Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

માંધાતાસિંહ જાડેજા રાજકોટ રાજય પરિવારના ૧૭માં ઠાકોર સાહેબ બનશે

રાજકોટમાં જાન્યુઆરીમાં રાજસૂય યજ્ઞની સાથે રાજાની ભવ્ય રાજતિલક વિધી ત્રણ દિવસ સુધી ચાલશેઃ ચારે ય વેદો ના મંત્રોની આહુતિ અપાશે : દરરોજ ૫૧ બ્રાહ્મણો યજ્ઞ કરાવશે : પેલેસને દીપથી શણગારાશે, સેંકડો ક્ષત્રીય યુવક-યુવતીઓ એક સાથે તલવાર રાસ લેશે : વિજયભાઈને આમંત્રણ

રાજકોટ તા.૧૬ : રાજકોટના લોકોએ છેલ્લા એક દાયકામાં રાજય પરિવારના બે વિવાહની ભવ્યતા અને ભપકો નજરે જોયા છે. તો રાજવીઓનો પ્રજાપ્રેમ તો સદીઓથી અહીંની પ્રજાની પેઢીઓએ જોયો છે. પરંતુ આગામી દિવસોમાં રાજકોટના લોકો એક અત્યંત મહત્વનો અને અપૂર્વ એવો અવસર માણવા જઇ રહ્યાં છે. રાજકોટ રાજય પરિવારના સત્ત્।રમાં રાજવી તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ પૂરી આન,બાન અને શાનથી જાન્યુઆરી માસના અંતે સંપન્ન થશે. અગાઉ કયારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરવામાં આવશે. જેમાં ૩૦૦ જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે. દેશના અન્ય રાજયોના રજવાડાં અને ગુજરાતના રાજવી પરિવાર તેમ જ સંતો-મહેતો, અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સમારોહ થશે. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને પણ એમાં હાજર રહેવા નિમંત્રણ અપાયું છે.

રાજકોટ રાજયના ઇતિહાસમાં કે પુરા ભારત દેશમાં પણ આ પ્રકારે રાજતિલક વિધિ કયારેય યોજાઇ નથી. સવા ચારસો વર્ષનો ઇતિહાસ ધરાવતાં રાજકોટ રાજયનો જાડેજા પરિવાર આ ઉત્સવ ધર્મની આજ્ઞા અનુસાર ઉજવવા જઇ રહ્યો છે. રામાયણ અને મહાભારત, ધર્મસિંધુ, નિર્ણય સિંધુ તેમજ મનુ સ્મૃતિ માં રાજસૂય યજ્ઞ તેમ જ રાજતિલક નો મહિમા દર્શાવાયો છે. તેવા જ પ્રમાણ સાથે રાજકોટમાં ત્રિદિવસીય રાજસૂય યજ્ઞ વિધિ વિધાન સાથે સંપન્ન થશે. રાજમાતા શ્રી માનકુમારીબાના આશીર્વાદથી માંધાતાસિંહ જાડેજા રાજકોટના ઠાકોર સાહેબનું પદગ્રહણ કરશે.

સૌરાષ્ટ્રના જાણીતાં વિદ્વાન શાસ્ત્રીજી શ્રી વૃજલાલ ભાઈ શાસ્ત્રીજીના પ્રાણની પ્રતિમા એવા કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદીના આચાર્ય પદે શાસ્ત્રના નિયમ મુજબ આ યજ્ઞ દિવ્યતાતી દિવ્ય, ભવ્યાતિ ભવ્ય, નવ્યાતી નવ્ય અને પૂર્ણાતી પૂર્ણ સંપન્ન થશે.

કૌશિકભાઈ ત્રિવેદી જણાવે છે, ભારતમાં મોગલ શાસકો આવ્યા અને એ પછી અંગ્રેજ હુકુમત રહી એ પછી રજવાડાંમાં કોઇ ઉત્ત્।રાધિકારીને જવાબદારી સોંપવાની આવે તો તિલકવિધી થાય એનો ઉત્સવ થાય પણ આમ મોટાપાયે યજ્ઞવિધિથી આ કાર્ય સંપન્ન થયું હોય એવું મારી જાણમાં નથી.

રાજકોટમાં ૨૦૨૦મી જાન્યુઆરી માસના અંતે જે કાર્ય થવાનું છે એનું ઘણું મહત્વ છે. મહાભારતમાં પાંડવોને પાંચ ગામ ધૃતરાષ્ટ્ર આપે છે. એનો જીર્ણોદ્ઘાર કરી નામ ઇન્દ્રપ્રસ્થ રાખે છે. યુધિષ્ઠિર ગાદી પર બેઠા ત્યારે આવો યજ્ઞ થયો હોવાનો ઉલ્લેખ ભાગવતમાં છે. શાસ્ત્રમાં રાજાને ચારેય વર્ણના પિતા ગણાવાયા છે. યજ્ઞ વિધિ દ્વારા જો રાજયાભિષેક થાય તો દેવતાઓ રાજાના અસ્તિત્વમાં પ્રવેશે છે. નિતી, ન્યાય,ધર્મ મુજબ એ રાજય ચલાવે એવું આ યજ્ઞનું પરિણામ હોય છે.

યજ્ઞ અને સમગ્ર વિધિ દ્વારા રાજાને એવાં આશીષ મળે છે કે એમના રાજયની પ્રજા દુષ્કાળ,ચોરી જેવી આફત-દુષણથી મુકત રહે. રાજા દાને,પ્રજા સ્નાને એવું સૂત્ર છે એટલે કે રાજા જે આપે એ પ્રજા પામે, રાજસૂય યજ્ઞની ઊર્જા એવી હોય છે કે પૃથ્વીનું આયુષ્ય પણ એક હજાર વર્ષ વધી જાય છે. શાસ્ત્રી કૌશિકભાઇ ઉમેરે છે કે ૫૧ શાસ્ત્રીજી દરરોજ શ્રી ધર યજ્ઞ શાળામાં આહૂતિ આપશે. જયારે યુધિષ્ઠીર મારાજ રાજસૂય યજ્ઞ કરવાના હતા ત્યારે ભગવાન કૃષ્ણની આજ્ઞા મુજબ વિશ્વકર્મા ભગવાને ઇન્દ્રપ્રસ્થ નગરમાં શ્રીધર યજ્ઞ શાળાનું નિર્માણ કર્યું હતું. એ મુજબ અહી રણજીત વિલાસ પેલેસમાં શ્રીધર યજ્ઞ શાળાનું આયોજન થશે.

તા. ૨૮મીએ ઉત્સવ-યજ્ઞનો આરંભ થશે અને જળયાત્રા તથા રાજાની નગરયાત્રા નીકળશે. એ જ દિવસે રાજય પરિવાર અને એમની સંસ્થાઓ દ્વારા તલવાર રાસનું આયોજન થયું છે. જયારે ૨૯મી એ રાજકોટના સર્વ સમાજ દ્વારા રણજિત વિસાલ પેલેસ ખાતે દીપમાળા-દીપ પ્રાગટ્ય પણ યોજાશે. તા. ૩૦ જાન્યુઆરીને વસંત પંચમીના દિવસે માંધાતાસિંહનું રાજતિલક થશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ રાજપરિવારના મોભી, રાજયના પુર્વ નાણાં-આરોગ્ય પ્રધાન મનોહરસિંહ જાડેજાનું ગત વર્ષે અવસાન થયું પછી માંધાતાસિંહ રાજ પરિવાર દ્વારા ઠાકોર સાહેબ જાહેર તો થઇ ગયા હતા પરંતુ આ શાસ્ત્રોકત વિધિ બાકી રહી હતી. દાદાની સ્મૃતિમાં એક વિશિષ્ટ કાર્યક્રમ યોજયા પછી હવે આ તિલકવિધીની પરંપરા નિભાવાઇ રહી છે.

માંધાતાસિંહ જાડેજા કહે છે, રાજતિલકની આ વિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને નિમંત્રણ અપાયું છે. આખા દેશમાંથી વિવિધ મંદિરો, ધાર્મિક જગ્યાના સંતો મહંતો, મહામંડલેશ્વર વિવિધ રજવાડાના રાજા, પ્રતિનિધીને પણ નિમંત્રણ પાઠવ્યું છે.રાજયાભિષેક નિમિત્ત્।ે ક્ષત્રીય સમાજના તલવાર રાસનું પણ આયોજન છે. એક સાથે ૩૦૦૦ ભાઇ-બહેન એક સમયે,એક સ્થળે તલવાર રાસ કરશે અને એ વર્લ્ડ રેકોર્ડ બને એ માટે પણ અમે પ્રયાસ શરૂ કર્યા છે.

રાજકોટ રાજયમાં લોકોને સાથે રાખીને અહીં ઉત્સવ ઉજવાયા છે તો આમાં પણ રાજકોટના લોકો સામેલ થાય એવી અમારી સૌની ઇચ્છા છે. પૂ. મોરારીબાપુ આ વિધિ પૂર્વે આશીર્વાદ આપવા આવવાના છે. રાજકોટ રાજ પરિવારને આદિ શંકરાચાર્યજીના પણ આશીષ મહેલમાં પ્રાપ્ત થયા છે તો રણછોદાસજી બાપુની કૃપાદ્રષ્ટિ પણ આ પરિવાર પર રહી છે. રાજકોટ રાજયને મહેરામણજી, શ્રી બાબાજીરાજ બાપુ, લાખાજીરાજ બાપુની પ્રજાપ્રિયતાના આશીષ સાંપડ્યા છે. રજવાડાંના સમયમાં પણ લોકશાહી મૂલ્યોને વરેલો આ પરિવાર હંમેશા લોકોની સાથે સુખમાં અને દુઃખમાં પણ રહ્યો છે.

શ્રી મનોહરસિંહજી જાડેજાએ પોતાના પૂર્વજોની આ પરંપરા લોકશાહી સમયમાં પણ જાળવી હતી. રાજકારણમાં સક્રિય રહીને એમણે લોકોની સેવા કરી. બહુજન હિતાય, બહુજન સુખાય કાર્ય કર્યા. રાજ પરિવારની પ્રણાલી એમણે નિભાવી તો મંત્રી તરીકે,પ્રજાના પ્રતિનિધિ તરીકે પણ જવાબદારી અદા કરી હતી. એમના પુત્ર શ્રી માંધાતાસિંહજી પણ લોકોનું હિત હૈયે રાખી, સર્વ સમાજને સાથે રાખીને જાહેરજીવનમાં આગળ વધી રહ્યા છે.ઙ્ગ

આ યજ્ઞ અને રાજસૂય યજ્ઞનું મહત્વ એટલા જ માટે રાજ પરિવાર ઉપરાંત રાજકોટના લોકો માટે પણ એટલું જ છે.ઙ્ગ રાજસૂય યજ્ઞમાં ૩૦૦ બ્રાહ્મણો રાજાનો જળાભિષેક કરશે. ત્રણ દિવસ વિધી ચાલશે. આવો યજ્ઞ નજીકના ભૂતકાળમાં સમગ્ર દેશમાં યોજાયો નથી.

(1:03 pm IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે લેવાયેલ એમએસઈ સેમેસ્ટર-૧માં મેથેમેટીકસ એલઝીબ્રા પેપરમાં પેપરસેટરે કોર્ષ બહારનું પૂછતા વિદ્યાર્થીનો હોબાળો : વિદ્યાર્થીઓનો આક્રમક મિજાજ પારખી પ્રશ્નપત્ર રદ્દ કરવાની ફરજ પડી access_time 5:55 pm IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST

  • અમદાવાદની જુની વાડીલાલ સારાભાઇ(vs)હોસ્પિટલ તોડવા પર સ્ટેઃ વધુ સુનાવણી શુક્રવારેઃ હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો access_time 11:38 am IST