Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

તા. ૯ થી ૧૩ ફેબ્રુ.ના રેસકોર્ષમાં બુકફેર-લીટરેચર ફેસ્ટીવલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે : વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો,લેખકો, સાહિત્યકારો, પુસ્તકપ્રેમીઓ ઉમટી પડશેઃ વિવિધ શ્રેણીના ૨૦૦થી વધુ પુસ્તકોના સ્ટોલઃ તજજ્ઞોના વકતવ્યો યોજાશે

રાજકોટ તા.૧૭ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસિટવલનું આગામી તા. ૯ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ના રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્રના પાટનગર અને શિક્ષણના ક્ષેત્રમાં અગ્રેસર એવા રાજકોટ શહેર ખાતે યોજાનાર બુક ફેરમાં મોટા ગજાના લેખકો વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, મહાનુભાવો, સાહિત્ય રસિકો, પુસ્તક પ્રેમીઓ અને વાંચનના શોખીનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ બુકફેરમાં વિવિધ પુસ્તકો અને વિષયો પર વિચારવિમર્શ, સાહિત્ય સંવાદ, સાહિત્ય સંધ્યા તથા સાહિત્ય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં પુસ્તક માહિતી કેન્દ્ર, પુસ્તકોના વેચાણના સ્ટોલ તેમફ ફુડ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ બુકફેર તથા લિટરેચર ફેસ્ટિવલમાં પુસ્તકોના સ્ટોલના બુકિંગ શરૂ થઇ ગયેલ છે. અને સ્ટોલ બુકિંગ માટે નિલેષ સોની મો. ૯૦૯૯૯૩૯૪૧૦ પર સંપર્ક કરવાનો રહેશે.

બુકફેરમાં આશરે ૨૦૦ થી વધુ વિવિધ વિષયોના પુસ્તકો જેવા કે વિજ્ઞાન, કલા, સાહિત્ય, ભાષા, ઇતિહાસ જેવા વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ ખાતે યોજાનાર આ બુક સ્ટોલ લિટરેચર ફેસ્ટિવલની આશરે બે લાખથી વધુ પુસ્તક પ્રેમીઓ મુલાકાત લેનાર છે.

આ બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ વિષયો જેવા કે પત્રકારિત્વ, કાવ્યલેખન, સોશિયલ મીડિયા તેમજ શોર્ટ ફિલ્મ મેકિંગ અંગેના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો વકતવ્યો યોજાશે. આ ભવ્ય બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલની મુલાકાત લેવા માટે રાજકોટ અને સોૈરાષ્ટ્રની જાહેર જનતા, શિક્ષણવિદો, વાંચનના શોખીનો તેમજ જ્ઞાનના ઉપાસકોને ખાસ જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

 

(3:45 pm IST)