Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

શાપર-વેરાવળમાં યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી

પરપ્રાંતીય યુવાનને અન્ય જગ્યાએ માર મારી ગળેટૂંપો દઈ લાશ બાલાજી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં અવાવરૂ જગ્યાએ ફેંકી દેવાઈઃ મૃતકની ઓળખ મેળવવા કવાયતઃ એલસીબી-એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર યુવાનનો મૃતદેહ નજરે પડે છે(તસ્વીરઃ કમલેશ વાસાણી-શાપર-વેરાવળ)

રાજકોટ, તા. ૧૬ :. શાપર-વેરાવળમાં પરપ્રાંતીય અજાણ્યા યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને હત્યાના હેતુ તથા હત્યારાઓ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં આવેલ ગંગા ફોર્જિંગ ગેઈટ અંદર આવેલ બાલાજી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં અવાવરૂ જગ્યાએ અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની શાપર-વેરાવળ પોલીસને જાણ કરાતા પીએસઆઈ વી.બી. બરબચીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસને ઘટના સ્થળેથી મૃતકની ઓળખ મળે તેવા કોઈ પુરાવા મળ્યા ન હતા. મૃતક યુવાનના શરીરમાં ઈજાના નિશાન હોય તેમજ ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતા બનાવ હત્યાનો હોવાનું ફલીત થયુ હતું.

બનાવની જાણ થતા ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, એલસીબીના પીઆઈ અજયસિંહ ગોહીલ તથા એસઓજીના પીઆઈ સંજયસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડવા તજવીજ હાથ ધરી છે.  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક યુવાનની જે સ્થળેથી લાશ મળી ત્યાંથી કોઈ લોહીના નિશાન જોવા ન મળતા આ પરપ્રાંતીય યુવાનને કોઈ અન્ય જગ્યાએ માર મારી ગળેટૂપો દઈ લાશ અવાવરૂ જગ્યાએ ફેંકી ગયાની પોલીસને શંકા છે.  પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક યુવાનની ઓળખ મળ્યા બાદ પોલીસ હત્યાના હેતુ અને હત્યારાઓ અંગે તપાસ કરશે.

ગત સપ્તાહમાં દલિત યુવાનની હત્યા કરી લાશ ફેંકી દેવાયાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક પરપ્રાંતીય યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

(2:52 pm IST)