Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મ્યુ. કમિશનર તમારા આંગણે... વોર્ડ યાત્રાનો પ્રારંભ : ૨ નંબરમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા

રાજકોટ તા. ૧૫ : મ્યુ. કમિશનર અમિત અરોરાએ હવે લોકોની વચ્ચે જઇને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળવા માટે દરરોજ એક વોર્ડની યાત્રા કરવાનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત આજે વોર્ડ નં. ૨માં મુલાકાત લઇ અને લોકોના તથા કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ શહેરને સુવિધા સજ્જ અને શહેરીજનોને સારી વ્યવસ્થા આપી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યશીલ રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડ નં. ૨માં કોવીડ વેકસીનેશન, વોંકળા સફાઈ, ડ્રેનેજ, જાહેર સ્વચ્છતા અને ટેકસ વસુલાત જેવી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી.

મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડ નં. ૨માં કોવીડ વેકસીનેશન, ટેકસ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં આગામી ૨ મહિનાના સમયગાળામાં વોર્ડમાં બાકી મિલકત વેરાની વસુલાત અંગે પ્લાનિંગ કરવા અંગેની ચર્ચા કરી હતી તેમજ આરાધના સોસાયટીમાં પેવર બ્લોકની ચાલુ કામગીરી નિહાળી હતી. તેમજ બાજુમાં જ આવેલ વોંકળાની પણ મુલાકાત લીધી હતી જયાં વરસાદી પાણીના નિકાલ માટે બાયપાસ લાઈન નાખવાની સંબધિત અધિકારીને સુચના આપી હતી.

આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પી.એ.(ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, સિટી એન્જી. એચ. એમ. કોટક, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડો. સાગઠીયા, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, આસી. કમિશનર એચ. કે. કગથરા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, આસી. ટાઉન પ્લાનિંગ શ્રી અઢીયા અને વોર્ડ નં. ૨ના વોર્ડ ઓફિસર ધવલ જેસડીયા હાજર રહ્યા હતા.

(3:24 pm IST)