Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલ ઠગાઈ-વિશ્વાસઘાત અંગેની ફરીયાદને રદ કરવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટના રહેવાસી મીનાબેન જગદીશભાઈ કામાણીએ રાજકોટ ગાંધીગ્રામ યુનિ. (૨) પોલીસ સ્ટેશનમાં રિતેશભાઈ માવાણી તથા બ્રિજ પોઈન્ટ માર્કેટીંગના પંકિતા મહેતા તથા કાફે હેસ્ટેગ વિરૂદ્ધ એફઆઈઆર તા. ૫-૧-૨૦૨૦થી આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) કલમ હેઠળ ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદને રદ કરવાનો હાઈકોર્ટે હુકમ કર્યો હતો.

ફરીયાદની હકીકત એવી છે કે, આરોપી નં. ૧ના એ ફરીયાદીને લાલચ આપી બદદાનતથી અન્ય આરોપી સાથે કાવત્રુ રચી ફરીયાદીને વિશ્વાસમાં લઈ બેન્ક એકાઉન્ટના અલગ અલગ ચેકોમાં સહી લઈ જે ચેકના નાણા તેમજ આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર કરી કુલ રૂ. ૩૪,૨૦,૦૦૦ની છેતરપીંડી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરીને નાણા ઓળવી જઈને ગુન્હો કર્યા બાબતની ફરીયાદ મીનાબેન જગદીશભાઈ કામાણીએ રાજકોટ શહેર ગાંધીગ્રામ ુયનિ. (૨) પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.

બનાવની હકીકત એવી છે કે, સને ૨૦૧૫માં રીલેશનશીપ મેનેજર તરીકે રિતેશભાઈ માવાણી અવારનવાર બેન્કના કામ સબબ ફરીયાદીના ઘરે આવતા હતા અને ઘરેથી બેન્કીંગની સુવિધા પુરી પાડતા હતા. સને ૨૦૧૬માં ફરીયાદીએ એચ.ડી.એફ.સી. બેન્ક કાલાવડ રોડ બ્રાન્ચમાં ખાતુ ખોલાવેલ અને રિતેષભાઈએ ફીકસ ડીપોઝીટમાં રકમ મુકવાનું જણાવતા ફરીયાદીએ અલગ અલગ ચેકોમાં સહી કરીને આપેલ, ત્યાર બાદ ફરીયાદીને મણકાના ઓપરેશન માટે નાણાની જરૂરત હોય આ બાબતે અવારનવાર રિતેષભાઈને કહેતા તેઓએ કહેલ કે મારી ટ્રાન્સફર થઈ ગયેલ છે.

રાજકોટ આવીને નાણાની વ્યવસ્થા કરી આપીશ, તમો બેન્ક જશો નહિ જશો તો ઈન્કમ ટેકસની રેઈડ આવશે તેવું જણાવેલ. તેમજ બિમારીના બહાના બતાવતા અને ફોન બંધ કરી દેતા, ફરીયાદી બેન્કે જતા તેમને જાણવા મળેલ કે, ફરીયાદીના બેન્ક ખાતામાં જમા થવાને બદલે બ્રિજ પોઈન્ટ માર્કેટીંગના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયેલ અને બેન્ક સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મલેલ કે બ્રિજ પોઈન્ટનું એકાઉન્ટ પંકિતા મહેતાના નામનું હોવાનું અને પંકિતા મહેતા રિતેષભાઈના પત્ની હોવાનું જાણવા મળેલ તેમજ યુનિયન બેન્કના બીજા અન્ય નાણા કાફે હેસ્ટેગના નામે આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર થયેલ. આમ કુલ રૂ. ૩૪,૨૦,૦૦૦ ઉપરોકત વિગતે રિતેશભાઈ માવાણી તથા અન્યો સામે આ બાબતે ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ.

આ બાબતે રિતેશભાઈ માવાણી તથા અન્યો હાઈકોર્ટમાં કોશીંગમાં જતા બન્ને પક્ષે સમાધાન થઈ જતા ગુજરાત હાઈકોર્ટે ગાંધીગ્રામ યુનિ. (૨) પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ એક જ દિવસમાં રદ્દ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં યુવા ધારાશાસ્ત્રી શ્રી કૌશિક એમ. ખરચલીયા, મલ્હાર કે. સોનપાલ, તેજસ એમ. ખરચલીયા તથા ઈમરાન એમ. હિંગોરજા રોકાયેલ હતા.

(3:59 pm IST)