Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પોલીસ ધારે તો ગમે ત્યાં ગમે તે રીતે પહોંચી શકે...રિક્ષાવાળાનો વેશ ધારણ કરી લોહાનગરમાં દરોડોઃ જૂગાર રમતાં ૩ પકડાયા

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે.જાડેજાની ટીમના જયેશભાઇ, જયદિપસિંહની બાતમી પરથી કાર્યવાહી : બકાલુ વેંચતી રીના પણ રમવા આવી'તીઃ જૂગાર રમાડનારો ઇમ્તિયાઝ સોરા ભાગી ગયો

રાજકોટઃ પોલીસ ધારે તો ગમે ત્યાં ગમે તે રીતે પહોંચીને ગુનાખોરી અટકાવી શકતી હોય છે. લોહાનગર રેલ્વે પાટા પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની દિવાલ પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના જયેશભાઇ નિમાવત અને જયદિપસિંહ બોરાણાને મળતાં ટીમના માણસો રિક્ષાચાલક અને મુસાફરનો વેશધારણ કરીને રિક્ષા લઇને જૂગાર રમાતો હતો એ સ્થળે પહોંચી હતી. આમ છતાં જૂગારીઓને ગંધ આવી જતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે બે પુરૂષ દિપક જીવાભાઇ મકવાણા (ઉ.૩૫-રહે. સોરઠીયા પ્લોટ-૩ જીલ્લા ગાર્ડન પાસે), જયંતિ જાદવભાઇ બાવળીયા (ઉ.૪૯-રહે. વાજસુરપરા-૧૫, જસદણ) તથા એક મહિલા રીના ઉર્ફ જાડી વિનોદ શાંતિલાલ કડેવાર (ઉ.૩૫-રહે. રામનાથપરા મહાદેવ મંદિર પાસે)ને ગંજીપાના વડે અંદર-બહારનો હારજીતનો જૂગાર રમતાં પકડી લઇ રોકડા રૂ. ૨૫૦૦ અને મોબાઇલ ફોન મળી ૧૧ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દિપક છુટક મજૂરી કરે છે, જયંતિ ભંગારની ફેરી કરે છે અને રીના બકાલુ વેંચે છે. આ બધા જૂગાર રમવા માટે જ અહિ આવ્યા હતાં. જૂગારનું સંચાલન ઇમ્તિયાઝ સોરા કરતો હતો. તે દરોડો પડતાં ભાગી ગયો હતો. પોલીસે જૂગારીઓ ભાગી ન જાય એ માટે પોલીસવાહનના ઉપયોગેને બદલે રિક્ષાનો ઉપયોગ કર્યો હતો. સીપી, જેસીપી, ડીસીપી તથા એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, આર. ડી. ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ, સ્નેહભાઇ ભાદરકા, મહિલા કોન્સ. ગાયત્રીબા ગોહિલ સહિતે આ દરોડો પાડ્યો હતો. તસ્વીરમાં પકડાયેલા દિપક અને જયંતિ તથા પોલીસ રિક્ષામાં બેસી ત્રાટકતાં કામગીરી જોવા ભેગા થયેલા લોકો જોઇ શકાય છે. 

(3:11 pm IST)