Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

નિરોગી રહેવુુ હોય તો સારા દેશી બિયારણના ઉત્પાદનો ગ્રહણ કરો : ડો. નાનજીભાઇ ડઢાણીયા

રાજકોટ તા. ૧૬ : હાલ કેન્સર, બ્રેઇન સ્ટોક, હાર્ટ એટેક, બી.પી., ડાયાબીટીસ જેવા અનેક રોગો ભરડો લઇ રહ્યા છે. ત્યારે જો આવા રોગ સામે રોગપ્રતિકારક શકિત સક્ષમ બનાવી હોય તો આરોગાતા ખોરાકની ઉત્પાદન પ્રક્રિયા સામે ધ્યાન આપવુ જરૂરી બની ગયાનું એગ્રીકલ્ચર વિભાગના ડે. ડાયરેકટર ડો. નાનજી ડઢાણીયાએ એક યાદીમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવ્યુ છે કે હાલ ઉપલબ્ધ બીયારણોમાં અસલ સ્વાદ-સુગંધ ગાયબ થઇ ગયા છે. તેનું કારણ છે રસાયણો. પાકના વિકાસ અને ઉત્પાદન માટે વપરાતા ફર્ટીલાઇઝર્સ સાચી સોડમ અને સ્વાદનો નાશ કરી દયે છે. નિંદામણ નાશક કે જંતુ નાશક વાપરવાથી ઉત્પાદન તો વધે છે પરંતુ તેની અસલ મજા મારી જાય છે. વળી વેરહાઉસ કે ગોડાઉનમાં તેને સાચવવા ફયુમિગેશન સહીત ઝેરી રસાયણોનો મારો ચલાવવામાં આવે છે. એટલે વળી બચેલો રસ કસ પણ જતો રહે છે.

ઝેરી રસાયણોના કારણે સ્વાદ, સુગંધ તો બાજુએ રહ્યા ઉલ્ટાના માનવ શરીરમાં રોગોને જન્મ આપે છે. જો આવા રોગોથી બચવુ જ હોય તો ઇશ્વર નિર્મિત પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી તરફ વળવુ પડશે. દેશી ગાય માતાના ગોબર-ગૌમૂત્રના જીવામૃતો, દુધ, દહીં, છાશ, દેશી ગોળ, હીંગ તેમજ કેટલીક વનસ્પતિના ઉપયોગથી કરાતી ખેતી જ આપણને ઉગારી શકે. ખેડુતો હવે સમજતા થયા છે અને રાસાયણવાળી ખેતી છોડી ઓર્ગેનીક તરફ વળવા લાગ્યા છે.

જાગ્યા ત્યારથી સવાર સમજી હજુ પણ લોકોએ રસાયણીક ખાતરનો ત્યાગ કરી દેશી ખાતર તરફ વળી જવા ડો. નાનજી ડઢાણીયાએ અપીલ કરી છે. 

(3:21 pm IST)