Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સામૂહિક વિરોધ પ્રદર્શનની મંજૂરી નહિ મળતા બેંક કામદારોએ પોતાની બેંક બહાર દેખાવો યોજ્યા

આજે બેંક કામદારોએ સંપૂર્ણ શિસ્તબધ્ધ રીતે પોસ્ટર-સાઇન બોર્ડ વડે કર્યો વિરોધ

રાજકીય પક્ષોને રેલી-સભા-રોડ શો માટે મંજૂરી? બેંક કામદારોને શા માટે નહી? ઉઠતા સવાલો

રાજકોટ,તા. ૧૬ : લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો બંધારણીય અધિકાર પ્રાપ્ત છે. પરંતુ રાજકોટની વાત કરીએ તો પોલીસ તંત્રએ બેંક કામદારોને તેમના અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરી બેંક કામદારોમાં રોષની લાગણી પ્રગટાવી છે. ખાનગીકરણના પ્રયાસોના વિરોધમાં આજથી બે દિવસની બેંક હડતાલનો પ્રારંભ થયો છે. બેંક કામદારો જ્યારે પણ સરકાર સામે અવાજ ઉઠાવી હડતાલ પાડે છે ત્યારે રાજકોટમાં શાંતિપૂર્વક દેખાવો કરતા હોય છે. પણ આ વખતે પોલીસતંત્રએ કોરોનાનું બહાનું આગળ ધરી વિરોધ પ્રદર્શન -દેખાવોને મજૂરી આપવાનો ઇન્કાર કરી પોતાની બેધારી જાતિ ખુલ્લી પાડી હોવાનું બેંક કામદારોમાં ચર્ચાઇ રહ્યુ છે.

બેંક કામદારોના જણાવ્યા પ્રમાણે તેઓ કાયમ કાયદાની મર્યાદામાં રહીને શિસ્તપૂર્વક દેખાવ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કરતા હોય છે પણ આ વખતે પોલીસે આ માટે મંજુરી ન આપી જે વ્યાજબી ન કહેવાય-રાજકીય પક્ષોને વિરોધ કે તાકાતનું પ્રદર્શન યોજવા, સભા-રોડ શો કરવા મંજૂરી મળે છે તો બેંક કામદારોને શા માટે નહીં ? પોલીસ તંત્ર બેવડુ વલણ ઉઘાડુ પડી ગયું છે.

 બેંક કામદારોના જણાવ્યા પ્રમાણે પોલીસે મંજુરી ન આપી હોવા છતાં પણ આજે શહેરના બેંક કામદારોએ પોતપોતાની બેંકની બહાર સાઇડ બોર્ડ-પોસ્ટર દર્શાવી વિરોધ કર્યો હતો. બેંક કામદારોએ અભૂતપૂર્વ શિસ્ત દાખવી સંપૂર્ણ પણે શાંતિપૂર્વક દેખાવો કરી રોષ પ્રગટ કર્યો હતો. બેંક કામદારોએ લોકોને કે ટ્રાફિકને નડતરરૂપ ન થાય એ રીતે દેખાવો કર્યો હતો. જે અભિનંદનને પાત્ર છે.

બેંક કામદારોનું કહેવું છે કે માન્યતા પ્રાપ્ત યુનિયનના સભ્યોને આ માટેની પોલીસ ભવિષ્યમાં મંજુરી આપશે. તેવી આશા રાખવામાં આવે છે.

(3:55 pm IST)