Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પરિણિતા અને સગીર બાળકને ભરણ પોષણ ચુકવવા પતિને કોર્ટનો હુકમ

રાજકોટ તા.૧૭: ભરણ પોષણના કેસમા પત્ની બાળકને વચગાળામા માસીક રૂ.૮૦૦૦ ભરણ પોષણ ચુકવવાનો પતીને અદાલતે હુકમ કર્યો હતો.

અહીંના સ્ટરલીંગ હોસ્પીટલ પાસે આવેલ રવી રેસીડેંન્સી મા રહેતી પરણીતા ભાવનાબેનના લગ્ન પોરબંદર જીલ્લાના રાણા કંડોરણા મુકામે રહેતા પરેશ નાનજીભાઇ ચુડાસમા સાથે થયેલ હતા અને આ લગ્ન જીવનથી તેમને એક પુત્ર સંતાન નામે ''કિશન''નો જનમ થયેલ હતો. લગ્ન બાદ પરણીતા પોતાના સાસરે રહેવા ગયેલ અને પછીથી પતી પત્ની વચ્ચે અણબનાવ થતાં પરણીતા રાજકોટ પીયર સગીર સંતાન સાથે પરત ફરેલ હતી અને તેણે રાજકોટની ફેમીલી કોર્ટ મા પોતા પાસે આવકનું કોઇ સાધન ન હોઇ પતીએ તેને પહેરેલ કપડે કાઢી મુકેલ છે તેવા આક્ષેપ સાથે પોતાના પતી પાસેથી પોતાના તથા સગીર સંતાનના ભરણ પોષણની માંગ કરતી અરજી પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે દાખલ કરેલ હતી અને કેસ ચાલવામા સમય જાય તેમ હોઇ પતી પાસે થી વચગાળામાં પણ ભરણ પોષણની રકમની માંગ કરતી અરજી કરેલ હતી.

એડવોકેટ શ્રી અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ રાજકોટની ફેમીલી કોર્ટે કેસ ચાલે ત્યાં સુધીમાં વચગાળામા અરજીની દાખલ તારીખથી એટલે કે તા.૨૭-૩-૧૭ થી પતી એ પત્નીને માસીક રૂ.૫૦૦૦ અને સગીર સંતાનને માસીક રૂ.૩૦૦૦ આમ બંને ને માસીક રૂ.૮૦૦૦ ભરણ પોષણના ચુકવવાનો હુકમ કરેલ છે અને કેસની નવી મુદત મુકરર કરેલ છે. આમ કેસ શરૂ થયા પહેલા પત્નીને પતીએ ૮૮૦૦૦ ભરણ પોષણ ચુકવવાનું થયેલ હોઇ પરણીતાએ રાહતનો દમ લીધેલ છે.

આ કેસમા પરણીતા ભાવના વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાત વકીલ શ્રી સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.(૧.૧૪)       

(3:43 pm IST)