Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મહિલા સુરક્ષા - પોલીસ તંત્ર અને સરકારને એક સૂચન

કોઈ મહિલા અંધારું ઢડયે મોડી સાંજે કે રાત્રે ઓછી અવરજવર વાળા રસ્તા પર કોઈ પણ કારણે અટવાઈ ગઈ હોય અથવા તો પોતાને અસુરક્ષિત મહેસુસ કરતી હોય તો મદદ માટે પોલીસને ફોન કરી શકે છે.

આ વ્યવસ્થા કેવી અસરકારક રીતે કામ કરે છે એ ચકાસવા પોલીસે ગઈકાલે રાજકોટમાં મોક ડ્રિલ કરી હતી.પોલીસ લગભગ ૩૦ મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આ એક પ્રસંશનીય પ્રયાસ હતો.કોઈ મહિલા મદદ માંગે ત્યારે પોલીસ પાંચ દસ મિનિટમાં જ પહોંચી જાય એ અપેક્ષા તર્કસંગત નથી.કયારેક એવું પણ બને કે સ્થળ શોધવામાં વધારે વાર પણ લાગે.આ સંજોગોમાં આ વ્યવસ્થાને વધુ મજબૂત, ઝડપી અને વ્યાપક બનાવવા એક સૂચન કરું છું.

આ વ્યવસ્થામાં લોક ભાગીદારી કરવી.આ પ્રોજેકટને લોક પ્રકલ્પ બનાવી દેવો.

એ કઈ રીતે થઈ શકે?

પોલીસતંત્ર લોકોને આ યોજનામાં સહભાગી બનવા આમંત્રણ આપે,આહવન કરે.

લોકો ચોક્કસ જોડાશે જ. ખાત્રી સાથે કહું છું કે લોકો જોડાશે જ.

એ પછી વોર્ડવાઇસ અલગ ગ્રુપ બનાવવા.માની લ્યો કે દરેક વોર્ડમાં ૧૦૦ યુવાનો કે નાગરિકો જોડાયા.તે પછી એ વોર્ડના કોર્પોરેટર, અગ્રણી નાગરિકો અને અન્ય યુવાનો મળી પાંચ છ વ્યકિતને તે જૂથના લીડર બનાવવા.એ લીડર પાસે પોતાના વોર્ડના દરેક કાર્યકરના મોબાઈલ નંબર અને સરનામાં હોય.

પોલીસે શું કરવાનું?

પોલીસને મદદ માટે ફોન આવે એટલે પહેલાં તો એ વિસ્તારની તમામ પીસીઆર વાનને જાણ કરી દેવી.

ત્યારબાદ તુર્ત જ જે તે વિસ્તારના લીડરને ફોન દ્વારા સ્થળ સહિતની તમામ વિગતો આપવી.

વોર્ડના કાર્યકરોનું નેટવર્ક એવું હોવું જોઈએ કે તે એ વોર્ડના લગભગ તમામ વિસ્તારોને આવરી લેતું હોય.

એટલે કે માની લ્યો કે વોર્ડ એ ના જીમખાના પાસેથી મદદની માંગણી થઈ છે તો લીડર એ સ્થળ થી દૂરના જંકશન પ્લોટના કાર્યકરો ને નહીં પણ નજીકના જાગનાથ પ્લોટ,કે મોટી ટાંકી,સદરના કાર્યકરોને જાણ કરે.એ કાર્યકરો એ વિસ્તારની ભૂગોળથી સુપેરે પરિચિત હોય અને તેથી ગણતરીની મિનિટમાં ત્યાં પહોંચી જાય.

તે પછી કાર્યકરોએ શું કરવાનું

એક નિયમ તરીકે એ કાર્યકરો જયાં સુધી પોલીસ ન આવે ત્યાં સુધી મહિલાની પાસે રહે.ત્યાર બાદ મામલો પોલીસને સોંપી દેવાનો.

આવા કાર્યકરોને ઓળખ પત્ર આપી શકાય,જે રીતે પોલીસમિત્રને આપવામાં આવ્યા છે.

આ પણ કરી શકાય,આ સહુથી વધારે મહત્વનું.

Help Me ના સાઈન બોર્ડ બનાવવા.

સમગ્ર રાજયમાં એક ચોક્કસ ડિઝાઇન અને સંજ્ઞાચિહ્ન સાથે

Help Me  I Feel Unsafe

એવું લખેલા સાઈન બોર્ડ બનાવવા. એનો બહોળો પ્રચાર કરવો જેથી એ બોર્ડ જોઈને લોકો સમજી જાય કે બહેન મુશ્કેલીમાં છે.જેમ કે રેડ ક્રોસ,અથવાઙ્ગ હોસ્પિટલ કે ડોકટરની ગાડીને આપણે એક ક્ષણમાં ઓળખી લઈએ છીએ. મહિલાઓ પોતાના વાહનમાં એ સાઈન બોર્ડ હરહંમેશ સાથે રાખે.અને અસલામતીની સમયે રસ્તા પર એ બોર્ડ બતાવે.આનો ફાયદો એ થાય કે મદદે આવતાં કાર્યકરોને મહિલાને શોધવામાં સરળતા રહે.એટલું જ નહીં ત્યાંથી પસાર થતા અન્ય રાહદારીઓ કે વાહન ચાલકોને પણ પરિસ્થિતિનો ખ્યાલ આવે અને એ લોકો પણ બીજી મદદ ન આવે ત્યાં સુધી એ મહિલાની સાથે રહે.

આ વયવસ્થાનો એક ફાયદો એ છે કે મોટી સંખ્યામાં કાર્યકરો આ સેવામાં જોડાય ત્યારે મહિલા સુરક્ષામાં પોતાનું પણ પ્રદાન છે એ લાગણી જન્મે.મહિલા સુરક્ષા અને મહિલા સન્માનની લાગણી વધુ વ્યાપક બને.આવી જડબેસલાક વ્યવસ્થા હોય તો લફંગાઓ બે વખત વિચારતાં થાય.એ ઉપરાંત પોલીસ અને પ્રજા વચ્ચે એક નવો સંપર્ક સેતુ બને.પોલીસને એ અન્ય રીતે પણ ફાયદો કરે.

મૂળ મુદ્દો એ છે કે એવી સ્થિતિમાં મહિલા લાંબો સમય એકલી ન હોવી જોઈએ.જો એ સમસ્યાનું નિવારણ થાય તો મહદઅંશે મહિલા સલામત રહે.

શું આ શકય છે?

હા, શકય છે.

આજથી ૪૦ વર્ષ પહેલાં જયારે આટલી મોટી સંખ્યામાં બ્લડ બેંક નહોતી ત્યારે આ જ રીતે જુદા જુદા સ્થળે વોર્ડ-વિસ્તાર વાઇઝ બ્લડ ડોનરની યાદી વાળા ચોપડા રાખવામાં આવતા. મેં પોતે એ કરેલું છે. પાનની દુકાનો,ચાની રેંકડીઓ, વેપારીઓ, દુકાનદારો, મેડિકલ સ્ટોર્સમાં એ ચોપડા રાખવામાં આવતા. રાજકોટના સેંકડો નાગરિકો,યુવા મંડળો, સ્વેઇચ્છીક સંસ્થાઓ નું એક જબરજસ્ત નેટવર્ક ઉભું થયું હતું.

આજે પણ થઈ શકે.એક સુદ્રઢ,સુનિયોજિત વ્યવસ્થા ગોઠવવામાં આવે તો મને ખાત્રી છે કે હજારોની સંખ્યામાં કાર્યકરો જોડાઈ જશે.મહિલા સુરક્ષા અંગે એક પોઝિટિવ સશકત માહોલ ઉભો થશે.

:: આલેખન ::

જગદીશ આચાર્ય

(જાણીતા કોલમીસ્ટ, પત્રકાર, બ્લોગર,

સોશ્યલ મિડીયા રાઈટર, મો.૯૮૨૫૨ ૭૪૩૭૪)

(1:03 pm IST)