Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

નિલકમલ પાર્કમાં અફસાના ધુમલીયા સંચાલિત જૂગારધામમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૭ પકડાયા

કોન્સ. કુલદીપસિંહ જાડેજા સહિતની બાતમી પરથી પીએસઆઇ ગોહિલ અને ટીમની કાર્યવાહીઃ મા-દિકરીનો પણ સમાવેશઃ પોરબંદરની મહિલા ૨૦મી વખત પકડાઇ

રાજકોટ તા. ૧૭: કોઠારીયા રોડ જંગલેશ્વર પાસે નિલકમલ પાર્કમાં મુસ્લિમ મહિલાએ પોતાના ઘરમાં જૂગારધામ ચાલુ કર્યાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી પાંચ મહિલા સહિત સાતને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૩૩૯૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

પોલીસે અફસાનાબેન ફારૂક ધુમલીયા (ઉ.૩૦)ના ઘરમાં દરોડો પાડી તેને તથા ગીગા રાણાભાઇ કેશવાલા (ઉ.૫૦-રહે. ઓરિએન્ટ ફેકટરી પાસે,પોરબંદર), દિનેશ વિજયભાઇ ઝરીયા (ઉ.૨૪-રહે. લોધેશ્વર સોસાયટી-૨), ગીતાબેન હરેશભાઇ ગામી (ઉ.૪૫-રહે. જેતપુર બાવરા પરા, શંકર મંદિર પાસે), કિંજલ કાળુભાઇ ભરદ્વાર (ઉ.૨૫-રહે. લોધેશ્વર સોસાયટી-૩/૬), જ્યોત્સનાબેન બટુકભાઇ સોરઠીયા (ઉ.૫૦-રહે. આશાપુરા કોલોની-૪), માલીબેન નાથાભાઇ બાપોદરા (ઉ.૫૭-રહે. રાણાકંડોરણા તા. રાણાવાવ)ને પકડી લઇ ગંજીપાના તથા રોકડ કબ્જે કરી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે.એચ. સરવૈયાની સુચના તથા પીઆઇ એચ.એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ બી.ટી. ગોહિલ, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ, હિરેન્દ્રસિંહ પરમાર, વિક્રમભાઇ લોખીલ, કોન્સ. તોરલબેન જોષી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કુલદીપસિંહ જાડેજા,પ્રદ્યુમનસિંહ અને હિરેન્દ્રસિંહની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

અફસાનનો પતિ જામનગર નોકરી કરતો હોઇ તેણીએ તેની જાણ બહાર ઘરે ફિલ્ડ બેસાડી દીધું હતું. પકડાયેલામાં જ્યોત્સના અને કિંજલ મા દિકરી છે, પોરબંદરની માલીબેન અગાઉ વીસેક વખત જૂગાર રમતાં પકડાઇ ચુકી છે. કિંજલ પણ ત્રણેક વખત પકાડઇ હતી. પકડાયેલા તમામ જૂગાર રમવાના શોખીન હોવાનું પોલીસે જણાવ્યું હતું. (૧૪.૫)

 

(11:46 am IST)