Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કાલાવાડ રોડ પરની નાગરીક બેંકના ૬૦ લાખની ઉચાપત પ્રકરણમાં વધુ ચારને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

માલીયાસણ પાસેથી આઇ-૧૦ કારમાંથી જનક સાગર ઉર્ફે સુધીર, રીંકેશ ઉર્ફે મયંક અને વસંત ઉર્ફે બકાલીને ઝડપી લીધાઃ રૂ.૩.પ૦ લાખની રોકડ, કાર સહીત રૂ.૭.૭૧ લાખની મતા કબ્જે

રાજકોટ, તા., ૧૬: કાલાવડ રોડ પરના કોટેચા ચોકમાં આવેલી રાજકોટ નાગરીક બેંકની શાખામાંથી રૂ.૬૦ લાખની ઉચાપત  પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ ચાર શખ્સોને માલીયાસણ નજીકથી ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ કોટેચા ચોક પાસે આવેલી નાગરીક સહકારી બેંકમાં ડેપ્યુટી ચીફ મેનેજર તરીકે નોકરી કરતા રવી દિલીપભાઇ જોષીએ એકના ડબલ નાણા કરવાની લાલચમાં તેના મિત્ર ભવ્યેશ ભોગીલાલ માંડાણી સાથે મળી બેંકમાંથી રૂ. ૬૦ લાખની ઉચાપત કરી હતી. આ રકમ તેણે ડબલ કરવાની લાલચમાં ચીટર ટોળકીને આપી દીધી હતી. આ મામલે તા.૪-૧૧ના રોજ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે બેંકના ડેપ્યુટી ચીફ મેનેજર રવી દીલીપભાઇ જોષી અને તેના મિત્ર ભવ્યેશ ભોગીલાલભાઇ માંડાણી અને દેવાંગ નટવરલાલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેયની પુછપરછમાં સુરેન્દ્રનગરની ગેડીયા ગેંગના સભ્યોની સંડોવણી ખુલતા આ ગેંગના સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઇન્ગ્રોડી ગામના સાહીરખાન નસીબખાન મલેક (ઉ.વ.ર૯), સુરેન્દ્રનગરના ચામુંડાપરા શેરી નં. ૧ના દાઉદ સલીમભાઇ મોવર (ઉ.વ.ર૪) અને ઇન્ગ્રોડી ગામના રશીદ મહંમદખાન મલેક (ઉ.વ.ર૩)ની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપી સાહીરખાને ચીટીંગના રૂ. ૬૦ લાખમાંથી ૧૧ લાખ પોતે રાખી બાકીના રૂ. ૪૯ લાખ સાગર જાનીને આપ્યા હોવાની કબુલાત આપી હતી. દરમ્યાન ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ યુ.બી. જોગરાણાને બાતમી મળતા આ કેસમાં ફરાર જનક ઘનશ્યામભાઇ પટેલ (ઉ.વ.૩૦) (રહે. ખેરોલ, ગામ પરબડી વાસ, તા.તલોદ, સાબરકાંઠા), સાગર ઉર્ફે સુધીર ભરતભાઇ જાની (ઉ.વ.૩૧) (રહે. એ.૭૦૩, શ્યામ કુટીર, નવા નરોડા, અમદાવાદ, મુળ ડી/૩૦૩ સંકલ્પ રેસીડેન્સી ન્યુ વાવોલ ગાંધીનગર), રીંકેશ ઉર્ફે મયંક અશોક ભારથી ગોસ્વામી  (ઉ.વ.ર૪) (રહે. મહેસાણા ગૌરવ ટાઉનશીપ ઘર નં. બી/૫૯ વીસનગર રોડ) અને વસંત ઉર્ફે બકાલી ચીમનભાઇ પટેલ (ઉ.વ.૩૬) (રહે. નીકોડીયા ગામ, તા.પ્રાંતીજ, સાબરકાંઠા)ને કુવાડવા રોડ માલીયાસણ પાસેથી જીજે ૯ બીએફ-૩૩૮ નંબરની આઇ-૧૦ કારમાંથી પકડી લઇ ચારેય પાસેથી રૂ. ૩,પ૦,૦૦૦ રોકડા, ત્રણ મોબાઇલ ફોન મળી રૂ. ૭.૭૧ લાખની મતા કબ્જે કર્યા હતા. ચારેયની પુછપરછમાં આરોપી સાગરે પોતાને અગાઉ પકડાયેલ અને હાલ જેલમાં રહેલા સાહીરખાને રૂ.૪૯ લાખ નહી પરંતુ માત્ર ૧૧ લાખ આપ્યાની અને રૂ. ૪૯ લાખ પોતે રાખ્યાનું રટણ કરતા હોવાથી પોલીસે સાહીરખાનના વધુ રીમાન્ડ માંગવા માટે તજવીજ હાથ ધરી છે અને ગઇકાલે પકડાયેલા ચારેય આરોપીના આજે રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(3:10 pm IST)