Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અટિકામાં 'હિટ એન્ડ રન': કરાટે શિક્ષકનું મોત

મા અંબા-ખોડલ મંદિર વાળા રોડ પર રાત્રીના બનાવઃ મૃતકના પત્નિ-ભાઇઓ-પુત્રો સુરત અને જુનાગઢ રહે છે : રણુજા મંદિર પાસે સ્વાતિ પાર્કમાં રહેતાં હરેશભાઇ ચુડાસમા (ઉ.વ.૫૦) ચાલીને જતાં હતાં ત્યારે વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૧૭: ઢેબર રોડ અટિકા સાઉથમાં મા અંબા-ખોડલ મંદિરવાળા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં કરાટે ચેમ્પિયન શિક્ષક પ્રોૈઢનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ અટિકા સાઉથમાં મા અંબા-ખોડલ મંદિરથી થોડે આગળ રોડ પર એક પ્રોૈઢની લાશ પડી હોવાની જાણ ૧૦૮ મારફત થતાં કન્ટ્રોલ રૂમ મારફત ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા અને રામદેવસિંહે સ્થળ પર પહોંચી તપાસ કરતાં અજાણ્યા પ્રોૈઢ ઇજાગ્રસ્ત, લોહીલુહાણ મળ્યા હતાં. તેમની પાસે મળેલા મોબાઇલ ફોનના નંબરોને આધારે તપાસ શરૂ થતાં ચંદુભાઇ ઢાંકેચા નામના વ્યકિતએ પોતાને જે નંબરમાંથી ફોન આવ્યો એ ફોન તેના મિત્ર હરેશભાઇનો હોવાનું કહેતાં પોલીસે તેમને સ્થળ પર બોલાવ્યા હતાં.

ચંદુભાઇ મૃતદેહ જોતાં જ શોકમાં ગરક થઇ ગયા હતાં. આ મૃતદેહ તેમના મિત્ર રણુજા મંદિર પાસે સ્વાતિ પાર્કમાં રહેતાં કરાટે ટીચર હરેશભાઇ હરકિશનભાઇ ચુડાસમા (ઉ.વ.૫૦)નો હોવાનું ઓળખી બતાવતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

મૃત્યુ પામનાર હરેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. ભાઇઓ જુનાગઢ રહે છે અને બે પુત્રો તથા પત્નિ સુરત રહે છે. પોતે સ્વાતિ પાર્કમાં રહી અલગ-અલગ ચાર સ્કૂલમાં કરાટે શિક્ષક તરીકે નોકરી કરતાં હોવાનું મિત્ર ચંદુભાઇએ કહ્યું હતું. રાત્રે સાડા અગિયારેક વાગ્યે તેઓ અટિકામાં કામ પતાવી ચાલીને સ્વાતિ પાર્ક તરફ ઘરે જવા નીકળ્યા હતાં ત્યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. પોલીસ આ રોડ પર સીસીટીવી ફૂટેજ ચેક કરશે. મૃતકના સ્વજનોએ જાણ કરવામાં આવી હોઇ તેઓ રાજકોટ આવવા નીકળી ગયા હતાં.

(1:06 pm IST)