Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મ.ન.પા.ની વેરા આવક ૮ મહિનામાં માત્ર ૧૬૬ કરોડ !

મિલ્કત વેરા વસુલાતમાં ૨૦૦ કરોડનું છેટુ : હવે કડક ઉઘરાણી : મિલ્કત સીલીંગ ઝુંબેશ

૫૦૦૦ જેટલા મોટી રકમના બાકીદારોનું હીટલીસ્ટ તૈયાર : કાલથી બાકી વેરો વસુલવા મિલ્કત જપ્તી - હરરાજી સહિતની કામગીરી વેગવંતી બનાવાશે

રાજકોટ તા. ૧૫ : ચાલુ નાણાકિય વર્ષ એપ્રિલ-૨૦૨૧થી માર્ચ ૨૦૨૨માં મ.ન.પા.એ ૩૬૦ કરોડની મીલ્કત વેરા આવકનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ વેરા વસુલાતમાં નબળી કામગીરી થતા છેલ્લા ૮ મહિનામાં એટલે કે એપ્રિલ-૨૦૨૧થી આજે ૧૫ ડિસેમ્બર સુધીમાં મિલ્કત વેરાની આવક માંડ ૧૬૬ કરોડ જેટલી થઇ છે. લક્ષ્યાંક સિધ્ધીમાં ૨૦૦ કરોડનું છેટુ છે અને હવે નાણાકિય વર્ષ પુરૃં થવામાં માત્ર ૩ાા મહિના બાકી છે. એટલું જ નહિ વેરા આવક જોઇએ તેટલી નહી થતાં મ.ન.પા.ની નાણાકિય સ્થિતિ તંગ બની છે. આ બધા પરિબળોને કારણે હવે તંત્ર વાહકોએ બાકી મિલ્કત વેરો વસુલવાની કામગીરી ઝડપી અને અસરકારક બનાવવા નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે મ્યુ. કમિશનરે ખાસ 'રિકવરી' અને 'એસેસમેન્ટ' સેલની રચના કરી છે.

હવે આ બંને ખાસ સેલ મારફત કાલથી કડક વેરા વસુલાતની કામગીરી થશે. જેમાં મિલ્કત સીલીંગ, હરરાજી વગેરેની કડક કાર્યવાહી થશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલ-૨૦૨૧થી આજે ૧૫ ડિસેમ્બર સુધીમાં મ.ન.પા.ને મિલ્કત વેરાની કુલ આવક ૧૬૬,૭૧,૬૧,૭૨૪ રૂપિયાની થઇ છે.

જેમાં પાંચ સિવિક સેન્ટરોમાં લોકોએ વેરો ભર્યો હોય તે ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેંક, વોર્ડ ઓફિસ ઉપરાંત વેબસાઇટ મારફત ઓનલાઇન વેરો ભર્યો હોય તે તમામ મળી કુલ ૨,૫૧,૭૬૯ કરદાતાઓએ રૂ. ૫૦,૬૬,૨૬,૧૦૦ની રોકડ રકમ અને રૂ. ૪૬,૬૪,૯૬,૭૧૬ ચેકથી તેમજ ક્રેડીટ કાર્ડ મારફત રૂ. ૬૯,૩૧,૩૬,૯૦૩ એ પ્રકારે તમામ મળી કુલ રૂ. ૬૬,૭૧,૬૧,૭૨૪નો વેરો ભર્યો છે.

આમ, હવે વેરાની લક્ષ્યાંક સિધ્ધી માટે બાકીના ૨૦૦ કરોડ વસુલવા કાલથી ૧ લાખથી વધુ રકમના બાકીદારોની મિલ્કત સીલ, મીલ્કત જપ્તી, હરરાજી સહિતની કડક કાર્યવાહી શરૂ થશે.

(2:43 pm IST)