Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

લૂંટારા બેફામઃ કેસરી પુલ નીચે બે બુકાનીધારી બાઇકસ્વાર ડિલીવરીમેનને છરી બતાવી ૪૦ હજારની રોકડ લૂંટી ગયા

લાતી પ્લોટમાં નૂડલ્સના ગોડાઉનમાં ડિલીવરીમેન અફઝલ બુકેરા અને ડ્રાઇવર દિપક કોળી રિક્ષા લઇ વેપારીઓને માલ આપી પાછા આવતા'તા ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૭: ચોર-લૂંટારા-લુખ્ખાઓ ફરીથી બેફામ બન્યા છે. ધોળે દિવસે કેસરી પુલ નીચે આજી નદીના પટમાંથી ડિલીવરી વેન (રિક્ષા) લઇ પસાર થઇ રહેલા મુસ્લિમ યુવાન અને કોળી યુવાનને બાઇક પર આવેલા બે બુકાનીધારી શખ્સો છરી બતાવી ધમકાવી રૂ. ૪૦ હજારની રોકડ લૂંટી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. લાતી પ્લોટમાં નુડલ્સની એજન્સી ધરાવતાં વ્હોરા વેપારીને ત્યાં આ બંને યુવાનો કામ કરે છે.

 

બનાવ અંગે બી-ડિવીઝનના એએસઆઇ કે. યુ. વાળા અને હંસરાજભાઇ ઝાપડીયાએ પારેવડી ચોક પાસે ખોડિયારપરા-૧માં રહેતાં અફઝલ ઇબ્રાહીમભાઇ બુકેરા (ઉ.૧૯)ની ફરિયાદ પરથી બાઇક પર આવેલા મોઢે રૂમાલ બાંધેલા અને કાળા ચશ્મા પહેરેલા આશરે ૨૨-૨૫ વર્ષના બે શખ્સો સામે આઇપીસી ૩૯૨, ૫૦૬, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ લૂંટનો ગુનો નોંધ્યો છે.

અફઝલે જણાવ્યું હતું કે હું લાતી પ્લોટમાં મેગી નૂડલ્સની એજન્સી ધરકાવતાં શબ્બીરભાઇ અબ્બાસભાઇ કાથાવાલાને ત્યાં ડિલીવરીમેન તરીકે નોકરી કરુ છું. ગઇકાલે હું અને ડ્રાઇવર દિપક ભીમજીભાઇ વરદોડીયા (કોળી )(ઉ.૨૨-રહે. ખોડિયારપરા-૨) બંધ બોડીની રિક્ષા લઇને નૂડલ્સની ડિલીવરી કરવા ગયા હતાં. ૩૮ જેટલા વેપારીઓને માલ આપ્યો હતો તેની ઉઘરાણીના રૂપિયા ૪૦ હજાર આવ્યા હતાં. અમે બપોરે બે વાગ્યા આસપાસ પરત લાતી પ્લોટમાં જતાં હતાં ત્યારે કેસરી પુલ નીચે આજી નદીના પટમાં પહોંચતા બે શખ્સ આવ્યા હતાં. જેણે મોઢે રૂમાલ બાંધેલા હતાં અને કાળા ચશ્મા પહેરેલા હતાં. બંનેએ રિક્ષા ઉભી રખાવી છરી બતાવી હતી અને જે હોય તે આપી દેવા કહી ખૂનની ધમકી આપી મારી પાસેના ઉઘરાણીના રૂ. ૪૦ હજાર હતાં તે લૂંટીને ભાગી ગયા હતાં.

અમે શેઠને ફોન કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. અફઝલે જણાવ્યું હતું કે પૈસા લૂંટી લીધા બાદ એક શખ્સે બીજાને 'હાલ એય કિક માર' એટલુ કહ્યું હતું. બી-ડિવીઝન પોલીસે બંને લૂંટારૂઓને શોધવા દોડધામ શરૂ કરી છે.

(12:42 pm IST)