Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

હમ નહીં સુધરેંગે : કોંગ્રેસમાં હજુ પણ સૌ ગોઠવે છે પોતાના સોગઠા!

પ્રમુખપદ અને વિપક્ષી નેતાપદની નિમણુંકમાં મોવડીની અનિર્ણાયકતા અને ગળાકાપ જૂથવાદથી કોંગ્રેસના નધણીયાતા ખેતરમાં ભાજપે કર્યુ ભેલાણ ! : જડબાતોડ લપડાક છતાં હજુ એક નેતા બસપા તો બીજા રાજપૂત ઉમેદવાર તરફ તો ત્રીજા અપક્ષ તરફ ખેંચે છે : બસપાને ટેકો દેવામાં કાયમી જોખમ!!

રાજકોટ, તા. ૧૭ : સીંદરી બળે પણ વળના મૂકે અને જડબાતોડ થપાટ છતાં હમ નહિં સુધરેંગે જેવું ઉકિતઓ રાજકોટ શહેર કોંગ્રેસ અને અમુક નેતાઓને બરાબર બંધ બેસે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ગઈકાલે ભાજપી નેતાઓ કોંગ્રેસની ગોઝારી બેદરકારીનો જબરો ફાયદો લઈને કોંગ્રેસીઓનું સરાજાહેર ચિરહરણ કર્યુ હોય તેવી બાજી મારતા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જવા છતાં હજુ રાજકોટ કોંગ્રેસમાં કોઈ ફરક ન પડ્યો હોય તેમ હજુ પણ સૌ પોતપોતાના જ સોગઠા ગોઠવવામાં વ્યસ્ત છે.

ઉમેદવારી પ્રશ્ને કોંગ્રેસને તો જાણે નાહી નાખવાનો વખત આવ્યો છે. હવે સામે ચાલીને ટેકો આપવાનો સમય આવ્યો હોવા છતાં જૂથવાદ અને મતમતાંભરને છોડવા કોઈ રાજી ન હોય તેવી ચર્ચા કોંગ્રેસમાં થઈ રહી છે. આજે સૌરાષ્ટ્ર સહપ્રભારી જીતેન્દ્ર બઘેલજી રાજકોટમાં છે ત્યારે કોંગ્રેસ નેતાઓ હવે શું કરવું? તે બાબતે એકબીજાથી વિપરીત દિશામાં ખેંચી રહ્યાનું જાણવા મળે છે.

ચર્ચાતી વિગતો મુજબ ગઈકાલે ઉતાવળે બોલાવાયેલ પત્રકાર પરિષદમાં કોંગી નેતાઓ કોઈ ઠોંસ વિગતો ન આપી શકયા પરંતુ હવે શું કરવું તે અંગે પણ નિર્ણય ના કરી શકયા. વોર્ડ નં.૧૩ની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂમિકા શું રહેશે તે પ્રશ્ને કોઈ ખોખારો ખાઈને કશું કહી શકતા નથી. ઉપર પૂછાવશુ કે પૂછાવ્યુ છે. આજે ચર્ચા કરશું. હજુ નક્કી નથી કર્યુ તેવા ગોળ ગોળ જવાબો અપાઈ રહ્યા છે ત્યારે શું કરવું તે બાબતે પણ નેતાઓ વચ્ચે ભારે ખેંચાખેંચી હોવાનું મનાય છે.

કોંગ્રેસમાં ચર્ચાતી વિગતો મુજબ કોંગ્રેસ બસપાને ટેકો આપે તો ''ડોશી મરી અને જમ ઘર ભાળી ગયું'' તેવી કહેવત જેવો સીનારીયો ઉભો થાય તેનું જોખમ છે કેમ કે વોર્ડ નં.૧૩માં પછી ભવિષ્યમાં આ બેઠક ઉપર બસપાનો દાવો કાયમી થઈ જાય જો કોંગ્રેસને પાલવે તેમ નથી. કોંગ્રેસના અમુક નેતા સ્પષ્ટ માને છે કે રાજકોટના મતદારો કયારેય ત્રીજી પાર્ટીને સ્વિકારતા નથી એટલે આ બાબતમાં પડાય નહિં.

ઉત્તરપ્રદેશમાં સપા-બસપાએ કોંગ્રેસની અવગણના કરી છે ત્યારે આ પ્રશ્ન મોવડી મંડળ પર જ છોડવો પડે તેમ છે ગત વિધાનસભા ચૂંટણીમાં એક ટીકીટવાંચ્છુ ચાલી બસપાને ટેકો આપવાનો મત ધરાવે છે તો એક નેતા અપક્ષ મુકેશ ડાભીને સમર્થન આપવાનું કહે છે પરંતુ મુકેશ ડાભી મોટાભાઈ ભરવાડ છે અને વોર્ડ નં.૧૭માં રહે છે ઉપરાંત વોર્ડ નં.૧૩માં નાનાભાઈ ભરવાડના મતો વધુ છે. ત્યારે કોંગ્રેસના એક નેતા આ અપક્ષને ટેકો આપવાનો મત ધરાવે છે.

ત્રીજી તરફ શહેર કોંગ્રેસના એક નેતા ભાજપના બળવાખોર રાજપૂત ઉમેદવાર સંજયસિંહ વાઘેલા તરફ ઝુકાવ ધરાવે છે. ભાજપના મજબૂત આગેવાન મનાતા સંજયસિંહ વ્યકિતગત રીતે ૧૫૦૦ થી ૨૦૦૦ મતના તો આસાનીથી હક્કદાર ગણાય છે.

રાજકોટ શહેર કોંગ્રેસના રખોપીયા વગરના ખેતરને સરાજાહેર લણી ગયેલા ભાજપના નેતાઓએ કોંગ્રેસની લાજ લૂંટી પેટાચૂંટણીમાં પોતાની આબરૂ લૂંટાઈ જશે તો તેવા પ્રશ્નનો છેદ ઉડાવી દીધો છે ત્યારે કોંગ્રેસના આ શરમજનક પ્રદર્શન પાછળ આંતરીક જૂથબંધી અને ખેંચાખેંચી ઉપરાંત નેતાગીરીથી અનિર્ણાયકતા પણ એટલી જ કારણભૂત છે.

શહેર કોંગ્રેસ ઘણા સમયથી કાર્યકારી પ્રમુખ ઉપર ચાલી રહી છે. બીજી તરફ મહાનગરપાલિકામાં વિપક્ષી નેતાની નિમણુંકમાં લાંબો સમય પસાર થઈ જતાં ત્યાં પણ નગરસેવકોમાં ખેંચતાણ અને નિરાશા પ્રસરી ગઈ છે ત્યારે લોકસભા ૨૦૧૯ની ચૂંટણી સાવ નજીક આવી ગઈ છે ત્યારે ગઈકાલના એપીસોડથી શહેરી મતદારોમાં કોંગ્રેસની આબરૂના લીરે લીરા ઉડી ગયા છે. જેની અસર રાજકોટ સહિતની લોકસભા બેઠક પર થઈ શકે છે.

(4:00 pm IST)