Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ભા.જ.પ. પક્ષ પલ્ટુઓની પાર્ટીઃ સંજયસિંહ વાઘેલા

વોર્ડ નં.૧૩નાં ભાજપનાં સસ્પેન્ડ થયેલા બળવાખોર વોર્ડ મહામંત્રી કહે છે : સિનિયર વફાદારોની ભાજપમાં અવગણનાં થઇ રહી છે તેથી પાર્ટી છોડી છેઃ લોક સેવા માટે ચૂંટણી લડી રહયો છું અને ચૂંટણી જીતવાનો વિશ્વાસ છે

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ભાજપનાં વોર્ડ નં. ૧૩નાં મહામંત્રી સંજયસિંહ વાઘેલાને બળવો કરવા સબબ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા ફટકારેલી નોટીસની બજવણી કાર્યાલય મંત્રી હરેશ જોષીએ કરી હતી તે વખતની તસ્વીર.

રાજકોટ તા.૧૭: અહીંનાં વોર્ડ નં. ૧૩ની પેટા ચૂંટણીમાં ભા.જ.પ.માં બળવો કરી અને અપક્ષ ફોર્મ ભરીને ચૂંટણી લડી રહેલા ભાજપનાં વોર્ડ પ્રમુખ સંજય સિંહ વાઘેલાને પાર્ટી માંથી સસ્પેન્ડ કરી નંખાયા હોવાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જાહેર કર્યું છે. ત્યારે સંજયસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ભાજપ પક્ષ પલ્ટુઓની પાર્ટી છે. આ પેટા ચૂંટણીમાં વફાદારને ટીકીટ આપવા માંગ કરવામાં આવી હતી પરંતુ ભાજપે પક્ષ પલ્ટુને ટીકીટ આપતા આખરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ અંગે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણીમાં ભાજપનાં આગેવાનોને પાટીનાં વફાદાર કાર્યકરોને ટીકિટ આપવા માંગ કરવામાં આવી હતી છતા ભાજપે વફાદાર કાર્યકર્તાઓને અવગણી પક્ષ પલ્ટુને ટીકીટ ફાળવતા ૭૦૦થી વધુ કાર્યકતાઓ નારાજ થયા હતા. અને આખરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવાની ફરજ પડી હતી.

વધુમાં સંજયસિંહે ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યકતો કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, હું રાજકારણમાં હોદ્દા કે પદ નહિ  પણ સમાજસેવા માટે જોડાયો છુ.

(3:57 pm IST)