Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બાર, કાઉન્સીલ ઓફ ગુજરાતની ઇલેકશન ટ્રીબ્યુનલમાં નિમણુંક પામ્યા બાદ...

અભય ભારદ્વાજની ઉંચી ઉડાનઃ કેન્દ્રીય ઔદ્યોગીક ટ્રીબ્યુનલના જજોની પસંદગી કરવા રચાયેલ સમિતિમાં ભારદ્વાજની નિમણુંક

દેશના સતાકેન્દ્રમાં રાજકોટનો ડંકોઃ ભારદ્વાજની નિમણુંકથી રાજકોટનું ગૌરવ વધ્યુ

રાજકોટ તા.૧૭: રાજકોટે હવે હિન્દુસ્તાનના સત્તાના નકશામાં અતિ મહત્વનું સ્થાન હાંસલ કર્યુ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી વિજય રૂપાણીને ફરીવાર સત્તાના સિંહાસને બેસાડયા છે તો દેશના કાનુની ઇતિહાસમાં રાજકોટનુ સ્થાન ધારાશાસ્ત્રી શ્રી અભય ભારદ્વાજના કારણે ઇતિહાસ સર્જી રહ્યુ છે.

ભારતીય કાનુન પંચના ઇતિહાસમાં સર્વપ્રથમ મૂળ વકીલ તરીકે નીમણુક પામેલા રાજકોટના શ્રી અભય ભારદ્વાજની તાજેતરમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઇલેકશન ટ્રીબ્યુનલમાં, સૌરાષ્ટ્રમાંથી પ્રથમ નીમણુક થયા બાદ, તા.૧૫/૧/૨૦૧૮ના ભારત સરકારે, કેન્દ્ર સરકારના ઔદ્યોગીક ટ્રીબ્યુનલના મુખ્ય જજોની શોધ અને પસંદગી કરવા રચાયેલ સર્વોચ્ચ સમીતીના સભ્ય તરીકે શ્રી અભય ભારદ્વાજને નીમણુંક આપતા રાજકોટ ફરીને ચર્ચામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના અને રાજકોટના વકીલને આવુ બહુમાન મળ્યાનો આ પ્રથમ પ્રસંગ છે.

દેશનાં ઇતિહાસમાં પહેલીવાર રાજકોટને આટલુ મહત્વ મળી રહ્યુ છે. દિલ્હી,ચેનાઇ,ચંદીગઢ,જબલપુર, જયપુર, ધનબાદના અને મુંબઇના રાષ્ટ્રીય ઔદ્યોગીક ટ્રીબ્યુનલના પ્રીસાઇડીગ ઓફીસર (મુખ્ય ન્યાયમૂર્તિ) નક્કી કરવા માટે કેન્દ્રીય કેબીનેટની નીમણુક સમીતીએ દેશભરમાંથી પસંદ કરેલા દેશના પાંચ ટોચના કાયદાવીદો તથા કાનુની નિષ્ણાંતોમાં શ્રી અભય ભારદ્વાજનો સમાવેશ થાય છે. ગુજરાતને અને તેમાંયે ખાસ તો સૌરાષ્ટ્ર અને રાજકોટને શ્રી ભારદ્વાજે આ નિમણુંક દ્વારા વિશેષ ગૌરવ પ્રદાન કરાવ્યુ છે.

કેન્દ્ર સરકાર અને તેના કર્મચારીઓ વચ્ચેના ઔદ્યોગીક વિવાદના નીરાકરણ માટેના સર્વોચ્ચ ઔદ્યોગીક ટ્રીબ્યુનલોના મુખ્ય જજોની ખાલી જગ્યાઓ પુરવા રચાયેલી આ રાષ્ટ્રીય પસંદગી સમીતીમાં શ્રી ભારદ્વાજ ઉપરાંત સ્થાન મેળવનારાઓમાં શ્રી એલ.નરસિંહ રેડ્ડી (પટણા હાઇકોર્ટના નીવૃત મુખ્ય ન્યાયમૂર્તિ), કેન્દ્રના મજુર મંત્રાલયના સચીવ શ્રીમતી એમ.સત્યવતી, કેન્દ્રના ધારાકીય મંત્રાલયના સચીવ ડો.જી. નારાયણ રાજુ તથા કેન્દ્રના કાયદા મંત્રાલયના ભૂતપૂર્ણ સચિવ શ્રીમતી સ્નેહલતા શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.

દેશભરના વકીલો માટે સૌથી આનંદની વાત એ છે કે તેમના જ એક સાથીદાર એવા શ્રી અભય ભારદ્વાજની દેશભરની વકીલ આલમમાંથી સર્વપ્રથમ નીમણુંક, આ સર્વોચ્ચ પસંદગી સમીતીમાં થઇ છે અને તેથી એકમાત્ર તેઓ જ દેશભરના વકીલોનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય સમીતીમાં કરી રહ્યા છે.

વિશેષ ગૌરવની વાત એ છે કે ગુજરાત ભરમાં કાનુની ક્ષેત્રમાં જેમનો ડંકો વાગે છે અને ગુજરાતને સંેંકડો ન્યાયમૂર્તિઓની જેમણે ભેટ આપી છે તેવા કાયદાની જીવંત યુનીવર્સીટી ગણાતા શ્રી અભય ભારદ્વાજની નીમણુક આ અતિ મહત્વની પસંદગી સમીતીમાં નિષ્ણાંત (તજજ્ઞ) સભ્ય તરીકે કરવામાં આવી છે.

દેશના પાટનગરના શ્રમશકિત ભવનના કમીટી રૂમમાં તા.૨૪/૧/૧૮ ના સવારે ૧૧ કલાકે મળનાર સર્વોચ્ચ પસંદગી સમીતીની પ્રથમ મીટીંગમાં શ્રી અભય ભારદ્વાજ હાજરી આપવા જઇ રહ્યા છે ત્યારે તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૮૦૧૪૦ પર દેશભરમાંથી અભિનંદનનો ધોધ વહી રહ્યો છે.

(1:33 pm IST)