Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રેન્જરોવર કારે બાઇકને ઉલાળતાં સીપી ઓફિસના રજીસ્ટ્રી શાખાના કલાર્ક નરેન્દ્રસિંહ પરમારનું મોત

માધાપરના ગેઇટ પાસે રાત્રે 'હિટ એન્ડ રન':મહારાષ્ટ્ર પાસીંગની કારનો ચાલક અર્કસ્માત સર્જી ભાગી ગયો : મોરબી હાઉસ પાસેના ઘરેથી ઘંટેશ્વર તરફ જવા નીકળ્યા ત્યારે બનાવઃ દોઢ મહિના પછી દિકરીના લગ્ન હતાં: પોલીસ બેડામાં શોક : મુળ મુળીના વતનીઃ અગાઉ સુરેન્દ્રનગર એસપી કચેરીમાં હતાં: ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં બદલી થઇ હતીઃ જામનગર ખાતે અંતિમવિધી બુધવાર બેવડાયોઃ ગયા બુધવારે પીએસઆઇ અઘામનો સીટી બસે ભોગ લીધો'તોઃ આ બુધવારે સીપી કચેરીના કલાર્ક માટે કાર બની ગઇ કાળ

રાજકોટ તા. ૧૬: પોલીસ બેડા માટે વધુ એક શોકમય ઘટના બની છે. બુધવારે બેવડાયો હોય તેમ ગયા બુધવારે બજરંગવાડી શિતલપાર્ક પાસે સીટી બસે બાઇકને ઠોકરે લેતાં હેડકવાર્ટરના બેન્ડ પીએસઆઇ એચ. એ. અઘામનું મૃત્યુ થયું હતું અને તેમના પત્નિને ગંભીર ઇજા થઇ હતી. આ બનાવ હજુ તાજો છે ત્યાં ગઇકાલે બુધવારે રાતે 'હિટ એન્ડ રન'ની એક ઘટનામાં શહેર પોલીસ કમિશનર કચેરીની રજીસ્ટ્રી શાખાના કલાર્કનું બાઇક સહિત કારની ઠોકરે ચડી જતાં મૃત્યુ નિપજતાં પરિવારજનો અને પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. કરૂણતા એ છે કે દોઢ મહિના બાદ દિકરીના લગ્ન લેવાયા હોઇ પરિવારજનો તેની તૈયારીમાં હતાં ત્યારે જ ઘરના મોભી છીનવાઇ ગયા છે.

જાણવા મળ્યા મુજબ જામનગર રોડ મોરબી હાઉસ પાસે સરકારી બંગલો શેરી નં. ૧૩ સામે રહેતાં અને શહેર પોલીસ કમિશનર કચેરીમાં રજીસ્ટ્રી શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં નરેન્દ્રસિંહ મનુભા પરમાર (ઉ.વ.૫૨) રાતે સાડા નવેક વાગ્યે ઘરેથી પોતાનું બાઇક જીજે૧૩પી-૬૧૮૧ હંકારી ઘંટેશ્વર તરફ રહેતાં મિત્રને મળવા જવા માટે નીકળ્યા હતાં. એ દરમિયાન માધાપર ગામના ગેઇટ સામે પહોંચ્યા ત્યારે એમએચ-૦૧-ડીપી-૭૦૦૦ નંબરની  રેન્જરોવર કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં નરેન્દ્રસિંહ બાઇક સહિત ફંગોળાઇ  જતાં ગંભીર ઇજા થઇ હતી.

અકસ્માતને કારણે લોકો ભેગા થઇ જતાં નરેન્દ્રસિંહને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દીધો હતો. તેમની પાસેથી મળેલા આઇકાર્ડ પરથી ઓળખ થતાં તેમના સ્વજનોને જાણ કરાઇ હતી. નરેન્દ્રસિંહ મુળ મુળીના વતની હતાં. તેઓ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર ઋતુરાજસિંહ અને એક પુત્રી છે. પુત્ર મુંબઇ ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. દિકરીના દોઢ મહિના બાદ લગ્ન લેવાયા હોઇ પરિવારજનો તેની તૈયારીમાં હતાં. ત્યાં જ આ બનાવ બની ગયો હતો.

નરેન્દ્રસિંહ પરમાર અગાઉ સુરેન્દ્રનગર એસપી કચેરીમાં ફરજ બજાવતાં હતાં. ત્રણ વર્ષ પહેલા ત્યાંથી રાજકોટ સીપી ઓફિસની રજીસ્ટ્રી શાખામાં બદલી થઇ હોઇ પરિવાર સાથે રાજકોટ રહેવા આવ્યા હતાં. તેમના  પરિવારજનો જામનગર રહેતાં હોવાથી મૃતદેહને અંતિમ વિધી માટે ત્યાં લઇ જવામાં આવ્યો છે.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી. કે. ક્રિશ્ચીયને હોસ્પિટલે પહોંચી મૃત્યુ પામનારના ધર્મપત્નિ ક્રિષ્નાબા નરેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી રેન્જરોવર કાર એમએચ૦૧ડીપી-૭૦૦૦ના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી કાર લઇને ચાલક ભાગી ગયો હતો. પોલીસે લોકોએ નોંધેલા નંબર અને ફૂટેજ ચેક કરીને કારના નંબર મેળવ્યા હતાં.

(11:01 am IST)