Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બેફામ વ્યાજખોરીઃ કડીયા વૃધ્ધે ૧ લાખના ચારેક લાખ ચુકવ્યા છતાં વધુ રૂ.૨૦.૫૦ લાખ માંગી મારકુટ-ધમકી

લક્ષ્મીવાડીમાં રહેતાં ૬૩ વર્ષના અનિલભાઇ પરમારની ફરિયાદ પરથી આનંદનગરના મેઘદુત પરમાર સામે મનીલેન્ડ એકટનો ગુનોઃ ધમકી આપી કોરા ચેકો અને સમજુતી કરાર-પ્રોમીસરી નોટમાં સહીઓ પણ કરાવી લીધી

રાજકોટ તા. ૧૭: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લક્ષ્મીવાડીમાં રહેતાં કડીયા વૃધ્ધે સાતેક વર્ષ પહેલા પરિચીત એવા કડીયા શખ્સ પાસેથી એક લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હોઇ તેની સામે ત્રણ-ચાર લાખ ચુકવી દીધા હોવા છતાં આ શખ્સ વ્યાજનું વ્યાજ ચડાવી રૂ. ૨૦ લાખ ૫૦ હજારની ઉઘરાણી કરી ધમકાવતો હોઇ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

બનાવ અંગે ભકિતનગર પોલીસે લક્ષ્મીવાડી-૧૪/૪ વૃજનિવાસ એપાર્ટમેન્ટ ત્રીજા માળે રહેતાં અને હાલ નિવૃત જીવન જીવતાં અનિલભાઇ મનસુખભાઇ પરમાર (ઉ.૬૩) નામના કડીયા વૃધ્ધની ફરિયાદ પરથી આનંદનગર કવાર્ટર એલ-૧૮/૨૧૫માં  રહેતાં મેઘદૂત શાંતિલાલ પરમાર નામના કડીયા શખ્સ સામે આઇપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), મનીલેન્ડ એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

અનિલભાઇએ જણાવ્યું હતું કે હું અગાઉ રૈયા રોડ પર હાર્ડવેર સેનેટરી વેર્સની દૂકાન ધરાવતો હતો. જો કે પાંચ છ વર્ષ પહેલા આ દૂકાન બંધ કરી દીધી છે અને હાલમાં પોતે નિવૃત જીવન જીવે છે. સંતાનમાં એક પુત્રી છે. આજથી સાતેક વર્ષ પહેલા તા. ૧૦-૧૦-૧૦ના રોજ તેણે મેઘદૂત પાસેથી નાના ભાઇની કેન્સરની સારવાર માટે જરૂર હોવાથી રૂ. ૧ લાખ દસ ટકા વ્યાજે લીધા હતાં. આ રકમ સામે અત્યાર સુધીમાં ચાર-પાંચ લાખ ભરી દીધા છે. આમ છતાં હવે મેઘદૂત વધુ રૂ. ૨૦,૫૦,૦૦૦ની ઉઘરાણી કરી ઘરે આવી ગાળોદઇ હેરાન કરે છે. તેમજ સમજુતી કરાર, પ્રોમીસરી નોટ લખાવી નોટરી રૂબરૂ લખાણ કરાવી તેમાં પોતાની અને પત્નિ અલ્કાબેનની બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી. આ ઉપરાંત નાગરિક બેંકના ચાર ચેક અને ફેડરલ બેંકના બે કોરા ચેકોમાં બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી અને વ્યાજ નહિ આપો તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. તેમ ફરિયાદમાં જણાવાયું છે.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. વી. જે. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)