Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જામીન પર છૂટી ફરાર થયેલા ગોંડલ હત્યા કેસના બન્ને આરોપીઓને ઝડપી લેતી LCB

સંજય ભાદાણી હત્યા કેસના આરોપી અકરમ અને સોહીલ ફરી પોલીસની ગીરફતમાં : પોલીસમેન જયુભા અને અનિલ ગુજરાતીની બાતમી પરથી પો.ઇન્સ. એમ.એન. રાણા અને ટીમને સફળતા

રાજકોટ તા. ૧૭ : ગોંડલમાં પાંચ વર્ષ પહેલા થયેલી પટેલ યુવાનની ચકચારી હત્યા કેસમાં બે કેદી વચગાળાના જામીન પર છુટયા બાદ ફરાર થઇ જતા તેને એલસીબીની ટીમે મહારાષ્ટ્રના લાતુરથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રૂરલ એસપી બલરામ મીણાએ ગોંડલ શહેરમાં ર૦૧૬માં બનેલ ચકચારી મર્ડર કેસના બે આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હોય તેને તાકીદે પકડી પાડવા સુચના આપતા પોલીસ ઇન્સ. એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ તપાસમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. જયુભા વાઘેલા, મહિપાલસિંહ જાડેજા તથા અનિલભાઇ ગુજરાતીને હકકીત મળેલ કે આ અરોપીઓ ગુજરાત છોડી મહારાષ્ટ્ર રાજયના લાતુર ખાતે પોતાની હાજરી છુપાવી પોલીસથી બચી વસવાટ કરે છે.

જેથી એલસીબીના પીઆઇ એમ.એન.રાણા તથા હેડકોન્સ જયેન્દ્રસિંહ, અનીલભાઇ, મહિપાલસિંહ તથા ભાવેશભાઇ સહિતે મહારાષ્ટ્રના લાતુર ખાતેથી આરોપી ગોંડલ ભગવતપરાના અકરમ કરીમભાઇ કટારિયા અને સોહીલ કરીમભાઇ કટારીયાને પકડી લીધા હતા પાંચ વર્ષ પહેલા ૧૩ જેટલા શખ્સોએ સંજયભાઇ ભાદાણીને જુની અદાવતના લીધે હત્યા કરી હતી. જેમાં પોલીસે ૧૩ શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા જેમાં અકરમ અને સોહીલ એક દિવસના વચગાળાના જામીન પર છુટયા બાદ ફરાર થઇ ગયા હતા.

(3:47 pm IST)