Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ભાજપ નેતાઓનું 'ઓપરેશન મીડનાઈટ!'

શહેર કોંગ્રેસના ગાલે લાગેલા 'તમ્મરીયા' તમાચા પાછળ 'ખનખનીયા'ના ખેલના આક્ષેપો : સર્વોદય સ્કુલ પાસે મધરાત્રે ખેલ પડ્યો : જો કે પછી આખી રાત રાખવો પડ્યો પહેરો : કોંગી ઉમેદવારના ઘર બહાર આખી રાત પહેરો રહ્યા છતાં કોંગ્રેસીઓ રહ્યા બેખબર!

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ શહેર કોંગ્રેસના ગાલ ઉપર ગઈકાલે ફેરવીને પડેલા 'તમ્મરીયા' તમાચા પાછળ 'ખનખનીયા' કામ કરી ગયાના આક્ષેપો કોંગ્રેસી વર્તુળો કરી રહ્યા છે ત્યારે ત્રણ ભાજપી નેતા (ભંભા સિવાયના)એ આ આખુ 'ઓપરેશન મીડનાઈટ' પાર પાડ્યાની સાચી ખોટી વિગતો ધીમે ધીમે બહાર આવી રહી છે. મધરાત્રે ઓપરેશન પાર પાડી ચબરાક નેતાઓએ કાળી મહેનત પર પાણી ન ફરી વળે તે માટે આખી રાત ચોકી પહેરો કર્યાનું પણ ભારે ચર્ચાય છે.

આગલી રાત્રીના જૂથવાદમાં રાચના કોંગ્રેસીઓ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે લાગેલા ઉમેદવારના મોટામોટા બેનરો નિહાળીને આકાશમાંથી વગર મહેનતે જીત આવી ટપકવાની છે તેવા સ્વપ્નો જોવા માટે ઘસઘસાટ સૂઈ ગયા હતા ત્યારે 'શહેરો કી ગલીયો મેં જબ અંધેરા હોતા હૈ' આધી રાત કે બાદ તોડ - ફોડ - તોડ - ફોડ જેવું ગીત ગાતા ગાતા ભાજપના શહેરના ટોચના નેતા ભાજપના ઉમેદવાર તથા ઉમેદવારના મિત્ર મનાતા ફાયનાન્સર સર્વોદય સ્કુલ પાસે નજરે પડ્યા હોવાનું કહેવાય છે.

એમ કહેવાય છે કે કંઈક અંશે ખનખનીયાનો ખેલ, ખોડલધામમાં સાથે રહીને થતી કામગીરી, દોસ્તી કે સમજાવટ જે થયુ તે પરંતુ 'વહીવટ' તો થયો અને નક્કી થયુ કે કોંગી ઉમેદવાર કાલે સવારે ફોર્મ પાછું ખેંચી લેશે.

સમજાવટ, વહીવટ, લોભ - લાલચ કે જે કંઈ થયું પરંતુ કંઈક એવુ થયુ કે ભાજપ ગેલમાં આવી ગયું પરંતુ હાથમાં આવી ગયેલી બાજી સરી પડશે તો? વિજયભાઈ રૂપાણીના શહેરમાં જ પેટાચૂંટણીમાં પાછુ જોવાનો વખત તો ન જ આવવો જોઈએ તેવી મક્કમતા સાથે 'સમજાવટ' સમયે એક કાળી ગાડી કે જેમાં બેસીને સવારે ફોર્મ પાછું ખેંચાયુ કોંગી ઉમેદવારના ઘર બહાર આખી રાત પહેરો હતો. તેવું ચોક્કસ લોકોએ જોયાની કાનાફુસી ચાલી રહી છે.

મુળ કોંગી ઉમેદવાર પરંતુ હવે ભાજપી ટેકેદાર નરશીભાઈનો સામાજીક બાયોડેટા જોઈએ તો માસ્તરના પગાર તો સારા જ છે. બે દિકરી છે. બંને ડોકટર છે. જમાઈ પણ ડોકટર છે. પુત્ર કોલેજમાં જાણે છે એટલે કોંગ્રેસના ૨૫ થી ૫૦ના કહેવાતા આક્ષેપો પણ વિચાર માંગી લ્યે છે.

બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર ખોડલધામ ટ્રસ્ટની સેવાકીય કામગીરીમાં સાથે સક્રિય છે. જો કે ચર્ચાતી વિગતો મુજબ કોંગ્રેસના પ્રમુખ નહિં પરંતુ ભાજપના પ્રમુખ આખી રાત જાગતા હોવાનું મનાય છે.

અમુક વર્તુળો તો સ્પષ્ટ કહે છે કે ઓપરેશન મીડનાઈટ પાર પડ્યા બાદ બે આગેવાનો આખી રાત જાગતા હતા.

ટૂંકમાં કોંગ્રેસ નેતાઓ જે આરોપ લગાવે છે કે ભાજપની હાર નિશ્ચિત હતી. મુખ્યમંત્રીશ્રીના શહેરમાં ચૂંટણી હાર પોષાય તે ન હતી માટે ભાજપવાળાઓએ શામ - દામ - દંડ - ભેદની નીતિથી અનિતિનો રસ્તો અપનાવ્યો છે. જો કે આવુ તો જસદણ વખતે પણ કોંગ્રેસીઓ કહેતા જ હતા.

(3:59 pm IST)