Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સરકારના આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપવાના નિર્ણયને ખોડલધામ ટ્રસ્ટનો આવકર

રાજકોટ તા.૧૭: લેઉવા પટેલ સમાજના આસ્થા પ્રતિક સમાન ખોડલધામના નેજા હેઠળ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવી રહયા છે. ખોડલધામ ટ્રસ્ટની દેખરેખ નીચે આજે કાગવડ ખાતેનું ખોડલધામ મંદિર વિશ્વ વિખ્યાત બન્યું છે. ટ્રસ્ટ દ્વારા સમાજના યુવાનો માટે શિક્ષણની પ્રવૃતિ નોકરી માટે વધારે યુવાનો આગળ આવે તે માટે કલાસીસ ચલાવવામાં આવી રહયા છે. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા આર્થિક રીતે પછાત સવર્ણો માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે. એને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આવકારાયાનું યાદીમાં જણાવાયું છે.

ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના સમાજના નાનામાં નાના લોકોનાં ઉત્થાન માટે કરવામાં આવી છે અને આ માટે ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગ કામ પણ કરવામાં આવી રહયા છે. હજુ આગળના દિવસોમાં પણ ટ્રસ્ટ આજ દિશામાં આગળ વધશે. ત્યારે સરકારે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ધ્યાને લઇને સવર્ણો માટે અનામતની જાહેરાત કરી છે. સરકારે જેમની આવક આઠ લાખથી ઓછી હોય અને ખેતી લાયક જમીન ૫ એકરથી ઓછી હોય તથા ૧૦૦૦ સ્કે. ફુટથી નાનું ઘર હોય એવા આર્થિક રીતે પછાત સવર્ણોને આ અનામતનો લાભ આપવાની વાત કરી છે. આર્થિક રીતે પછાત સવર્ણો માટે સરકારે જે આ નિર્ણય લીધો છે એ ખરેખર અમલી બનશે તો લોકોને લાભ મળશે.(૧.૫)

(9:55 am IST)