Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

પાપી પાવન થઈ ગયા તે જ માર્ગ ઉપર હું જઈ રહી છું: મુમુક્ષુ મોનાલીબેનનું નવું નામ ''મુકિતશિલાજી મહાસતીજી''જાહેરઃ આવતા બુધવારે વડી દીક્ષા

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્ધેય પૂ.ગુરૂદેવ શ્રી ધીરજ મુનિ મ.સા.ની શુભ નિશ્રામાં શાસન રત્ના પ. પૂ.નર્મદ - વિનય મહાસતિજી સમીપે મુમુક્ષુ મોનાલીબેન સંઘવીનો ભવ્ય દીક્ષા મહોત્સવ વૈરાગ્યમય માહોલમાં ઉજવાયો હતો.

મુમુક્ષુની મહાભિનિષ્ક્રમણ શોભાયાત્રા આજે સવારે રમીલાબેન હરકિશનભાઈ બેનાણીના નિવાસ સ્થાનેથી, રાજપથ એપાર્ટમેન્ટ ,પંચવટી  સોસાયટીથી હજારો ભાવિકો સાથે દીક્ષાર્થીના જય જયકાર સાથે રાજકોટના રાજમાર્ગો ઉપરથી નિકળી હતી. શાતાકારી નવકારશીનું આયોજન કરેલ.

મનોજ ડેલીવાળાએ સંયમના નાદથી ડુંગર દરબાર ગજાવી દીધેલ. ભવ સાગરથી તરશે કોણ ? ભવની ભેખડ ભાંગશે કોણ? મોનાલીબેન...મોનાલીબેનના પ્રચંડ જયઘોષ સાથે મુમુક્ષુ મોનાલીબેને ડુંગર દરબારમાં પ્રવેશ કરેલ.

પૂ.ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મ.સા.મમુક્ષુ મોનાલીબેનને  ડુંગર દરબાર, પ્રમુખ સ્વામી સભાગ્રહ ખાતે દેવોને પણ દૂર્લભ એવો  કરેમિ ભંતે નો પાઠ ભણાવ્યો. ડુંગર દરબારમાં સુચિત્રાબેને  સ્તવન દ્રારા પ્રસ્તુતિ કરેલ.

મુમુક્ષુ મોનાલીબેને સંસારી અવસ્થાનું અંતિમ પ્રવચન આપતા ફરમાવ્યુ કે આજે મારા માટે સોનેરી દિવસ છે.આજે મારી ખૂશીનો કોઈ પાર નથી. મુમુક્ષુ મોનાલીબેને ગુણસાગરજી, મૃગાપુત્ર, જંબુકુમાર વગેરેના ધર્મ ગ્રંથના દ્રષ્ટાંત આપેલ.જે માર્ગો ઉપર અનંતા તીથઁકરો ચાલ્યા,ચોર સંયમ ધમઙ્ખ અંગીકાર કરી શિરમોર બની ગયા,પાપી પાવન થઈ ગયા તે જ માર્ગ ઉપર હું જઈ રહી છું. પ્રવજયા અંગીકાર કર્યાબાદ યોગીમાંથી અયોગી બનવા સદા પ્રયત્નશીલ રહીશ. ત્યારબાદ દરેકનો ઉપકારીઓ પ્રત્યે  ઉપકારભાવ વ્યકત કરેલ. પૂ.સુશાંતમુનિ મ.સા.,રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.તથા ગોંડલ, બોટાદ, સંઘાણી વગેરે સંપ્રદાયના વિશાળ સતિવૃંદની સંયમ મહોત્સવમાં પ્રેરક ઉપસ્થિતિ રહેલ.

કાર્યક્રમમાં  જૈનાગમ જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રનું વિમોચન કરવામા આવેલ. મુમુક્ષુ મોનાલીબેને પરીધાન કરેલ વસ્તુઓની ઉછામણીમાં ભાવિકોએ લાખો રૂપિયાના અનુદાનથી લાભ લીધેલ. જીવદયામાં જીવદયા પ્રેમીઓએ માતબર રકમના અનુદાનથી લાભ લીધેલ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)