Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

કાલાવડ રોડ પર યુધ્ધના ધોરણે નવો પાણીનો ટાંકો

ગઇકાલે આત્મીય કોલેજ પાસે બપોરે ર૦ લાખ લીટરનો ટાંકો તુટી પડતાં હવે બાજુમાંજ નવો બનાવાશે :સ્ટેન્ડીંગ કમીટીની મંજુરીની અપેક્ષાએ કામ શરૂ કરી દેવા ચેરમેન ઉદય કાનગડની સુચના

રાજકોટ તા. ૧૬: શહેરના કાલાવડ રોડ પર ગઇકાલે બપોરે ૧ર વાગ્યા આસપાસ પાણી વિતરણ કરવા માટેનાં ટાંકાની ઉપર ઢાંકણાની છત ધડાકાભેર તુટી પડી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાની કે ઇજા થઇ ન હતી પરંતુ આ ટાંકો તુટવાથી વોર્ડ નં. ર, ૭, ૮, ૧૦ અને ૧૧ ના સેંકડો સોસાયટીઓમાં પાણી વિતરણમાં વિક્ષેપ પડયો હતો.

દરમિયાન મેયર બીનાબેન આચાર્યએ આજે ઇજનેરોની બેઠક બોલાવી અને કાલાવડ રોડ પર જે સ્થળે ટાંકો તુટી ગયો છે તેની બાજુમાંજ નવો પાણીનો ટાંકો બનાવવા જણાવ્યું હતું. જયારે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે પણ અધિકારીઓને સ્પષ્ટ સુચન કર્યું હતું કે ''પાણીનો નવો ટાંકો યુધ્ધના ધોરણે બનાવવાની જરૂરિયાત છે.'' આથી સ્ટેન્ડીંગ કમીટીની મંજુરીની પ્રક્રિયાની રાહ જોયા વગર મંજુરીની અપેક્ષાએ પાણીના ટાંકાની કામગીરી શરૂ કરી દેવી.

મેયર બીનાબેન આચાર્ય ત્થા સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે વિસ્તૃત વિગતો આપતાં જણાવેલ કે કાલાવડ રોડ પર આત્મિય કોલેજ પાસે ૪૩ વર્ષ જુનો પાણીનો ટાંકો છે. જેની ઉપરનાં ઢાંકણાની છત તુટી ગઇ છેુ. આમ હવે બાંધકામ જુનું થઇ ગયું હોય તેમાં સમારકામ કરવાનું જોખમ લઇ શકાય નહિં માટે તેની બાજુમાંજ નવી આધુનિક ફાઇબાર ટેકનોલોજી વાળુ મજબુત બાંધકામ ધરાવતો પાણીનો ટાંકો નવોજ બનાવવા નિર્ણય લેવાયો છે.

મેયરશ્રી ઉમેયું હતું કે ''હાલમાં જે તુટેલો ટાંકો છે તે યથાવત રહેવા દેવાશે. અને ભવિષ્યમાં તેની સુરક્ષા વગેરે ચકાશીને તેનો વૈકલ્પીક ધોરણે ઉપયોગ કરવાનું વિચારણા હેઠળ છે.

જયાં સુધી આ નવો ટાંકો બનશે ત્યાં સુધી પાણીની મુખ્ય પાઇપ લાઇનને વિતરણની પાઇપ લાઇન સાથે જોડી દઇને વોર્ડ નં. ર, ૭, ૮, ૧૦ અને ૧૧ માં પાણી વિતરણની વૈકલ્પીક વ્યવસ્થા આજરોજ ગોઠવી દેવાઇ છે.

(3:25 pm IST)