Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મહિલાઓ માટે 'સુરક્ષિતા એપ' અને 'દૂર્ગા શકિત ટીમ'કાર્યરત

બહેન-દિકરીઓ-મહિલાઓ મુસાફરી કરતાં હોય ત્યારે અને પોલીસની મદદની જરૂર હોય ત્યારે એક બટન દબાવતાં જ પોલીસ પહોંચશે : પોલીસ હેડકવાર્ટર ખાતે કાર્યક્રમ યોજાયોઃ શ્રીમતિ અંજલીબેન રૂપાણી, શ્રીમતિ બીનાબેન આચાર્ય, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સહિતના અધિકારીઓની હાજરીઃ પોલીસ રમતોત્સવમાં વિજેતો ટીમોનું સન્માન અને પ્રશંસનીય કામગીરી કરનારા મહિલા તેમજ મહિલા પોલીસ કર્મચારીઓને બ્રેવરી એવોર્ડ તથા વિરતા પુરસ્કાર એનાયત : પ્લે સ્ટોરમાં surakshita લખી એપ ડાઉનલોડ કરી શકાશે

ગુજરાતમાં સોૈપ્રથમ રાજકોટમાં મહિલાઓની સુરક્ષા માટે 'સુરક્ષિતા' એપનું લોન્ચીંગઃ દૂર્ગા શકિત ટીમ પણ કાર્યરત : મહિલાઓની સુરક્ષા માટે શહેર પોલીસે સુરક્ષિતા એપ્લીકેશન આજે લોન્ચ કરી છે જે આજથી જ કાર્યરત થઇ ગઇ છે. આ ઉપરાંત દૂર્ગા શકિત ટીમની રચના પણ કરી છે. આ ટીમો પણ મહિલાઓની સુરક્ષાનું કામ કરવા ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. એપ લોન્ચ-ટીમ અનાવરણ અને શહેર પોલીસના રમતવીરોને સન્માન્વાનો તેમજ મહિલા પોલીસ કર્મચારીઓને વિરતા પુરષ્કાર તથા સિવિલિયન મહિલાઓ કે જેણે નારી શકિત દર્શાવી પ્રશંસનીય કાર્યવાહી કરી હતી તેને બ્રેવરી એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ આજે પોલીસ હેડકવાર્ટર ખાતે શ્રીમતિ અંજલીબેન વિજયભાઇ રૂપાણી અને મેયર શ્રીમતિ બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પીઆઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. એપ્લીકેશન લોન્ચીંગ અને દૂર્ગા શકિત ટીમ કઇ રીતે કામ કરે છે તેનું નાટક રજૂ કરી નિદર્શન કરવામાં આવ્યું હતું. તસ્વીરમાં શ્રીમતિ અંજલીબેન રૂપાણી સાથે ચર્ચા કરી રહેલા પોલીસ કમિશનર અગ્રવાલ, સાથે ડીસીપી સૈની, બાજુની તસ્વીરમાં એપ લોન્ચીંગની વિધી, નીચેની તસ્વીરોમાં મહિલા પોલીસ કર્મચારીઓનું સન્માન, એ પછીની નીચેની તસ્વીરોમાં પોલીસ રમતવીરોનું અને ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત અને દૂર્ગા શકિત ટીમ સાથે પોલીસ કમિશનર અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસપી સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ શ્રીમતિ રૂપાણી, શ્રીમતી આચાર્ય અને સોૈથી નીચેની તસ્વીરોમાં નાટક તથા દૂર્ગા શકિત ટીમ કઇ રીતે મદદે આવે છે તેનું નિદર્શન કરાયું તે દ્રશ્યો દેખાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૦)

રાજકોટ તા. ૧૬: ઠેકઠેકાણે મહિલાઓની છેડતી, પજવણી, અપહરણ, દૂષ્કર્મ સહિતના કિસ્સાઓ બનતા રહે છે. આવા સમયે રાજકોટ શહેર પોલીસે મહિલા, બહેન, દિકરીઓની સુરક્ષાને ધ્યાને લઇ એક ખાસ મોબાઇલ એપ્લિકેશન 'સુરક્ષિતા' તૈયાર કરી છે. આ એપ મોબાઇલમાં ડાઉનલોડ કરી તેના દ્વારા ગમે ત્યારે પોલીસની મદદ મેળવી શકાશે. આ ઉપરાંત મહિલાઓની મદદે ત્વરીત પહોંચવા માટે 'દૂર્ગા શકિત ટીમ'ની રચના કરવામાં આવી છે. આ ટીમ પણ બહેન-દિકરીઓ-મહિલાઓ જ્યારે મુસાફરીમાં હશે કે પછી અન્ય કોઇ સ્થળે મુશિબતમાં ફસાઇ હશે ત્યારે મોબાઇલમાં એક બટન દબાવતાં જ મદદે આવી જશે. એપ લોન્ચીંગ અને દૂર્ગા શકિત ટીમ કાર્યરત કરવાનો કાર્યક્રમ આજે પોલીસ હેડકવાર્ટર ખાતે યોજાયો હતો. આ ઉપરાં તપોલીસ રમતોત્સવના વિજેતાઓને ટ્રોફી અને પ્રશંસનીય કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ પણ આ સાથે રાખવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સોૈ પ્રથમ વખત રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઇને સુરક્ષિતા એપ અને દૂર્ગા શકિત ટીમ લાવવામાં આવ્યા છે. જેનું અનાવરણ આજે કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં પ્રથમ વખત આ પ્રકારની એપ્લીકેશન બનાવવામાં આવી છે. જે મોબાઇલ ફોનમાં પ્લેસ્ટોરમાં જઇ 'સુરક્ષિતા' ટાઇપ કરવાથી ઇન્સ્ટોલ થઇ શકશે. એ પછી આ એપમાં દર્શાવાયેલા સ્ટેપને અનુસરવાથી રજીસ્ટ્રેશન થઇ શકશે અને આ એપનો ઉપયોગ કરી શકાશે.

કઇ રીતે એપ કામ કરશે?

જો કોઇ પણ બહેન-દિકરી કે મહિલા મુસાફરી કરી રહ્યા હોય ત્યારે તેઓ એપમાં આપેલી વિગતમાં પોતાનું નામ, મોબાઇલ નંબર અને મુસાફરી શરૂ કરે ત્યાંનું સ્થળ અને મુસાફરી પુરી કરવાની છે ત્યાં સુધીના સ્થળનું નામ-સમય અને પોતે જે વાહનમાં બેઠા હોય તેનો નંબર સબમીટ કરવાના રહેશે. આ પ્રક્રિયા પુરી થતાં જ ફોનમાં જે તે બહેને ભરેલી વિગતનો મેસેજ આવી જશે. એ પછી તમને મુશિબત જેવું લાગે ત્યારે તુરત જ આ  એપની મદદથી તમે પોલીસની મદદ મેળવી શકશો.

જ્યારે પણ પોલીસની મદદની જરૂર હોય ત્યારે આ એપના હેલ્પ બટન પર કિલક કરશો તે સાથે જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં અને તમોએ એપમાં રજીસ્ટ્રેશનમાં જે બે ગાર્ડિયન (વાલી-મદદગાર)ના મોબાઇલ નંબર એડ કરેલા હશે તેને 'હું મુશ્કેલીમાં છું' તેવો મેસેજ પળવારમાં મળી જશે.

હેલ્પ બટન કિલક કરવાથી સેન્ડ થયેલો મેસેજ પોલીસ અને તમારા પરિચીત-વાલી (ગાર્ડિયન્સ)ને મળી જશે અને તે સાથે તમે જે જગ્યાએ હશો ત્યાંના કરન્ટ લોકેશનની માહિતી પણ મળી જશે અને લિંક આવી જશે. આથી પોલીસ પણ તાબડતોબ ત્યાં પહોંચી જશે અને તમારા ગાર્ડિયન્સ પણ ત્યાં પહોંચી શકશે. આમ સુરક્ષિતા એપ બહેનો-દિકરીઓ-મહિલાઓને ખુબ જ ઉપયોગી નિવડશે.

કાર્યક્રમમાં શ્રીમતિ અંજલીબેન વિજયભાઇ રૂપાણી, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય અતિથિ વિશેષ પદે હાજર રહ્યા હતાં અને એપ લોન્ચીંગ તથા દૂર્ગા શકિત ટીમનું અનાવરણ કરાવ્યું હતું. જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ તમામ એસીપીશ્રીઓ, પોલીસ મથકના ઇન્સ્પેકટસશ્રીઓ અને બીજા અધિકારીઓ હાજર રહ્યા હતાં. મહિલા પોલીસ મથકના પી.આઇ. એસ.આર. પટેલે પણ સુરક્ષિતા એપ્લીકેશન વિશે ઉપસ્થિત બહેનોને વિસ્તૃત સમજ આપી હતી. પી.આઇ. સેજલ પટેલે જણાવ્યા મુજબ દૂર્ગા શકિત ટીમ પણ મહિલાઓની મદદ માટે કામ કરશે. દરેક પોલીસ મથકમાં ચાર-પાંચ મહિલા હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના સભ્યોની બનેલી આવી ટીમો કાર્યરત રહેશે અને જ્યારે પણ મહિલાઓને મદદની જરૂર હશે ત્યારે આ ટીમ રૂબરૂ પહોંચીને મદદ પુરી પાડશે.

આ ઉપરાંત દૂર્ગા શકિતની ટીમો એનજીઓની મદદથી શાળા-કોલેજોમાં પહોંચીને મહિલાઓમાં સુરક્ષાને લઇને જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો આપશે અને સ્કૂલ, કોલેજો, મોલ, મહિલાઓની જ્યાં વધુ ભીડ રહેતી હોય તેવા સ્થળોએ ખાનગી પેટ્રોલીંગ કરીને પણ વોચ રાખશે.

સુરક્ષિતા એપ અને દૂર્ગા શકિત ટીમ અનાવરણની સાથો સાથ શહેર પોલીસ વાર્ષિક રમતોત્સવના વિજેતાઓને ટ્રોફી પણ એનાયત થઇ હતી. જેમાં બેસ્ટ મેલ એથ્લીટ, બેસ્ટ ફિમેલ એથ્લીટ અને જનરલ ચેમ્પિયન શીપ બદલ એવોર્ડ અપાયા હતાં.

આ ઉપરાંત શહેરના મહિલા પોલીસ કર્મચારીઓને વિરતા પુરષ્કાર અપાયો હતો. જેમાં એએસઆઇ કયાબેન આર. ચોટલીયા (બી-ડિવીઝન), કોન્સ. જ્યોતિબેન આર. જોલીયા (ભકિતનગર), કોન્સ. સમીનાબેન રઝાકભાઇ શેખ (આજીડેમ), પીએસઆઇ એચ. જે. બરવાડીયા (યુનિવર્સિટી પોલીસ સ્ટેશન), એએસઆઇ તૃષાબેન રામજીભાઇ બુહા (તાલુકા પોલીસ સ્ટેશન) તથા કોન્સ. મેઘનાબેન મહિપતભાઇ ગોહેલ (માલવીયાનગર)નો સમાવેશ થાય છે.

જ્યારે બે સિવિલિયન મહિલા હિમાંશીબેન રમેશભાઇ વસીયાણી (ઉ.૧૭) અને દિવ્યાબા ભાવુભા જાડેજા (ઉ.૨૭)ને પણ આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી બાઇક ચાલકે અવાવરૂ સ્થળે છોડી દેતાં આ બાળકીને તેના વાલી સુધી પહોંચાડવાની કામગીરી અને નવરાત્રી પર છેડતી કરતાં શખ્સોને પડકાર ફેંકી ૧૮૧, ૧૦૦ નંબર પર પોલીસને ફોન કરી નારીશકિતનું ઉદાહરણ પુરૂ પાડવા બદલ બ્રેવરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.

દૂર્ગા શકિત ટીમ કઇ રીતે કામ કરે છે તેની માહિતી આપતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતાં અને સુરક્ષા માટેની પોલીસે રજૂ કરેલી એપ તથા દૂર્ગા શકિત ટીમની રચના સામે અત્યંત ખુશાલી વ્યકત કરી હતી. મહિલાઓ, કોલેજીયન છાત્રાઓ, નોકરી કરતી બહેન-દિકરીઓ કે બીજા કોઇપણ મહિલાઓ સુરક્ષિતા એપનું પોતાના ફોનમાં ઇન્સ્ટોલેશન કરી તેનો ઉપયોગ કરી પોલીસની મદદ મેળવી શકશે.

સાયબર સુરક્ષિત મહિલા બૂકની બીજી આવૃતિનું વિમોચન

આધુનિક યુગમાં મહિલાઓ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતી થઇ છે. આ કારણે ઘણી વખત તેમની સાથે સાયબર ક્રાઇમ પણ થઇ શકે છે. ફોનનો ઉપયોગ કરતી વખતે શું તકેદારી રાખવી? તેની માહિતી આપતી પુસ્તિકા સાયબર સુરક્ષિત મહિલાની બીજી આવૃતિનું પણ વિમોચન કરાયું છે.

 

(3:44 pm IST)
  • પશ્ચિમ બંગાળના માલદા, દિના પૂર, મુર્શિદાબાદ ,હાવરા, 24 પરગણા સહિતના અશાંત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે access_time 6:23 pm IST

  • મિસ વર્લ્ડનો તાજ જમૈકાની 23 વર્ષીય યુવતિ ટોની એન.સિંહના શિરે : ભારતની સુંદરી સુમન રાવ ત્રીજા ક્રમે : લંડનમાં યોજાઈ ગયેલી સૌંદર્ય સ્પર્ધા access_time 8:17 pm IST

  • ર૪મી સુધી પાયલ રોહતગીને જેલ : પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને તેમના પિતા મોતીલાલ નહેરૂ વિરૂદ્ધ વાંધાજનક વિડીયો બનાવવા અને તેને શેયર કરવાના મામલે અભિનેત્રી પાયલ રોહતગીને ર૪મી સુધી જેલ સજા થઇ છે : બુંદી પોલીસે ગઇકાલે અમદાવાદથી ધરપકડ કરી હતી access_time 4:06 pm IST