Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

કાલે કારોબારી અધ્યક્ષના રાજકીય ભાવિનો ફેંસલો

રાજીનામું ન આવે તો અવિશ્વાસ દરખાસ્ત પસારઃ પાદરિયા

રાજકોટ, તા., ૧૬: જિલ્લા પંચાયતના  કારોબારી અધ્યક્ષ રેખાબેન જીજ્ઞેશ પટોળીયા સામે સમીતીના ૯ પૈકી ૬ સભ્યોએ મુકેલ દરખાસ્ત અંતર્ગત બળાબળના પારખા માટે આવતીકાલે મંગળવારે બપોરે ૧ર વાગ્યે બેઠક મળનાર છે. તે પુર્વે તેઓ રાજીનામુ આપે અથવા સમાધાનના વિશેષ પ્રયત્નો કરે તેવી શકયતા નકારાતી નથી. કોઇ અણધાર્યો વળાંક ન આવે તો આવતીકાલે કારોબારી અધ્યક્ષ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર થઇ જશે. દરખાસ્ત પસાર થઇ જાય તો નવા અધ્યક્ષની વરણી માટે ડીડીઓએ ટુંક સમયમાં સમીતીની બેઠક બોલાવવાની રહેશે. સાથીદારો રાજીનામુ આપવા માટે સમજાવી રહયા છે. કાલે એક-બે સભ્યો ગેરહાજર રહે તેવી પણ સંભાવના છે. નવા અધ્યક્ષ તરીકે કે.પી.પાદરીયા અને ભાનુબેન તળપદાનું નામ સંભળાઇ રહયું છે.  કુંવરજીભાઇ જુથના ૩ સભ્યોનું કાલનું વલણ નિર્ણાયક બનશે.

અવિશ્વાસ દરખાસ્ત મુકનાર કે.પી.પાદરીયાએ આજે જણાવેલ કે દરખાસ્તમાં સહી કરનાર અમે ૬ સભ્યો અકબંધ છીએ. અન્ય બે સભ્યો પણ સાથે રહે તેવી આશા છે. ૯માં સભ્ય તરીકે અધ્યક્ષ પોતે છે. જો તેઓ કાલની બેઠક શરૂ થાય ત્યાં સુધીમાં રાજીનામુ નહી આપે તો આવતીકાલે અવિશ્વાસ દરખાસ્ત પસાર થઇ જવાનું નિશ્ચિત છે. સમાધાનની કોઇ શકયતા નથી.

(3:26 pm IST)