Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

આંબેડકરનગરમાં નળમાં દારૂનો આથો આવતો હોવાની ફરિયાદ બાદ ધમકીઃ બેની અટકાયત

રાજકોટ તા. ૧૭: શહેરના વોર્ડ નં. ૧૩ના આંબેડકરનગરમાં પાણીની પાઇપ લાઇનમાં નળ વાટે દારૂનો આથો અને દારૂ આવતો હોવાની ફરિયાદને પગલે હોબાળો મચી ગયો હતો. આ બાબતે રહેવાસીઓએ ફરિયાદ કરતાં દારૂના ધંધા સાથે સંકળાયેલા મનાતા શખ્સોએ આ લોકોની ઘરે જઇ ધમાલ મચાવી ધમકી ઉચ્ચારી હતી. આ બાબતે અરજી થતાં પોલીસે બે વ્યકિતની સામે અટકાયતી પગલા લીધા છે.

માલવીયાનગર પોલીસે આંબેડકરનગર વિસ્તારના હિતેષ હસમુખભાઇ વાઘેલા અને ભુપત ગોવિંદભાઇ વઘેરા સામે ૧૫૧ હેઠળ અટકાયતી પગલાની કાર્યવાહી કરી છે. વિસ્તારના રહેવાસીઓના નળમાં દેશી દારૂના આથા અને દારૂ પણ પાણી સાથે ભળીને આવતાં હોવાની ફરિયાદને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું. બીજી તરફ આવી ફરિયાદ કરનારાઓની ઘરે પહોંચી કેટલાક શખ્સોએ માથાકુટ કરી ધાકધમકી ઉચ્ચારી હતી. મામલો પોલીસમાં પહોંચતા પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં બે શખ્સ સામે અટકાયતી પગલા લેવાયા છે. આ બંનેએ પોતાના બીજા એક સગા આ ડખ્ખામાં સામેલ હોવાનું રટણ કરતાં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગઇકાલે વિડીયો વાઇરલ થયો હતો તેમાં એક મહિલા હાથમાં ધોકા સાથે દેકારો મચાવતી જોવા મળી હતી.

(3:42 pm IST)