Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પૂ.ધીરગુરૂદેવની જીવન ઝાંખી

ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ની કાલે ૩૭ મી દીક્ષા જયંતિ

રાજકોટઃ સૌરાષ્ટ્રના ખોબા જેવડા જશાપર ગામમાં રત્નકુક્ષિણી માતુશ્રી શાંતાબેન તથા ધર્મ પરાયણ પિતા પોપટભાઈ મણિયાર પરીવારના ખોરડે એક બાળકનું અવતરણ થયું.પુત્રના લક્ષણ પારણામાં તેમ આ બાલૂડાનો જન્મ થતાં જ સર્વત્ર આનંદ- હર્ષ છવાઈ ગયો.સમગ્ર માહોલ ધર્મમય બની ગયો.મણિયાર પરિવાર એટલે સુખી સંપન્ન પૂણ્યશાળી પરીવાર.ધોમ - ધોમ સાહેબી વચ્ચે તેઓનો ઉછેર થતો હતો પરંતુ સુખ સાહેબીને ઠોકર મારી માત્ર ૨૪ વર્ષની ભર યુવાન વયે સ્વેચ્છાએ મહાવીરનો કઠોરતમ ત્યાગ માર્ગ અંગીકાર કરવાનો સંકલ્પ જાહેર કર્યો.વર્ષો સુધી સુધર્મ પ્રચાર મંડળના માધ્યમથી તેઓએ જ્ઞાન શિબિરોમા સેવા આપી અનેક વૈરાગીઓને તૈયાર કર્યા અને એક દિવસ પોતે પણ સંયમ લેવા તત્પર બન્યાં.મણિયાર પરીવારના મોભી ૫૦૦ વીઘા જમીનના માલિક અને સતત ૪૯ વર્ષ સુધી જશાપર ગામમાં સરપંચ પદે રહી ગામજનોની નિષ્ઠાપૂર્વક સેવા પ્રદાન કરનાર એવા પિતા પોપટભાઈએ જોમ - જુસ્સાસભર અને ખુમારી સાથે જણાવ્યું કે જો દિકરો ભર યુવાન વયે સંયમ માર્ગે જવા તત્પર બનેલ હોય તો હું પણ સંયમ લેવા અને જૈનાગમ વાકય  ''પછાવિ તે પયાયા'' સૂત્ર ચરિતાર્થ કરવા તૈયાર છું.

 

ઉપલેટાની પૂણ્ય અને પાવન ભૂમિ ઉપર ૭૯ વર્ષના પોપટભાઈ અને ૨૪ વર્ષના ધીરજકુમાર એટલે ''પિતા - પુત્ર '' બંનેની એક સાથે સાદાઈથી છતાં ગરીમાપૂર્ણ અને જાજરમાન દીક્ષા મહોત્સવ ઊજવાયો.દીક્ષા મંત્ર - કરેમિ ભંતેનો પાઠ જ્ઞાન ગચ્છ સંપ્રદાયના પૂ.મહાત્માજી મ.સા.એટલે કે પૂ.જયંત મુનિ મ.સાહેબે ભણાવેલ.દીક્ષા સમયે વડીલ શ્રાવકોના શબ્દો હતાં કે આ આત્માઓ ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનને ગૌરવાન્તિત કરશે.એ વાકયો આજે સાચા પડી રહ્યાં છે.

પંડિત રત્ના પ્રવર્તીની પૂ.વનિતાબાઈ મ.સ.એ પોતાનો અનુભવ વર્ણવતા પ્રવચનમાં જણાવ્યું હતું કે પૂ.ધીર ગુરુદેવમાં વીરતા,ગંભીરતા, સહનશીલતાનો ત્રિવેણી સંગમ રહેલો છે.ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓ પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશીએ કહ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સૌ માટે પ્રેરણા સ્તોત્ર છે,જે કાર્ય હાથમાં લે છે તે અવશ્ય પૂર્ણ કરે છે.જૈન મુખપત્ર શાસન પ્રગતિના તંત્રી રજનીભાઈ બાવીસીએ જણાવ્યું કે પૂ.ગુરુદેવની શાસન પ્રત્યેની રૂડી ભાવના કે તીથઁકર પરમાત્માની અણમોલ વાણી જન- જનના મન - મન સુધી પહોંચે તે હેતુથી પૂ.ગુરુદેવના અનુગ્રહથી આચાર્ય ભગવંત પૂ.જશાજી મ.સા.ની જન્મ શતાબ્દિ સ્મૃતિ ઉપલક્ષે જૈન આગમોનું પ્રકાશન કર્યું. ઘાટકોપર સંઘના ટ્રસ્ટી મુકેશભાઈ કામદારે જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સદા ચતુર્વિધ સંઘની ખેવના કરતાં હોય છે.

પૂ.સાધુ - સાધ્વીજીઓને સંયમ જીવનમાં સહાયક બનાય અને તેઓને શાતા ઉપજે તે લક્ષે નાના - મોટા અનેક ક્ષેત્રોમાં પાટ - પાટલા ઉપલબ્ધ કરાવ્યા. ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ની ૩૭ મી દીક્ષા જયંતિ આવતી કાલે મુંબઈમાં ઊજવાઈ રહી છે તે અવસરે...

પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ની જીવન ઝાંખી... જૈન ભવનના અગ્રણી શશીભાઈ વોરાએ જણાવ્યું કે જરૂરિયાતમંદ લોકોને માત્ર એક રૂપિયાના ટોકન દરથી શુદ્ઘ અને સાત્વિક બે ટંક ભોજનનો સેવા યજ્ઞ રાજકોટ જૈન ભુવનમા ચાલે છે તેમાં પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સતત માર્ગદર્શન સાથે ઉદાર દિલા દાતાઓને દાન ધર્મની પ્રેરણા કરે છે.

જૈન અગ્રણી ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.જબરદસ્ત અને નોંધનીય કાર્યની પ્રેરણા કરી રહ્યાં છે,હાઈ - વે ઉપર ધર્મ સ્થાનક,ઉપાશ્રય,આયંબિલ ભવનો હોય તો ચતુર્વિધ સંદ્યને શાતા રહે તેવા શુભ આશ્યથી અત્યાર સુધીમાં લગભગ સો ઉપરાંત ધર્મ સંકુલોના નિર્માણ અને નૂતનીકરણમાં તેઓએ દાતાઓને પ્રેરણા કરી છે.તપસ્વી શિરીષભાઈ બાટવીયાએ કહ્યું કે ગીત ગૂર્જરી સંઘ હોય કે ગોંડલ રોડ વેસ્ટ,રામ કૃષ્ણ નગર સંઘ હોય કે રોયલ પાર્ક પૂ.ગુરુદેવની કૃપા દ્રષ્ટિથી દરેક કાર્ય સરળતાથી સંપન્ન થઈ જાય છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ને વૈરાગી અને સંયમી આત્માઓ પ્રત્યે અનહદ લાગણી છે.કોઈ પણ સંપ્રદાયમાં કોઈ હળુ કર્મી આત્મા સંયમ ધર્મને અંગીકાર કરવાના ભાવ ધરાવે તો પૂ.ગુરુદેવ હજારો કિલોમીટરનો ઉગ્ર વિહાર કરી દીક્ષાના દાન દેવા પહોંચી જાય છે અને જિન શાસનની અપૂર્વ શાસન પ્રભાવના કરે છે.(૩૦.૮)

(4:00 pm IST)