Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલ માટે અસ્તિત્વની લડાઇઃ જીનીયસ પેનલની પરિવર્તન માટે લડાઇઃ જીજ્ઞેશ જોષી એકલવીર યોધ્ધા

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ બાર એસો.ની ચૂંટણીના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં પ્રમુખપદના પાંચ ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવારો સમરસ પેનલના અમિત ભગત, જીનીયસ પેનલના અર્જુન પટેલ અને એકટીવ પેનલના એકલવીર યોધ્ધા એવા જીજ્ઞેશ જોષી વચ્ચે ત્રિકોણીયો ચૂંટણી જંગ મંડાયો છે.

કોરોનાના બે વર્ષ દરમ્યાન બાર એસો. ની ચૂંટણી નહિ થતાં અને આગામી વર્ષ કોર્ટના નવા બિલ્ડીંગનું ઉદઘાટન થવાની સંભાવના હોય ખાસ કરીને ભાજપના બે જૂથો વચ્ચે 'કરો યા મરો' ની લડાઇ જામી છે.

જયાં સુધી સમરસ પેનલને લાગે વળગે છે. ત્યાં સુધી આ પેનલની ભાજપ લીગલ સેલના સમર્થનથી સૌને વિશ્વાસમાં લઇને પેનલ બનાવવામાં આવી છે.

ચૂંટણી પૂર્વે ભાજપ લીગલ દ્વારા પ્રમુખપદ માટે પસંદગી કરવાની ચર્ચા થતી હતી. પરંતુ લીગલ સેલમાંથી પ્રમુખપદ માટે કોઇ સબળ દાવેદાર ચૂંટણી લડવા તત્પરતા નહિ બતાવવા અમિતભાઇ ભગતને પ્રમુખપદે કાયમ રાખીને સમરસ પેનલની રચના કરવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિમાં બાર એસો. ની ચૂંટણી સમરસ પેનલ ભાજપ લીંગલ સેલ માટે અસ્તિત્વ જાળવી રાખવાની લડાઇ છે.

જીનીયસ પેનલના પ્રમુખપદે અર્જુનભાઇ પટેલ ચૂંટણી લડી રહ્યા હોય તેઓ બાર એસો. ની ચૂંટણી પરિવર્તન માટે લડી રહ્યા છે. આ પેનલનો મુખ્ય હેતું વર્ષોથી એકચક્રી શાસન બાર એસો.ની ચૂંટણીમાં ચાલતું હોય તેને દુર કરી વકીલો માટે બાર એસો. ના પ્રશ્નોને વાચા આપવા પરિવર્તન જરૂરી છે. તેવા મુદ્ે આ ચૂંટણી લડી રહ્યા છે.

ઉપરોકત બંને પેનલો ભાજપ તરફી મનાય છે. અને ભાજપના જ બે જૂથો વચ્ચેની લડાઇ હોય. હવે કોનું પલ્લું ભારે રહે છે. તે આવતીકાલે યોજાનાર ચૂંટણીમાં મતદાન થયા બાદ પરિણામ જાહેર થતાં ખબર પડી છે. આ બંને પેનલ સામે પ્રમુખપદના અન્ય સબળ દાવેદાર જીજ્ઞેશ જોષી પણ પ્રબળ દાવેદાર મનાય છે. તેઓનું કામ બોલે છે. વકીલોના પ્રશ્ને તેઓ હમેંશા બિન્દાસ પણે અવાજ ઉઠાવતા આવ્યા છે. બાર એસો.ની ચૂંટણી અનેક વખત લડી ચુકયા છે. અને કદી હાર્યા નથી ત્યારે સમરસ પેનલની અસ્તિત્વની લડાઇ, જીનીયસ પેલની પરિવર્તનની લડાઇ કે પછી જીજ્ઞેશ જોષી એકલવીર યોધ્ધા જીતશે તે મુદ્ે વકીલ આલમમાં ભારે તર્કવિતર્ક થઇ રહ્યા છે.

(3:15 pm IST)