Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પાકિસ્તાનના ૧૩ લોકોને ભારતનું નાગરીકત્વ આપતા રાજકોટ કલેકટર

આજે બપોર બાદ ઓર્ડરની શકયતાઃ ૭ વર્ષથી રહેતા હોવા જરૂરીઃ કલેકટરોને 'પાવર' ડેલીગેટ બાદ આ પ્રથમ મંજુરી

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબૂએ તમામ તપાસ-સંપૂર્ણ પોલીસ અભિપ્રાય બાદ પાકિસ્તાનથી ભારત આવેલા અને વર્ષોથી રાજકોટમાં રહેતા ૧૩ લોકોને ભારતનું નાગરીકત્વ આપવાનો અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. કલેકટર કચેરીના ટોચના સૂત્રોના કહેવા મુજબ કલેકટરશ્રી આજે બપોર બાદ ભારતનું નાગરીકત્વ આપતા ઓર્ડર ઉપર સહી કરે તેવી અને ઓર્ડર કરે તેવી શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરીકોને ભારતનું નાગરીકત્વ આપવાના મૂળભૂત અધિકાર કેન્દ્રના છે, પરંતુ કેન્દ્ર દ્વારા રાજ્યોને ડેલીગેટ કરાયા બાદ તાજેતરમાં રાજ્ય સરકારે નાગરીકત્વ આપવા અંગે કલેકટરોને ડેલીગેટ કર્યા હતા. કલેકટરોને અપાયેલ આ પાવર ડેલીગેટ બાદ રાજકોટ કલેકટરશ્રીની આ પ્રથમ મંજુરી હોવાનું ઉચ્ચત્તમ સાધનોએ કહ્યુ હતું.

કલેકટર કચેરીના સૂત્રોએ કહ્યું કે ભારતનું નાગરીકત્વ આપવાનું ફાઈનલ થયુ છે. કલેકટરશ્રી બપોર બાદ સહી કરે પછી નામો જાહેર કરાશે.

આ તમામ ૧૩ લોકો પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુ લોકો છે. ૭ વર્ષ કે તેથી વધુ સમયથી રહે છે. આ તમામનો દર વર્ષે પોલીસ પાસેથી અભિપ્રાય મેળવાય છે. સતત ૭ વર્ષના અભિપ્રાય, એક પણ ગુન્હો નહી બાદ રાજકોટ કલેકટર દ્વારા પાકિસ્તાનના આ ૧૩ લોકોને અંદાજે ૨ થી ૩ પરીવારને ભારતનું નાગરીકત્વ આજે સંભવતઃ અપાશે.

(2:53 pm IST)