજીવન અને ચતુર પણ ગયા હતાં. ત્યારે પોતાના છુટાછેડાના કાગળોમાં સાક્ષી તરીકે સહિઓ કરાવવાના બહાને મૈત્રીકરારમાં સહીઓ કરાવી લીધી હતી અને એ પછી તેણે ધમકીઓ આપી હતી કે હવે હું કહું તેમ નહિ કરો તો ગામમાં બદનામ કરી દઇશ કે મારા બાપ જેવડી ઉમરનાએ મારી સાથે મૈત્રીકરાર કર્યા છે. આ ઉપરાંત પોતાની પાસેથી જીજ્ઞાશાએ બેંકની ચેકબૂકો, ક્રેડીટ કાર્ડ પર લોન લઇ લીધાની અને પચ્ચીસથી ત્રીસ લાખ પડાવી લઇ બાદમાં વધુ પૈસા માંગી હેરાન કરતી હોવાની વાત ધનજીભાઇએ કરી હતી. આ ઉપરાંત છેલ્લે થોડા દિવસ પહેલા જીજ્ઞાશાએ બીજા કાગળોમાં સહીઓ કરાવી લઇ 'હવે આપણા મૈત્રીકરાર પુરા' તેવું પણ કહી દીધું હતું.

છેલ્લે ધનજીભાઇ શનિવારે ૧૫/૨ના રાજકોટ આવ્યા હતાં અને પોતાના કાકા શાંતિલાલ કાસીયાણીને ફોન કરી પોતાની પાસેથી જીજ્ઞાશાએ ૨૫થી ૩૦ લાખ અને સહીઓ કરેલી ચેકબૂક પડાવી લીધાની તેમજ સોનાનું મંગલસુત્ર લઇ લીધાની અને હજી પણ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી રૂપિયા માંગતી હોવાથી પોતે કંટાળી ગયાની અને ત્રાસને લીધે જીવી નહિ શકે તેમ હોવાની વાત ફોનમાં કરી હતી. એ પછી ઝેર પી લીધું હતું. જીજ્ઞાશાએ જ તેમના દિકરાને ફોન કરી તમારા પિતાને કંઇક થઇ ગયું છે તેમ કહ્યું હતું. તેમને હોસ્પિટલે ખસેડાતાં તબિબે મૃત જાહેર કર્યા હતાં અને ઝેર પીધાનું ખુલ્યું હતું.

આમ સિકયુરીટી ગાર્ડ જીજ્ઞાશાએ જાળ બીછાવી વૃધ્ધ ધનજીભાઇને ફસાવી મળતીયાઓ સાથે મળી નાણા પડાવી વધુને વધુ નાણા મેળવવા ધમકીઓ આપતાં ધનજીભાઇ મરી જવા મજબૂર થયાનું સામે આવ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ બી. જી. ડાંગર, એએસઆઇ જયંતિગીરી, મુકશભાઇ, મહિપાલસિંહ, બ્રિજરાજસિંહ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. ત્રણેય આરોપીના રિમાન્ડ મંગાશે.

જાયવા ગામમાં ચર્ચા છે કે અગાઉ નિલેષભાઇ નામના યુવાનનું પણ મોત થયું હતું. તેનો પણ જીજ્ઞાશા સાથે સંપર્ક હતો. આ અંગે પણ તપાસ થાય તો નવું પ્રકરણ ખુલવાની શકયતા છે.

(12:11 pm IST)
  • રૂડા હવે ૧૯૯૯-૨૦૦૦માં જેમને ૨૫ ચો.મી.ના પ્લોટ આપ્યા'તા...તેમને ડ્રો વગર ફલેટ ફાળવશેઃ મંજુરી : રૂડા દ્વારા મહત્વનો નિર્ણયઃ સરકારની પણ મંજુરી વર્ષ ૧૯૯૯-૨૦૦૦માં જેમને ૨૫ ચો.મી.ના સરકારી જમીનનો પ્લોટ અપાયો'તો તેમને હવે એક બેડ હોલ કિચનનો ફલેટ-ડ્રો વગર અપાશેઃ કલેકટર તંત્રે યુએલસીની ૧ લાખ ચો.મી. જમીન આપી છેઃ માધાપર, ઘંટેશ્વર, મવડી, પરાપીપળીયા, મોરબી રોડ, નાનામવા, મોટામવામાં ફલેટ બનાવવા તૈયારી access_time 3:33 pm IST

  • LRD ભરતી મુદ્દે બિન અનામત વર્ગનું આંદોલન સમેટાયું : પાસના કન્વીનર દિનેશ બાંભણીયાની સત્તાવાર જાહેરાત : સરકારે કરેલો નિર્ણય અમને સ્વીકાર્ય છે : હવે જો સરકાર કાંઈ ફેરફાર કરશે તો ફરીથી બહુ મોટું આંદોલન કરશું access_time 8:00 pm IST

  • લોકતંત્રમાં અસહમતીનું સ્વાગત પરંતુ દેશને તોડવાની વાત નહિ કરી શકો : વૈંક્યા નાયડુ : ઉપરાષ્ટ્રપતિએ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કરતા કહ્યું કે લોકતંત્રમાં અસહમતીનું સ્વાગત છે પરંતુ તેના નામ પર દેશને તોડવાની વાત સ્વીકાર્ય નથી access_time 12:40 am IST