Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

રૂ.૧ લાખ સામે ૧.૪૦ લાખ દીધા છતાં વધુ ત્રણ લાખ વ્યાજ માંગી કડીયા યુવાનને ખૂનની ધમકી

જયદિપ દેવડા ખિસ્સામાંથી બળજબરીથી ૧૦ હજાર પણ કાઢી ગયોઃ મોરારીનગરના યુવાને દિકરાના અભ્યાસ માટે વ્યાજે રકમ લીધી હતી

રાજકોટ તા. ૧૭: વ્યાજખોરીની વધુ એક ફરિયાદ સામે આવી છે. હરિ ધવા રોડ પર મોરારીનગર-૧માં રહેતાં અને વિડીયો એડિટીંગનું કામ કરતાં વસંતભાઇ છગનભાઇ ટાંક (ઉ.૪૨) નામના કડીયા યુવાને પુત્રના અભ્યાસ માટે વ્યાજે લીધેલા ૧ લાખની સામે ૧ લાખ ૪૦ હજાર ચુકવી દીધા હોવા છતાં ગોપાલનગરનો જયદિપ વિજયભાઇ દેવડા વધુ ૩ લાખ માંગી ધમકી આપતો હોઇ તેમજ ઘરે આવી ખિસ્સામાંથી ૧૦ હજાર રૂપિયા કાઢીને ભાગી જતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

ભકિતનગરના પી.એસ.આઇ. એમ. ડી. વાળાએ વસંતભાઇની ફરિયાદ પરથી જયદિપ દેવડા સામે આઇપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. વસંતભાઇના કહેવા મુજબ તે વિડીયો એડિટીંગનું કામ કરે છે. છ મહિના પહેલા તેણે પુત્ર ગોૈરવના અભ્યાસ માટે જરૂર પડતાં ૧૦ ટકા વ્યાજથી એક લાખ રૂપિયા જયદિપ પાસેથી વ્યાજે લીધા હતાં. તેની સામે અત્યાર સુધીમાં ૧ લાખ ૪૦ હજાર ચુકવી દીધા છે. જયદિપે રકમ આપતી વખતે મકાનનું સાટાખત પણ પોતાના નામે કરાવી લીધુ હતું. વ્યાજ સહિતની રકમ ચુકવી દીધી છતાં તે સાટાખત રદ કરતો નથી અને વધુ ૩ લાખ માંગી ધમકાવે છે. તેમજ ઘરે આવી ડખ્ખા કરે છે. ત્રણ દિવસ પહેલા ઢેબર રોડ ગુરૂકુળ પાસે અટકાવી ધમકી દઇ રૂ. દસ હજાર ખિસ્સામાંથી કાઢી લીધાનું ફરિયાદમાં જણાવાયું છે. (૧૪.૬)

 

(12:47 pm IST)