Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ખંઢેરીમાં મહાસંગ્રામ શરૂ

ભારત દાવમાં: ટીમમાં બે ફેરફારઃ રોહિત શર્મા અડધી સદી ચૂકયોઃ ૧૦૭/૧

રાજકોટમાં ૩૩ વર્ષ બાદ ભારત - ઓસ્ટ્રેલિયા મેચ : 'કરો યા મરો' જંગ : મુંબઈના પરાજયનો બદલો લેવા ટીમ ઈન્ડિયા સજ્જ : કોહલી, રોહિત, ફિન્ચ, વોર્નરનો જબરો ક્રેઝ : ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહના ઘોડાપુર : સવારથી જ સ્ટેડિયમમાં પ્રવેશવા લાઈનો : સાંજે મુખ્યમંત્રી હાજરી આપશે : મેચમાં સજ્જડ : સુરક્ષા વ્યવસ્થા : મનિષ પાંડે અને નવદિપ સૈની ટીમમાં

રાજકોટ, તા. ૧૭ : અહિંના ખંઢેરીના મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહાસંગ્રામ શરૂ થયો છે. રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈની શરમજનક હારનો બદલો ટીમ ઈન્ડિયા જરૂર લેશે તેવી ક્રિકેટ પ્રેમીઓને આશા છે. આજના ડે એન્ડ નાઈટ મેચમાંં રનોનું રમખાણ સર્જાશે. ત્રણસોથી વધુનો આંકડો થાય તેવી પૂરેપૂરી શકયતા છે. ભારતને સીરીઝ બચાવવા આજનો મેચ કોઈપણ સંજોગોમાં જીતવો જરૂરી છે. દરમિયાન ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહના ઘોડાપૂર છવાયા છે. બપોરનો મેચ હોય ખંઢેરીના મેદાનમાં પ્રવેશવા માટે સવારથી જ લાઇનો જોવા મળી રહી છે. સમગ્ર મેચ માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આજનો મેચ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ નિહાળવા આવનાર છે.

આ લખાય છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ભારતને દાવ આપ્યો છે અને ભારતીય ઓપનરો રોહિત શર્મા અને શિખર ધવન રનોની સટાસટી બોલાવી રહ્યા હતા ત્યારે રોહિત શર્મા અંગત ૪૨ રને ઝેમ્પાનો શિકાર બન્યો હતો આ લખાય છે ત્યારે શિખર ધવન ૪૦ અને વિરાટ કોહલી ૧૭ રને દાવમાં ભારતે ૧૮ ઓવરમાં ૧૦૭ રન બનાવી લીધા છે.

વાનખેડેમાં મળેલી શરમજનક હારનો બદલો લેવા માટે ઇન્ડિયા આજે ખૂબ જ મહેનત કરશે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં દસ વિકેટે હાર્યા બાદ એક ઇતિહાસ બની ગયો છે. ઇન્ડિયા પહેલી વાર ઓસ્ટ્રેલિયા સામે દસ વિકેટે હાર્યું છે. આ શરમજનક હારનો બદલો લેવા માટે રાજકોટમાં આજે ઇન્ડિયાએ મેચ જીતવી આવશ્યક છે. જો ઇન્ડિયા આજની મેચ ન જીતે તો તેઓ સિરીઝ ૨-૦થી હારી જશે.

પહેલી વન-ડેમાં રિષભ પંતને હેલ્મેટમાં બોલ વાગ્યો હોવાથી તે આજની મેચ નથી રમી રહ્યો. તેની જગ્યાએ કે. એલ. રાહુલ વિકેટકીપિંગ કરશે. જોકે આજની મેચમાં પણ સવાલ એ રહેશે કે રાહુલ કયા નંબર પર બેટિંગ કરશે. પહેલી મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ રાહુલ ત્રીજા નંબર પર આવ્યો હતો. કોહલી ચોથા નંબર પર આવ્યો હોવાથી તે સારી બેટિંગ નહોતો કરી શકયો. જોકે આજે તે કયા નંબર પર આવે એ જોવું રહ્યું. પંતની ગેરહાજરીમાં કેદાર જાધવને ઓલ-રાઉન્ડર તરીકે રમાડવામાં આવે તો નવાઈ નહીં.

આજની મેચમાં ઇન્ડિયાએ બેટિંગમાં અગ્રેશન દેખાડવું પડશે. બેટિંગના પેરેડાઇઝ ગણાતા વાનખેડેમાં તેઓ ફકત રપપ રન બનાવવામાં સક્ષમ રહ્યા હતા. બેટિંગની સાથે આપણું બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ જ નબળું રહ્યું હતું. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સ્ટાર બોલર હોવા છતાં તેઓ એક વિકેટ પાડવામાં નિષ્ફળ રહ્યા હતા.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ ફુલ ફોર્મમાં છે. એરોન ફિન્ચને તેની ટીમ પહેલી મેચ જેવું પફા્ર્મ કરે એવી આશા છે. તેઓ ટીમમાં કોઈ બદલાવ નહીં કરે એવું લાગી રહ્યું છે. ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચની જોડીએ ધમાલ મચાવી હતી એથી માર્નસ લબુશેન તેની ડેબ્યુ મેચમાં કઈ કરી નહોતો શકયો. જોકે આજની મેચમાં સૌની નજર લેબુશેન પર રહેશે. છેલ્લે ઓસ્ટ્રેલિયા જયારે વન-ડે સિરીઝ રમવા આવ્યું હતું ત્યારે ઇન્ડિયા ૨-૩થી સિરીઝ હાર્યું હતું. આ સિરીઝમાં શું થાય એ જોવું રહ્યું.

ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વા. કેપ્ટન), શીખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા,  કુલદીપ યાદવ, નવદીપ સૈની, જશપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયાની ટીમ : એરોન ફીન્ચ (કેપ્ટન), પેટ્રીક કમીન્સ, સીન અબોટ, એસ્ટોન અગર, પીટર હેન્ડસકોમ્બ, જોસ હેઝલવુડ, મર્નુસ લબુસચન્ગે, કેન રીચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક એસ્ટોન ટર્નર, ડેવીડ વોર્નર, એડમ ઝેમ્પા.

(3:29 pm IST)