Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

રાજકોટમાં વિન્ટેજ કાર - બગીઓ ફરશે : ઐતિહાસિક નગરયાત્રા

ઠાકોર સાહેબ માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના રાજયાભિષેક - રાજતિલક મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો : બળદગાડા - ઢોલ - શરણાઈ સાથે નગરયાત્રામાં સંતો - મહંતો પણ હાજરી આપશે : તા.૨૭ થી ૩૦મી સુધી દરરોજ વિવિધ આયોજનો : ૭ હજાર દીપ પ્રગટાવાશે : રણજીતવિલાસ પેલેસ ખાતે તૈયારીઓને અપાતો આખરી ઓપ

રાજકોટ, તા. ૧૭ : ઠાકોરસાહેબ માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના રાજયાભિષેક તથા રાજતિલક મહોત્સવ નિમિતે ૨૭મીથી ૪ દિવસ સુધી દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાયા છે. શહેરના માર્ગો ઉપર વિન્ટેજ કાર - બગીઓ, બળદગાડા, ઢોલ - શરણાઈ સાથે નગરયાત્રા નીકળશે.

રણજીત વિલાસ પેલેસ ખાતે તા.૨૭ જાન્યુઆરીના રોજ સાંજે ૪ થી ૬ દેહશુદ્ધિ, દશવિધિ સ્નાન, વિષ્ણુપૂજન, પ્રાયશ્ચિત વિગેરે, તા.૨૮ સવારે ૯ થી ૧ રાજતિલક નિમિતે મહાયજ્ઞનો પ્રારંભ, માતૃકા પૂજન, અરણી મંથન દ્વારા સ્થાપન, બપોરે ૩ થી ૬ાા મહાયજ્ઞના મંત્રોનું પ્રધાન હોમ જળયાત્રા, સાંજે પૂજન, બપોરે ૧૨ થી ૨ ક્ષત્રિય દિકરા - દીકરીઓ દ્વારા પરંપરા અને શૌર્યના નિદર્શન સમા તલવાર રાસ, તે જ દિવસે બપોરે ૩:૩૦ વાગ્યાથી ઐતિહાસિક નગરયાત્રામાં વિન્ટેજ મોટરો, જૂની ગાડીઓ, ઘોડા - હાથી, બળદગાડા, ઢોલ - શરણાઈ સાથે નીકળશે.

નગરયાત્રાનો રૂટ : પેલેસ રોડ, કેનાલ રોડ, ભૂતખાના ચોક, માલવીયા પેટ્રોલ પંપ, યાજ્ઞિક રોડ, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક), મોટી ટાંકી, લીમડા ચોક, ત્રિકોણબાગ, લાખાજીરાજ રોડ, ભુપેન્દ્ર રોડ થઈ પેલેસ રોડ ખાતે સમાપન થશે. આ નગરયાત્રામાં સંતો - મહંતો અને ભાયાતો પણ વિન્ટેજ કારમાં બિરાજમાન થશે.

તા.૨૯ના સવારે ૮:૩૦ થી ૧ પૂજનવિધિ, સંધ્યા પૂજન, સૂર્યદેવને અર્ધ્ય ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટે મંત્રોચ્ચાર થશે. બપોરે ૩ થી ૬ાા જગત કલ્યાણ માટે શાંતિ, પુષ્ટિ હોમ ૫૧ બ્રાહ્મણો દ્વારા તીર્થોથી આવેલા જળનો અભિષેક, સાંય પૂજન, સાંજે ૬ાા થી ૯ાા જયોતિ પર્વ અંતર્ગત રાજકોટના ૩૦૦થી વધુ સર્વસમાજના લોકો આશરે ૭ હજારથી વધુ દીપ પ્રગટાવશે. તા.૩૦ના સવારે ૧૦:૧૫ થી રાજયાભિષેક તથા રાજતિલક મહોત્સવ, રાત્રીના ૯ થી ૧ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કવિ અંકિત ત્રિવેદી અને સાથી કલાકારો તેમજ ભાતીગળ લોકડાયરામાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી, બ્રીજરાજદાન ઈશરદાન ગઢવી અને સાથી કલાકારો જમાવટ કરશે.

ઉપરોકત તસ્વીરમાં 'અકિલા' કાર્યાલયે રાજયાભિષેક - રાજતિલક મહોત્સવનંુ આમંત્રણ આપવા આવેલા યુવરાજ શ્રી જયદીપસિંહજી માંધાતાસિંહજી જાડેજા (રામરાજા) સાથે દિવ્યરાજસિંહ ગોહિલ (ભગતભાઈ), બહાદુરસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા અને ઋષિકેશ દેવમુરારી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:59 pm IST)