Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સ્ત્રીત્વ વિશેની અનોખી ગુજરાતી ફિલ્મ એટલે 'હલ્કી ફુલ્કી'

૯ મહિલાઓ અભિનિત આ ફિલ્મનું શુટીંગ રાજકોટ અને જામનગરમાં કર્ફયુ દરમિયાન થયું: ટ્રેલરને પણ મળ્યો બહોળો પ્રતિસાદઃ આવતીકાલથી ગુજરાત અને મુંબઇના સિનેમાઘરોમાં

 રાજકોટ, તા.૧૬: હલ્કી ફુલ્કીનું ટ્રેલર દર્શકો માટે ઘણી બધી લાગણીઓ અને હાસ્યથી ભરેલા રોલરકોસ્ટરનો આનંદ માણવા સાથે બહાર આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર આખરે રિલીઝ થતા તેને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ ડ્રામાથી ભરેલી છે, રડવાથી લઈને હસવા સુધીની અને મસ્તી કરવા સુધીની પાવરપેક ઈમોશન્સ પણ છે. ફિલ્મનું ટ્રેલર અલગ અલગ પાત્રો સાથેનું રોમાંચક છે. જેમાં અનેરી, આનંદી, પોલિસીભાભી, કીર્તિ, શકિત, ગાયત્રી, નીરજા, પરી અને વાણી એમ ૯ મહિલાઓની વાત કરવામાં આવી છે. જેઓ એકબીજા સાથે સમય વિતાવે છે અને માને છે કે પોતે ખુશ છે. એમાંથી કોઈ ગૃહિણી છે, કોઈ ડબિંગ આર્ટિસ્ટ છે, કોઈ ઈન્ટિરીયર ડિઝાઈનર છે તો કોઈ જીવન વીમા પોલિસીની એજન્ટ છે. તેઓ ક્યારેક અનેરીના ઘરે ભેગા થાય છે તો ક્યારેક મોલ, થિયેટર, બગીચા કે પબમાં. તેમને માત્ર પત્ની, માતા કે બહેન તરીકે જિંદગી નથી પસાર કરવી, તેમને લાઇફ એન્જોય કરવી છે.

આ ફિલ્મ ૧૦ સ્ત્રીઓ ઉપર બનેલી છે અને તેઓની આસપાસ જ ફિલ્મની સ્ટોરી છે ફિલ્મના કલાકારોએ જણાવેલ કે પુરૂષો એક બીજાને મદદરૂપ બનતા હોય છે જયારે આ ફિલ્મમાં એક સ્ત્રી બીજી સ્ત્રીને મદદરૂપ બને છે તેના ઉપરની છે.

મહિલા કલાકારોએ જણાવેલ કે આ ફિલ્મનું સમગ્ર શુટીંગ કર્ફયુ દરમિયાન થયુ છે. રાજકોટ અને જામનગરમાં ૨૪ દિવસમાં શુટીંગ થયુ હતુ.

 આ ફિલ્મ જયંત ગિલાટર દ્વારા લખવામાં આવી છે અને દિગ્દર્શિત કરવામાં આવી છે. શત્રુઘ્નસિંહ સોલંકી દ્વારા નિર્મિત અને હરદેવસિંહ સોલંકી અને હરીશસિંહ સોલંકી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. જીતેન પુરોહિત સુપરવાઇઝિંગ પ્રોડ્યુસર છે. આશુ પટેલ ક્રિએટિવ પ્રોડ્યુસર છે અને અતુલ બોસામીયા સહયોગી નિર્માતા છે. આ ફિલ્મ હિરેન ગોસાઈ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. ગીતા માણેક ગુજરાતી ફિલ્મમાં ડાયલોગ રાઈટર તરીકે પ્રથમવાર ડેબ્યુ કરી રહ્યા છે. પટકથા આશુ પટેલ, જયંત ગીલાટર અને દિવ્યકાંત પંડ્યાની છે. મેહુલ ચોકસી ગીતકાર છે અને યુગ ભુસાલે ફિલ્મ માટે સંગીત આપ્યું છે.

 આ ફિલ્મના કલાકારોમાં નેહા મહેતા, આનંદી ત્રિપાઠી, જયકા યાજ્ઞિક, ભાવિની ગાંધી, દિશા ઉપાધ્યાય, માનસી પ્રભાકર જોશી, પૂર્વી દેસાઈ, રચના પટેલ, સાત્વી ચોકશી અને આંચલ શાહનો સમાવેશ થાય છે. હલ્કી ફુલ્કી સ્ત્રીત્વ વિશેની ફિલ્મ છે. 'હલકી ફુલકી' ગુજરાતી ફિલ્મને આધુનિક ટચ અપાયો છે અને પરિવાર સાથે જોઈ શકાશે તેવું પ્રતિત કરાવે છે. ટ્રેલરને તેની હળવી કોમેડી અને લાગણીઓને કારણે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પ્રેક્ષકો પહેલાથી જ ફિલ્મની રજૂઆત શોધવા માટે રાહ જોઈ રહ્યા છે કારણ કે આ સમગ્ર પરિવાર સાથે મળીને એક ઉત્તમ દૃશ્ય બની શકે છે. આ ફિલ્મ ૧૭મીના રોજ રિલીઝ થવાની છે. ટ્રેલરે તેનો જાદુ ચલાવ્યો છે અને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. (તસ્વીરમાં ફિલ્મના કલાકારો નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

(3:28 pm IST)