Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દિકરીનો વલોપાતઃ સંજના આવતાં અમને નવી મા મળી'તીઃ પરંતુ કયાં ખબર હતી કે એ પિતાનું છત્ર પણ છીનવી લેશે?!

મારું કોઇ નથી કહી રડતી રડતી પરોઠા હાઉસમાં આવેલી સંજના બાદમાં પ્રવિણભાઇને છોડી ભાણવડ જતી રહી'તીઃ મોચી પ્રોૈઢ તેને તેડવા ગયા ને જીવ ગુમાવ્યો : રૂખડીયાપરાના મોચી પ્રોૈઢની હત્યામાં પકડાયેલી પત્નિ સહિત બંને જેલહવાલેઃઅસંજનાના પ્રવિણભાઇ સાથે લગ્ન થઇ ગયા હોવા છતાં દલાલે રાજસ્થાનના મોહન સિસોદીયાને તેના પુત્ર સાથે પરણાવવા માટે ૬૦ હજારમાં વેંચી નાંખી'તીઃ પ્રવિણભાઇ જતાં-જતાં દિકરીને કહી ગયેલા કે હું તારી માને તેડીને જ આવીશ...પણ આવી તેમની લાશ : મેં તો પિતા ગુમાવ્યા પણ સંજના બીજા કોઇ સાથે આવું ન કરે તે માટે તેને કડક સજા થવી જોઇએઃ ધર્મિષ્ઠા

રાજકોટ તા. ૧૬: રૂખડીયાપરા શેરી નં. ૪માં રહેતાં અને નજીકમાં જ દ્વારકાધીશ પરોઠા નામે સ્ટોલ ધરાવતાં પ્રવિણભાઇ છોટાલાલ વાળા (ઉ.૫૨) નામના મોચી પ્રોૈઢને ભાણવડના વિજયનગરમાં તેની જ પત્નિ સંજના અને તે જે બીજા યુવાન સાથે રહેવા માંડી હતી તે યુવાનના પિતા મોહન ભીમસિંગ સિસોદીયાએ ખાટલામાં જ જીવતા સળગાવી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનામાં આ બંને જેલહવાલે થયા છે. હત્યાનો ભોગ બનેલા પ્રવિણભાઇના દિકરી ધર્મિષ્ઠા વાળાએ આજે વલોપાત સાથે જણાવ્યું હતું કે મારા પિતાએ જે મહિલા સંજનાને રડતી રડતી આવી ત્યારે મદદ કરી આશરો આપ્યો અને પત્નિ બનાવીને રાખી એણે જ તેનો જીવ લઇ લીધાનું પહેલા તો મને ગળે ઉતર્યુ નહોતું. સંજના આવતાં અમને નવી મા મળી હતી. પણ અમને કયાં ખબર હતી કે એ હત્યારણ અમારું પિતાનું છત્ર પણ છીનવી લેશે!

ધર્મિષ્ઠાએ આંસુ સાથે જણાવ્યું હતું કે મારા પિતા અને હું દ્વારકાધીશ પરોઠા હાઉસ નામે જમણનો સ્ટોલ ચલાવીએ છીએ. અમે પાંચ બહેનો અને એક ભાઇ છીએ. અમારા માતાનું અગાઉ અવસાન થઇ ચુકયું છે. દસેક માસ પહેલા સંજના રડતી-રડતી અમારા પરોઠા હાઉસ ખાતે આવી હતી અને મારા પિતા પ્રવિણભાઇને કહેલું કે મને મારા પતિએ નાગપુરથી મારકુટ કરીને કાઢી મુકી છે, મને કામ આપો. આથી મારા પિતાએ દયા ખાઇને તેને રોજના રૂ. ૨૦૦ લેખે કામે રાખી હતી. બાદમાં બે અઢી માસ પછી તેની સાથે જ મારા પિતાએ કોર્ટમેરેજ કર્યા હતાં. જેથી અમને સંજના ઉર્ફ રેખા રૂપે નવી મા મળી હતી. અમે ભાંડરડા ખુશ હતાં. પણ અમને કયાં ખબર હતી કે આ જ સંજના આગળ જતાં અમારા પરથી પિતાનું છત્ર પણ છીનવી લેશે.

થોડા મહિના સાથે રહ્યા બાદ સંજના ઉર્ફ રેખા કે જેને અમે મા કહેતા હતાં તે અમને બધાને છોડીને ગત ૨૫ ડિસેમ્બરના પોતાના માસીના ઘર વૈશાલીનગરમાં જવાનું આરામ કરવા જવાનું કહીને નીકળી ગઇ હતી. તેણે ઓપરેશન કરાવ્યું હોઇ જેથી ત્યાં આરામ કરવા ગઇ હતી. પરંતુ બે દિવસનું કહીને ગયા પછી પણ પાછી ન આવતાં મારા પિતા વૈશાલીનગરમાં તપાસ કરવા જતાં ત્યાંથી સંજના નીકળી ગયાનું જણાવાયું હતું. આથી મારા પિતાએ  સંજનાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પિતાને તેના મિત્ર દિપક રિક્ષાવાળા મારફત ખબર પડી હતી કે સંજનાને હરેશ નામના શખ્સે ભાણવડના વિજયનગરમાં કોઇ રાજસ્થાની શખ્સને સંજનાને ૬૦ હજારમાં વેંચી નાંખી છે. આથી મારા પિતા સરનામુ શોધીને ભાણવડ સંજનાને પાછી લેવા ગયા હતાં. જતાં-જતાં મને કહી ગયેલ કે હું તારી મા સંજનાને લઇને જ પાછો આવીશ. પણ કમનસીબે તેમની લાશ જ પાછી આવી. સંજનાને રાજસ્થાનના જે શખ્સ સાથે લગ્ન કરવાના હતાં એ શખ્સના પિતા મોહન ભીમસિંગ સિસોદીયા પોતાની સાથે લઇ જવા માંગતો હતો અને મારા પિતા સંજનાને રાજકોટ લઇ આવવા ઇચ્છતા હતાં. આ કારણે માથાકુટ થતાં મારા પિતાએ સંજનાને લાફો મારી દીધો હતો અને ઝઘડો થયો હતો. બાદમાં પિતાને ખાટલામાં બાંધી દઇ સળગાવી દેવાયા હતાં.

ભાણવડ પોલીસના પીએસઆઇ પી.એ. જાડેજા અને રાઇટર જયદેવસિંહે સંજના ઉર્ફ રેખા અને મોહન સિસોદીયાને જામનગરથી ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતાં બંને જેલહવાલે થયા છે. અન્ય કોઇનો આ હત્યામાં રોલ છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

(4:23 pm IST)