Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાવકી-માખાવડની ઇન્ડસ્ટ્રીઝમાં ચડ્ડીગેંગનો આતંક

૧૦થી ૧૨ કારખાનાઓના તાળા તૂટયાઃ બે મહિનામાં ત્રીજી વખત તસ્કરો ત્રાટકયાઃ તરવડા ગામના સરપંચ સહિતના આગેવાનોએ કારખાનેદારોને ફોનથી જાણ કરીઃ પોલીસ ફરીયાદ

રાજકોટઃ તા.૧૬, કડકડતી ઠંડી પડી રહી છે રાત્રીના ૧ થી ૫ દરમિયાન કર્ફયુનો સમય છે. જેનો તસ્કરો લાભ લઇ ચોરી કરી રહયા છે. દરમિયાન રાજકોટ-લોધીકાની ભાગોળે આવેલ રાવકી-માખાવડ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો નિશાન બનાવી રહયા છે. તાજેતરમાં જ ઉકત વિસ્તારના ૧૦ થી ૧૨ કારખાનાઓના તાળા તૂટયા છે. રોકડ રકમ તેમજ ઇલેકટ્રીક ઉપકરણો ચોરી ગયાનું જાણવા મળે છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાવકી અને માખાવડ વચ્ચેની ઇન્ડસ્ટ્રીઝ  ઝોનમાં સુરભી ઇન્ડસ્ટ્રીઝ અને આજુબાજુના  વિસ્તારમાં ચડ્ડી ગેંગે ૧૦ થી ૧૨ કારખાનાઓના તાળા તોડયા હતા અને લેપટોપ, રોકડ રકમની ચોરી ગયા હતા. બે દિવસ પહેલા રાત્રીના ત્રણેક વાગ્યાની આજુબાજુ આ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે.

આ બનાવની જાણ થતાં જ તરવડા ગામના યુવાક સરપંચ જગદીશસિંહ જાડેજા તેમજક ગામના આગેવાનો આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દોડી ગયા હતા અને કારખાનોદારોને જાણ કરી હતી. સીસીટીવીમાં પણ અમુક લોકો રાત્રીના સમયે આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફરી રહયાનું જોવા મળતુ હોવાનું  જણાવેલ.

તરવડા ગામના સરપંચ જગદિશસિંહે તુરંત કારખાનેદારોને ફોનથી જાણ કરી બોલાવી લીધા હતા અને તસ્કરોને ગોતવા માટે આખી રાત ગામડાની સીમમાં અને કારખાનાઓ ખુંદી વળ્યા હતા. આ મામલે લોધીકા પોલીસ સ્ટેશનમાં પણ ફરીયાદ નોંધાઇ છે.

અત્રે નોંધનીય છે કે બે મહિના પહેલા પણ આવો જ બનાવ બન્યો હતો. જેમાં રોકડ રકમ, મોબાઇલ સહિતની વસ્તુઓ ચોરી ગયાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચેકીંગ વધારવા ગ્રામજનો અને કારખાનેદારોએ અપિલ કરી છે.

(4:02 pm IST)