Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગોંડલ રોડ પરથી અધધ... ૪૮૨ ગેરકાયદે બોર્ડ બેનર જપ્ત

'વન વીક - વન રોડ' ઝુંબેશ હેઠળ જગ્યા રોકાણ વિભાગની કાર્યવાહી : ફુડ વિભાગ દ્વારા ૪ કિલો વાસી અખાદ્ય ચીજોનો નાશઃ ૨ વેપારીને નોટીસ : વેરા શાખાએ ૨૦ લાખ વસુલ્યા અને ૯૯ બાકીદારોને નોટીસ ફટકારી : ગંદકી સબબ ૮ હજારનો દંડ વસુલાયો

રાજકોટ,તા.૧૬:  મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.  જે અન્વેય આજે ગોંડલ રોડ પર થી ૪૮૨ ગેરકાયદે બોર્ડ-બેનર, ૪ કિલો વાસી ખોરાકનો નાશ, ૨૦ લાખની વેરા વસુલાત, ૯૯ બાકીદારોને નોટીસ પાઠવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

આ અંગે મ્યુ.કોર્પોરશેનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ ઝોનની તમામ શાખા દ્વારા આજે સવારે માલવીયા ચોક થી સ્વામી વિવેકાનંદ બ્રિજ સુધીનાં ગોર્ડલ રોડ પર મનપાની તમામ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

દબાણ હટાવ શાખા

     દબાણ હટાવ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત ગોંડલ રોડ પરથી ૪૮૨ બોર્ડ-બેનર/ ઝંડી જપ્ત કરવાની કામગીરી આવી હતી.

૨૦.૪૫ લાખની વેરા વસુલાત

     વેરા-વસુલાત શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત ગોંડલ રોડ પર પાઈનવીટા હોટેલ, પ્રમુખ સ્વામી આર્કેટ, સીવાલીક-૫ વિગેરેમાંથી કુલ ૧૩ મિલ્કતો પાસેથી કુલ રૂ. ૨૦ લાખ ૧૫ હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ. વિશેષમાં કુલ ૭ લોકો પાસેથી કુલ રૂ. ૩૦ હજારની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવેલ, જયારે વ્યવસાય વેરા માટે કુલ ૯૯ મિલ્કતધારકોને સુનવણી નોટીસ આપવામાં આવેલ છે.

આમ, કુલ ૨૦ મિલ્કત ધારકો-વ્યવસાય ધારકો પાસેથી કુલ ૨૦ લાખ ૪૫ હજાર રૂપિયાના વેરાની વસુલાત કરવામાં આવેલ.

૪ કિલો વાસી ખોરાકનો નાશ

૨૦૦૬ અન્વયે દૂધનો લેવાયેલ ૧ નમુનો.વન વીક વન રોડ અંતર્ગત ગોંડલ રોડ  પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન  ઇન્ડીયા રેસ્ટોરન્ટ માંથી વાસી પ્રિપેર્ડ શાક ૪ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ તથા હાઇજીન બાબતે નોટીસ તથા બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંકસનાં વેપારીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ છે.

ફુડ સેફ્ટીસ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ મુજબ માહી સુપર ગોલ્ડ પેસ્ચરાઇઝડ ફુલ ક્રીમ મિલ્ક (૫૦૦ મિલી પેકડ પાઉચ), બાલાજી મિલ્ક સપ્લાયર, બોમ્બે મેટ્રેસ સામે, લક્ષ્મીનગર મે. રોડ ખાતેથી નમુનો લીધેલ

૮ હજારના દંડની વસુલાત

વન વીક વન રોડ અંતર્ગત ગોંડલ રોડ પર જાહેરમાં કચરો ફેકનાર, ગંદકી કરવા સબબ કુલ ૧૧ લોકો પાસેથી રૂ. ૩,૭૫૦-, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા, ઉપયોગ કરવા સબબ કુલ ૧૧ને રૂ. ૪,૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ કુલ ૨૨ લોકોને પાસેથી કુલ રૂ. ૮,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ ૦૪ ટ્વીન લીટરબીન રીપેર કરવામાં આવેલ. 

(3:30 pm IST)