Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વેકસીનનો બીજો ડોઝ લેનાર ૩૬ હજાર નાગરિકો વચ્ચે ઇનામનો ડ્રો સંપન્ન : ફેરિયા મનુભાઇને મળ્યો પ૦ હજારનો મોબાઇલ

નાનામવા આરોગ્ય કેન્દ્રની ટીમને ઉત્કૃષ્ટ કામગીરી માટે ર૧ હજારનું ઇનામ

રાજકોટ તા. ૧૬ : મ.ન.પા.દ્વારા વેકસીનનો બીજો ડોઝ લેનાર વ્યકિતઓ માટે ઇનામ લકકી ડ્રો યોજાયો હતો જેમાં થેલી વેચવાની ફેરી કરતા ફેરીયા મનુભાઇ લોલાડિયાને રૂ.પ૦ હજારની કિંમતના મોબાઇલ ફોનનું ઇનામ મળતા તેઓ હર્ષાન્વીત થઇ ગયા હતા નોંધનીય છે કે જયારે મ.ન.પા.ના અધિકારીઓએ મનુભાઇને ઇનામ માટે સંપર્ક કરવા પ્રયાસ કર્યો ત્યારે તેઓ પાસે ફોનનુ રિચાર્જ પણ થયુ નહતુ આથી અધિકારીએ તેના ફોનનું રીચાર્જ કરાવીને પછી તેઓને ઇનામી ડ્રોમાં બોલાવી પ૦ હજારના સ્માર્ટ ફોન આપ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેકસીનેશનને પ્રોત્સાહન મળે તે માટે ગત તા. ૦૪ડિસેમ્બર સવારે ૯ વાગ્યા થી તા. ૧૦ ડિસેમ્બર સાંજના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન વેકસીનનો બીજો ડોઝ લેનારા  લોકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫૦,૦૦૦/- સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેકસીનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. ૨૧,૦૦૦/-નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે,તેમ જાહેર કરવામાં આવેલ જે અનુંસધાને ગત તા.૧૪ ડિસેમ્બર ના રોજ મેયરશ્રી ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા અને દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળાની ઉપસ્થિતિ માં કોમ્પુટરરાઈઝ ડ્રો કરવામાં આવેલ જેના લક્કી ડ્રો માં શ્રી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાનું નામ જાહેર થયેલ તથા  સૌથી વધુ વેકસીનેશનની કામગીરી માટે  નાનામવા આરોગ્ય કેન્દ્ર પસંદ થયેલ.

ઉપરોકત લકકી ડ્રો અનુસંધાને ગઈ કાલે  વિજેતા લાભાર્થી શ્રી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયર, કમિશનર તથા પદાધીકારીઓના હસ્તે સ્માર્ટ ફોન (ઈલેવન એપલ)આપવામાં આવેલ સૌથી વધું વેકસીનેશનની કામગીરી માટે  નાનામવા આરોગ્ય કેન્દ્ર ટીમને રૂ/૨૧૦૦૦ નું રોકડ પુરષ્કાર પણ આપવામાં આવેલ,  લાભાર્થી મનુભાઈ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, તેઓ  એરપોર્ટ પાસે ના અમરજીત નગરમાં રહે છે અને કપડાની ફેરી નો વ્યવસાય કરેલ છે,અને તમામ પદાધિકારીઓ એ મનુભાઈ ને શુભેચ્છા પાઠવી હતી અને તેમના વિસ્તારમાં વધુને વધું વેકસીનેશન થાય તેવા પ્રયાસ અનુરોધ કરેલ, આ લક્કી ડ્રો યોજનામાં કુલ ૩૬૮૯૭ શહેરીજનોએ બીજા વેકસીનનો ડોઝ લીધેલ અને તમામ આરોગ્ય કેન્દ્ર પૈકી નાના મવા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ૧૧૬૩૬ લોકોને વેકસીન આપી અગ્રતા પ્રાપ્ત કરેલ.

(3:59 pm IST)